• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Young Man Committed A Fraud Of Rs. 1.12 Lakh By Telling The Worker In The Gymnasium, 'Give Me The ATM Card And I Will Make The Deposit'.

રાજકોટ ક્રાઇમ ન્યુઝ:જીમખાનામાં શ્રમિકને 'ATM કાર્ડ આપો હું ડિપોઝીટ કરી દઉં' કહી યુવકે રૂ.1.12 લાખની છેતરપિંડી આચરી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટમાં મુળ યુપીના મેનપુરીના પશુપુર ગામના વતની અને હાલ બેડીનાકા ટાવર પાસે મેઘાલય ટ્રાન્‍સપોર્ટ પાસે રહી મજૂરી કરતાં અશોકભાઇ ‍ જાટવ (ઉ.વ.43)ની ફરિયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ આઇપીસી 406, 420 મુજબ રૂ. 1.12 લાખની છેતરપીંડી કરવાનો ગુનો નોંધ્‍યો છે. અશોકભાઇએ જણાવ્‍યું હતું કે 29 ફેબ્રુઆરીના રોજ હું SBI બેંક જીમખાના બ્રાંચ ખાતે ATM માં પૈસા ડિપોઝીટ કરવા ગયો હતો. મારે મકાન લેવાનું હોઇ નરેન્‍દ્રભાઇને ચેક પણ આપવાનો હોવાથી મારી પાસે પડેલા રૂપિયા ખાતામાં ATM થી જમા કરાવવા હતાં. રૂ. 39 હજાર મેં SBI ના ખાતામાં જમા કરાવ્‍યા હતાં. એક હજાર બાકી રહી ગયા હોઇ મારી બાજુમાં ઉભેલા શખ્‍સે કહેલું કે તમારુ કાર્ડ આપો હું ડિપોઝીટ કરી આપું. જેથી મેં કાર્ડ અને 1000 રૂપિયા તેને જમા કરાવવા આપ્‍યા હતાં.

હું પણ નીકળી ગયો હતો
તેણે પ્રોસેસ કરી મારો પિન નંબર મેળવી લીધો હતો. પરંતુ પૈસા જમા થયા નહોતાં. જેથી તેણે મને પૈસા અને એટીએમ કાર્ડ પાછા આપી દીધા હતાં અને તે જતો રહ્યો હતો. એ પછી 39 હજાર જમા થયાનો મેસેજ મારા ફોનમાં આવતાં હું પણ નીકળી ગયો હતો. પણ બપોરના એકાદ વાગ્‍યે પૈસા વિડ્રોલ થયાનો મેસેજ મારા ફોનમાં આવ્‍યો હતો. આથી મેં સાળા રામપ્રસાદને પુછતાં તેણે એટીએમ કાર્ડ જોવા માંગતાં મેં કાર્ડ આપતાં તે બીજા કોઇના નામનું હોવાનું જણાયું હતું. મદદ કરવાના બહાને આવેલો શખ્‍સ મારુ કાર્ડ બદલી ગયો હતો. મેં પાસબૂકમાં એન્‍ટ્રી કરાવતાં ખબર પડી હતી કે તેણે કટકે કટકે ખરીદી કરી કુલ રૂ. 1.12 લાખ મારા ખાતામાંથી ઉપાડી લીધા છે.

પરિણીતા સાથે પતિએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો
રાજકોટ નજીક વાવડીમાં વૃજવીલા એપાર્ટમેન્ટ ખાતે રહેતી પરિણીતા મેટોડામાં પાઠક સ્કૂલ નજીક પોતાના સાસુ જયશ્રીબેન મકવાણાના ઘરે હતી ત્યારે ઝઘડો કરી સાસુ અને પતિએ મળી ઢીકાપાટુનો માર મારતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જે બાદ હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરતા લોધીકા પોલીસે નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ઢોલરા ગામે વાડમાં નવજાત બાળકી મળી આવી
રાજકોટ ગોંડલ હાઇવે પર શાપર નજીક આવેલા ઢોલરા ગામે આવેલી રમેશભાઈ મણવરની વાડીની વાડમાં એક તાજી જન્‍મેલી બાળકીને મૂકી કોઈ ચાલ્યું ગયું હતું. ત્‍યાંથી પસાર થતા હિમાંશુભાઈ મનસુખભાઈ ભુવા બાળકીને જોઈ જતા તેઓએ તુરંત શાપર પોલીસને જાણ કરતાં હેડકોન્‍સટેબલ મુકેશભાઈ તુરંત ઘટના સ્‍થળ પર દોડી ગયા હતા. અને પોલીસ તપાસમાં બાળકીનો આજે જ જન્‍મ થયો હોવાનું તારણ નીકળ્‍યુ઼ હતું જેથી તેણીને 108 મારફત રાજકોટ સારવાર માટે ખસેડવા તજવીજ કરવામાં આવી હતી. પોલીસે અજાણી મહિલા સામે આઇપીસી કલમ 317 મુજબ જન્‍મ આપી જન્‍મ છુપાવવા બાળકીને ત્‍યજી દેવાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

ટ્યુશનમાં બોલાચાલી થતા સહપાઠીએ પરિકર વડે હુમલો કર્યો
રાજકોટના જંગલેશ્વરમાં આવેલી અંકુર સોસાયટી શેરી નંબર.17માં તરુણ ગઈકાલે જંગલેશ્વરના પટેલનગરમાં હતો ત્યારે તેમના મિત્ર જમીલે ગળા પર તીક્ષ્ણ પરિકર વડે હુમલો કર્યો હતો અને બાદમાં જમીલ અને તેમના ત્રણ સાગરીતોએ ઢીકા પાટુનો માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા તરુણને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. તરુણે જણાવ્યું હતું કે, પોતે રાજમંદિર સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેમજ પટેલ નગરમાં સાંજે 6થી 9 ટ્યુશન જાય છે. ગઈકાલે ટ્યુશન ગયા બાદ ત્યાં જમીલ સાથે બોલાચાલી થઈ હતી અને ત્યાંથી છૂટ્યા બાદ બહાર નીકળી જમીલે તેમના ત્રણ સાગરીતોને બોલાવી મારા પર હુમલો કર્યો હતો. આ અંગે ભક્તિનગર પોલીસે તરુણનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જિંદગીથી કંટાળી આધેડે ઓવરબ્રિજ પરથી પડતું મૂક્યું

રાજકોટ રૈયા ચોક સ્થિત ઓવરબ્રીજ પરથી જીંદગીથી કંટાળેલા રમેશભાઈ રાઠોડ નામના આધેડે પડતુ મુકી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કુવાડવા રોડ પર રોહીદાસપરામાં રહેતા રમેશભાઈ સોમાભાઈ રાઠોડ (ઉ.વ.50) ગઇકાલે સાંજે સાત વાગ્યા આસપાસ રૈયા ચોક પાસે આવેલ ઓવરબ્રીજ પર હતા ત્યારે ત્યાંથી ઠેકડો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન તેમને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી જેને એકઠા થયેલ લોકોએ 108 મારફતે સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આપઘાતનો પ્રયાસ કરનાર રમેશભાઈ લાદી કામ કરે છે અને ઘણા સમયથી ગમગીન રહેતા હતા અને જીંદગીથી કંટાળી પગલુ ભર્યાનું જણાવ્યું હતું.