શહેરની ભાગોળે નવાગામમાં રહેતો 18 વર્ષનો યુવક અને તેનો સગીરવયનો પિતરાઇ બપોરે બાઇકમાં આંટો મારવા ગયા હતા અને પરત ફરતા હતા ત્યારે કુવાડવા રોડ પર ધસી આવેલી કારે બાઇકને ઉલાળ્યું હતું, અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતરાઇને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
નવાગામમાં આવેલા મઢ નજીક રહેતો ગોપાલ પ્રવીણભાઇ વાટિયા (ઉ.વ.18) અને પાડોશમાં જ રહેતો તેનો પિતરાઇ ઉદય રાજેશભાઇ વાટિયા (ઉ.વ.17) રવિવારે બપોરે બાઇકમાં આંટો મારવા નીકળ્યા હતા, થોડે સુધી બાઇકસવારીનો આનંદ માણી બંને ભાઇ ઘર તરફ પરત ફરી રહ્યા હતા અને બાઇક ગોપાલ ચલાવતો હતો ત્યારે કુવાડવા રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ પાસે પાછળથી ધસી આવેલી કારે બાઇકને ઉલાળ્યું હતું. કારની ઠોકરથી બંને ભાઇ રસ્તા પર ફંગોળાયા હતા,
અકસ્માત સર્જી કારચાલક નાસી ગયો હતો, ઘટનાને પગલે ટોળે વળેલા લોકોએ બંનેને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ગોપાલ વાટિયાનું મોત નીપજ્યું હતું, જ્યારે ઉદયની હાલત પણ ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ગોપાલ બે ભાઇમાં મોટો હતો અને પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો, પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.