અકસ્માતના LIVE દૃશ્યો:ગોંડલ યાર્ડમાં કપાસ ભરેલું લોડર મહિલા પર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત, ઘટના CCTVમાં કેદ

રાજકોટ14 દિવસ પહેલા
ગોંડલ યાર્ડમાં અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ.
  • પોલીસે મહિલાનો મૃતદેહ પીએમમાં ખસેડી તપાસ હાથ ધરી

સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા એવા ગોંડલનાં નવા માર્કેટ યાર્ડમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. કપાસના ગ્રાઉન્ડમાં કમળાબેન જેન્તીભાઈ બાબરીયા (ઉં.વ. 60) નામની મહિલા પર લોડર ફરી વળતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં મહિલા ચાલીને જાય છે. ત્યારે કપાસ ભરેલું લોડર તેની નજીક આવે છે. મહિલા બૂમ પાડે છે પરંતુ લોડરના ચાલકને ધ્યાન જતું નથી. બાદમાં મહિલા લોડરના આગળના ભાગમાં આવી નીચે કચડાય જાય છે. યાર્ડમાં કામ કરતા શ્રમિકો લોડરના ચાલકને બ્રેક મારવા કહે છે પરંતુ ત્યાં સુધીમાં તો મહિલા ચગદાય જાય છે.

પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી
આ અંગે ગોંડલ પોલીસને થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘટનાસ્થળ પર પહોંચેલી ગોંડલ પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી હતી. પંચનામાની કાર્યવાહી પૂર્ણ થતા મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે આ મામલે લોડરચાલકનો વાંક હતો કે મહિલાનું ધ્યાન નહોતું તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

બે દીકરા અને એક દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી
મૃતક કમળાબેનના પતિ જેન્તીભાઈ બાબરીયા બગસરા મામલતદાર કચેરીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવી નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. સોમવારના રોજ બાબરીયા પરિવાર દ્વારા માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચવામાં આવ્યો હતો. જેના હિસાબ માટે કમળાબેન માર્કેટિંગ યાર્ડ ગયા હતા અને અકસ્માતનો ભોગ બન્યા હતા. કમળાબેન અને જેન્તીભાઈને સંતાનમાં બે દીકરા અને એક દીકરી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. માતાના નિધનથી બાબરીયા પરીવાર શોકમગ્ન બની ગયો હતો.

ઘટનાને પગલે આસપાસમાં કામ કરતા શ્રમિકો દોડી ગયા હતા.
ઘટનાને પગલે આસપાસમાં કામ કરતા શ્રમિકો દોડી ગયા હતા.

મહિલા શ્રીનાથગઢની રહેવાસી હતી
મૃતક મહિલા ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામની રહેવાસી છે. અત્યારે હાલ ગોંડલ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આખરે કોની બેદરકારીથી આ પ્રકારની ઘટના બની છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.