સારવાર:ગોંડલના યુવા તબીબે અધૂરા માસે જન્મેલા 800 ગ્રામ વજન ધરાવતા નવજાત શિશુને 40 દિવસ સુધી સારવાર આપી સ્વસ્થ કર્યો

ગોંડલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ બાળકનું વજન 1 કિલો અને 700 ગ્રામ છે

વ્યવસ્થિત પોષિત માતાને જન્મેલાં બાળકનું જન્મ વજન આશરે 3.5 કિલો હોય છે. પરંતુ ભારતીય બાળકનું સરેરાશ જન્મ વજન 2.7થી 2.9 કિલો હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે ગોંડલ તાલુકાના ખંડાધાર ગામની મહિલાએ અધૂરા માસે 800 ગ્રામ વજનના બાળકને જન્મ આપતા તેને સારવાર સાથે સંપૂર્ણ સ્વસ્થ કરી વજનદાર બનાવવો તબીબો માટે પડકાર બન્યો હોય જેને યુવા તબીબે સ્વીકારી 40 દિવસ સારવાર આપી સંપૂર્ણ સ્વસ્થ કરી આપતા તબીબ ખરા અર્થમાં બાળ સખા બન્યા હતા.

હાલ બાળકનું વજન 1 કિલો અને 700 ગ્રામ છે
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે રહેતા 30 વર્ષીય મીનાબા સંજય સિંહ રાઠોડે અધૂરા માસે માત્ર 800 ગ્રામના બાળકને જન્મ આપતા તેની સારવાર કરવી તબીબો માટે પડકારરૂપ બની હતી. આ પડકારને ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ ના તબીબ ડો. કુલદીપ ગજેરા (MBBS , DCH, નિયોનેટલોજીસ્ટ) એ ઝીલ્યો હતો વેન્ટિલેટર, વોર્ઝર, સિપેપ વગેરે મશીનથી સારવાર કરી સતત ચાલીસ દિવસ સુધી કોરોના કાળમાં પણ નજર રાખી બાળકને તંદુરસ્ત કરતા ડીસ્ચાર્જ સમયે નવજાત શિશુનું વજન 1 કિલો અને 700 ગ્રામ થઇ જવા પામ્યું હતું જેના પરિણામે દંપતીના જીવનમાં કિલકિલાટ થવા પામ્યો હતો.

ખરા અર્થમાં તબીબી સેવા બજાવી હતી
માત્ર 800 ગ્રામના નવજાત શિશુને રોજિંદા 1થી 2 ML દૂધ પીવડાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું બાદમાં ધીમે ધીમે તેમાં વધારો કરાયો હતો વાટકી ચમચીથી દૂધ પીવડાવવાની સાથે છેલ્લે તેને માતાનું દૂધ પીવડાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું આ તકે તબીબે જણાવ્યું હતું કે ગર્ભવતી મહિલાઓએ નિયમિત પણે તેમનું ચેક અપ કરાવવું જોઇએ અને કોઈપણ તકલીફ અંગે તબીબની સલાહ મુજબ ચાલવું જોઈએ.અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલ-મે માસ દરમિયાન કોરોના અતિ વિકટ બન્યો હતો અને કોઈપણ દવાખાનામાં ઉભુ રહેવાની પણ જગ્યા મળતી ન હતી ત્યારે ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબે સખત મહેનત કરી વેન્ટિલેટર રૂમ આપી બાળકને બાળ સખા યોજના હેઠળ સારવાર આપી ખરા અર્થમાં તબીબી સેવા બજાવી હતી.
(હિમાંશુ પુરોહિત,ગોંડલ)