કામગીરી:રાજકોટમાં 2 વર્ષમાં સરકારી શાળાની 5 હજારથી વધુ કિશોરીઓએ માસિક અંગે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપતા વર્કશોપમાં ભાગ લીધો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા બે વર્ષથી વેદાંત ફાઉન્ડેશન દ્વારા આ અભિનવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે

આજકાલ માસિક સંબંધી સમસ્યાઓ અનેક છોકરીઓમાં જોવા મળે છે. આ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા માટે રાજકોટમાં વેદાંત ફાઉન્ડેશન કાર્યરત છે. જેના દ્વારા છેલ્લા બે વર્ષ દરમ્યાન આશરે 5 હજારથી વધુ સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાની કિશોરીઓને માસિક અંગે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપતા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં માસિકના પ્રારંભે અને તે દરમ્યાન થતા માનસિક અને શારીરિક ફેરફારો અંગે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આપવામાં આવે છે. આ ઉપરાંત સેનેટરી નેપકીનનુ નિઃશુલ્ક વિતરણ તેમજ સેલ્ફ ડિફેન્સ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે.

મેન્સ્ટ્રુલ હાઇજીન પ્રોગ્રામ તૈયાર
આ અંગે વેદાંત ફાઉન્ડેશન સંસ્થાના ડિરેક્ટર ડો.અર્જુન દવેએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શાળામાં ભણતી કિશોરીઓ 10 વર્ષ કે તેથી વધુ ઉમરની થાય ત્યારે સામાન્ય રીતે માસિકમાં આવતી હોય છે. સામાન્ય રીતે પારંપરિક ઢબે ઘર-પરિવાર દ્વારા તે વિષેની સમજ કિશોરીઓને આપવામાં આવે છે, પરંતુ કિશોરીઓને માસિકના પ્રારંભે અને તે દરમ્યાન થતા માનસિક અને શારીરિક ફેરફારો સાથે વૈજ્ઞાનિક સમજ આપવી જરૂરી જણાતા કિશોરીઓ અને તેમના પરિવારજનોને સાચું માર્ગદર્શન મળી શકે, તે માટે અમે મેન્સ્ટ્રુલ હાઇજીન પ્રોગ્રામ તૈયાર કર્યો છે.

16 લાખથી વધુ કિશોરીઓ અભ્યાસ કરે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષ દરમ્યાન આશરે 5 હજારથી વધુ સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાની કિશોરીઓને અમે શિક્ષિત કરી છે. રાજ્યમાં 10થી 15 વર્ષની ઉમર વચ્ચે 16 લાખથી વધુ કિશોરીઓ અભ્યાસ કરે છે. જેઓને માસિક આવતા પૂર્વે અથવા તે સમય દરમ્યાનના પરિવર્તનોની યોગ્ય જાણકારી મળે તો તેઓ સ્વસ્થતાપૂર્વક તેમનો અભ્યાસ કરી શકે અને ઘર-પરિવાર તેમજ સમાજમાં માનભેર આગળ વધી શકે તે જ અમારી સંસ્થાનો ઉદ્દેશ્ય છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે કિશોરીઓને શિક્ષણ મળવું જરૂરી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારા સંપર્કમાં એક મહિલા આવ્યા કે જેઓ યુનેસ્કો દ્વારા આ પ્રકારે ચાલતા પ્રોગ્રામમાં ભાગ લઈ ચુક્યા છે. આપણે ત્યાં આ પ્રકારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે કિશોરીઓને શિક્ષણ મળવું જરૂરી લાગતા અમે આ પ્રકારે ખાસ વર્કશોપ શરુ કરવા વિચારણા હાથ ધરેલી. જેનો પ્રારંભ અમે જામનગરથી કરેલો, ત્યાર બાદ રાજકોટ અને અમરેલી જિલ્લામાં પણ આ પ્રવૃત્તિ આગળ વધારી છે.

વિદ્યાર્થીનીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,આ પ્રોગ્રામ અમે રાષ્ટ્રીય શિક્ષા અભિયાન, યુનેસ્કોના પ્રોગ્રામથી પ્રેરિત થઈ ગાયનેકોલોજિસ્ટ સાથે સંપર્કમાં રહી તૈયાર કર્યો હોવાનું તેઓ જણાવે છે. અમારી ટીમની પ્રશિક્ષિત મહિલાઓ શાળામાં જઈ પ્રોજેક્ટરની મદદથી પ્રેઝન્ટેશન દ્વારા કિશોરીઓને શિક્ષિત કરે છે. દરેક છોકરીઓને સેનેટરી નેપકીનની કીટ અને ગ્રાફિક બુક “આઈ એમ રેડી” નિઃશુલ્ક આપવામાં આવે છે. શાળાની મહિલા શિક્ષિકાઓને સાથે રાખવામાં આવે છે જેથી તેઓ આગળ જતા વિદ્યાર્થીનીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. આ માટે જિલ્લા શિક્ષણાધિકારી તેમજ શાળાના આચાર્યની પરવાનગી બાદ જ કાર્યશાળાનું આયોજન કરવામાં આવે છે.

ઘરપરિવારે સહયોગ આપવો જોઈએ
મેન્સ્ટ્રુલ હાઇજીન ખુબ જરૂરી હોવા અંગે તેમના પ્રશિક્ષક જણાવે છે કે, આ સમય દરમ્યાન કેટલીક બાબત અંગે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. માસિક દરમ્યાન સેનેટરી પેડનો યોગ્ય રીતે વપરાશ કરવો જોઈએ. પેડુ કે પેટના ભાગે સામાન્ય તકલીફ થતી હોય છે, જો અસહ્ય દુખાવો કે વધુ લોહી નીકળે તો ડોક્ટરનું કન્સલ્ટિંગ જરૂરી છે. માનસિક બેચેની રહે છે, સ્વભાવ થોડો બદલાય છે. ઘરપરિવારે સહયોગ આપવો જોઈએ. સેમિનારની ફલશ્રુતિ અંગે તેઓ જણાવે છે કે, કિશોરીઓ માસિક સમય દરમ્યાન પણ શાળાકીય પ્રવૃત્તિઓ હવે ચાલુ રાખતી થઈ છે.