રાજકોટની મહિલા સાથે મેવાતના ચીટરોએ સોનું કહી પિત્તળની ઇંટ ધાબડી રૂ.બે લાખની છેતરપિંડી કરતા આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે. રાજસ્થાનના ભરતપુર પંથકમાં ગુજરાતી મહિલા છેતરાયા બાદ પણ કામા પોલીસ દ્વારા તેણીની ફરિયાદ નોંધવામાં ન આવતા છેતરપિંડીનો ભોગ બનનાર મહિલા છેલ્લા બે દિવસથી કામા પોલીસ સ્ટેશનની બહાર ધરણાં પર બેસી ગઇ છે. આ ઘટનામાં સ્થાનિક પોલીસે આ બાબતે હજુ પણ કેસ નોંધ્યો નથી.
રાજસ્થાનમાં છેતરપિંડીનો ભોગ બનનારી રાજકોટની વિનીતા હરિભાઇ નામની મહિલાએ પોતાના છેતરપિંડીના પૈસા પરત મેળવવા પોલીસ સામે મોરચો માંડ્યો છે. આ બાબતે સ્થાનિક પોલીસ મોબાઈલ લોકેશનના આધારે ગઠિયાઓને ટ્રેસ કરી રહી હોવાનો દાવો કરી રહી છે. જોકે, આ ઘટનામાં હજુ સુધી એક પણ બદમાશ પકડાયો નથી.
છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાએ જણાવ્યું હતું કે, 20-22 દિવસ પહેલા તેણીને રાજુ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે તેના કાકા જેસીબી મશીન ચલાવે છે. જેસીબીથી પ્રાચીન કિલ્લાના ખોદકામ દરમિયાન તેને સોનાની ઈંટ મળી આવી હતી. હવે કાકા બીમાર છે. એટલા માટે અમે તે સોનાની ઈંટને સસ્તામાં વેચવા માગીએ છીએ. બાદમાં સેમ્પલ આપ્યા હતા, અને મહિલા ફસાઇ હતી.
મેવાત છેતરપિંડી માટે કુખ્યાત, લોકોમાં જાગૃતિ માટે પોલીસે બોર્ડ લગાવ્યા છે!
રાજસ્થાન પંથકના ભરતપુર આસપાસ નકલી સોનાની ઈંટો આપીને છેતરપિંડી કરવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ખાસ કરીને કમન-દેગ સહિતના વિસ્તારો આ પ્રકારની છેતરપિંડી માટે કુખ્યાત ગણાવાઇ રહ્યા છે. લોકોને જાગૃત કરવા પોલીસે અલગ અલગ સ્થળોએ બોર્ડ પણ લગાવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.