બોર્ડ ઓફ હાયર સેકેન્ડરી એજ્યુકેશન દિલ્હી દ્વારા બોગસ ડિગ્રી મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં શૈક્ષણિક લાયકાત વગર સ્કૂલોને એફિલેશન આપવામાં આવ્યું હતું. દેશની 54 સ્કૂલમાં 8500થી વધુ લોકોને બોગસ ડિગ્રી આપવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. એક વિદ્યાર્થી દીઠ 16 હજાર રૂપિયા લેવામાં આવી રહ્યા હતા. પોલીસે વધુ એક આરોપીની પકડી પાડ્યો છે. કેતન જોશી નામના શખસની ધરપકડ કરી છે. અત્યારસુધીમાં કુલ 5 આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. ગુનાહિત કૃત્યની શરૂઆત કરનાર એક આરોપી મૃત્યુ પામ્યો છે. હજુ પણ એક શખસ પોલીસ પકડથી બહાર છે. અગાઉ નાનામોવા રોડ પરથી બોગસ ડિગ્રી વેચનાર જયંતી સુદાણીની ધરપકડ કરી હતી.
પત્નીએ પતિને ઢીકાપાટુનો માર માર્યો
દૂધસાગર રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આકાશદિપ સોસાયટીમાં રહેતાં અને શાકભાજીનો ધંધો કરતાં ગોપાલભાઇ મગનભાઇ સોલંકીને તેના પત્ની કંચનબેને ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. ગોપાલભાઇએ કહ્યું હતું કે, મારી ઘરવાળી કંચન મને ચાર પાંચ વર્ષથી નાની નાની વાતે મારકૂટ કરી હેરાન પરેશાન કરે છે. અગાઉ મારા વિરૂદ્ધ મહિલા પોલીસમાં અરજી કરતાં ત્યાં પણ મારા વિરૂદ્ધ પગલા લેવાયા હતાં. મારે સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. શાકભાજી વેચીને હું ગુજરાન ચલાવુ છું. મને કોઇ જાતનું વ્યસન પણ નથી. નજીવી વાતે મારી પત્ની ઝઘડા કરી ત્રાસ આપે છે. આજે પણ તેણે મને ઢીકાપાટુનો બેફામ માર મારતાં સારવાર માટે દાખલ થવું પડ્યું હતું. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
તરઘડી પાસે ઇકો પલ્ટી મારતા મહિલાનું મોત
રાજકોટના ધરમનગર વિસ્તારમાં રહેતા દિપકભાઈ ગોવિંદભાઈ પરમાર અને તેમના પત્ની મંજુલાબેન દિપકભાઈ તથા અન્ય એક મુસાફર પ્રશીલ રતિલાલ દૂધાગરા રાજકોટથી ઇકો ગાડીમાં બેસીને જામનગર જઇ રહ્યા હતા. ઇકો ગાડી રાજકોટના તરઘડી ગામ પાસે પહોંચી ત્યારે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પલ્ટી ખાઈ ગઇ હતી. જેમાં મંજુલાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્રણેય ઇજાગ્રસ્તોને તાકિદે સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મંજુલાબેનનું મોત થયું હતું.
પુત્રીના લગ્ન પ્રસંગમાં જતા હતા
મંજુલાબેન સફાઈ કામદાર તરીકે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. દંપતી દિપકભાઈના ખંભાળીયા ખાતે રહેતા મોટાભાઈની પુત્રીના લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા ત્યારે અકસ્માતમાં મંજુલાબેનનું મૃત્યુ નિપજતા દંપતી ખંડીત થયું છે. દિપકભાઈ અને મંજુલાબેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્રી હોવાની વિગતો સાંપડી છે. જ્યારે ઇકો પલ્ટી ખાઈ જતાં ઘવાયેલા જામનગરના પ્રશીલ રતિલાલ દુધાગરા હજુ પણ સારવાર હેઠળ છે.
સિઝેરીયન બાદ તબિયત લથડતા મહિલાનું મોત
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વરજાંગ જાળિયા ગામે રહેતી પરણિતાનું સિઝેરીયન ડિલીવરી કર્યા બાદ તબિયત લથડતા સારવાર દરમિયાન મોત નીપજતા નવજાત બાળકી સહિત ત્રણ પુત્રીઓએ માતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાપ્ત વિગત મુજબ વરજાંગ જાળિયા ગામે રહેતી ભારતીબેન ભરતભાઈ મસાણીયા (ઉ.વ.29) નામની પરિણીતાની 12 દિવસ પહેલા ઉપલેટા સરકારી હોસ્પિટલમાં સિઝેરિયનથી ડિલીવરી થતા તેઓ પુત્રીને જન્મ આપ્યો હતો.
3 પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી
ત્યાર બાદ હોસ્પિટલથી રજા આપ્યા બાદ બે દિવસ બાદ તેની તબિયત લથડતા જાડા થઈ ગયા હતા. અને શ્ર્વાસની પણ તકલીફ થતા તેમને સારવાર માટે પ્રથમ ઉપલેટા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડાતા 10 દિવસથી સારવાર હેઠળ હતા બાદમાં ગઈકાલે વધુ સારવાર માટે રાજકોટ રીફર કર્યા હતા. પરંતુ રાજકોટ પહોચે તે પહેલા જ તેમનું મોત નીપજ્યં હતું. પ્રાથમિક તપાસમાં ભારતીબેનના લગ્ન 11 વર્ષ પહેલા થયા હતા. પતિ લાકડા કાપવાની મજૂરી કરે છે તેને સંતાનામાં બે પુત્રી હતી અને ત્રીજી પુત્રીનો જન્મ થયો હતો ત્યારે નવજાત બાળકી સહિત ત્રણ પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
યુનિવર્સિટી રોડ પર બાઇક સ્લીપ થતાં યુવકનું મોત
સાલપીપળીયા રહેતાં વલ્લભભાઇ કરમશીભાઇ સાકરીયા (ઉ.વ.64) તા.9-05-2022 ના રોજ દવા લેવા આવ્યા હોઇ અહિ મટુકી રેસ્ટોરન્ટ સામે તપન હાઇટ્સમાં રહેતાં પુત્ર જયેશભાઇના બાઇક પાછળ બેસીને જતાં હતાં ત્યારે યુનિવર્સિટી રોડ પર બાઇક સ્લીપ થતાં તેઓ પડી જતાં ઇજા થઇ હતી. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ત્યાંથી 10 મીએ રજા અપાતાં ઘરે જ હતાં. ગઇકાલે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે તેમને મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર વલ્લભભાઇ ચાર બહેનના એકના એક મોટા ભાઇ હતાં અને ખેતી કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. યુનિવર્સ્ટિી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
ગુજસીટોકના આરોપીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસમાં નોંધાયેલ ગુજસીટોકના ગુનામાં પેરોલ જમ્પ કરી છેલ્લા ચાર મહિનાથી નાસ્તા ફરતા આરોપીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કા મળેલ બાતમીના આધારે જામનગર રોડ પર વોચ ગોઠવી પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા આરોપી યાસીન ઉર્ફે ભૂરો કૈડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, આરોપી યાસીનની વર્ષ 2020માં ગુજસીટોકના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી જે બાદ છેલ્લા ચાર મહિના થી પેરોલ જમ્પ કરી નાસી છૂટ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.