લૂંટારો ક્રૂર બની તૂટી પડ્યો:રાજકોટમાં બંગલામાં ઘૂસી મહિલાને હથોડો મારી લોહીલૂહાણ કરી, જતા જતા કહ્યું- ‘પોલીસ કમ્પલેઇન કિયા તો છૂટકે ભી સબકો માર ડાલુંગા’

રાજકોટ3 મહિનો પહેલા

‘હું મારા 3 વર્ષના દીકરાને લઇને ઘરે આવી તો પાછળ પાછળ એક અજાણ્યો શખ્સ પણ ઘરમાં ઘૂસ્યો હતો. તેણે મોઢે કાળુ માસ્ક બાંધ્યું હતું અને હાથમાં હથોડો હોવાથી હું ગભરાઇ ગઈ હતી. બાદમાં મેં તેને પૂછ્યું કે તારે શું જોઇએ છે? તો તેણે તુમ્હારે પાસે ગહેના હૈ વો દે દો. બાદમાં મેં તેને ઘરેથી બહાર કાઢવા પ્રયાસ કર્યો તો તેણે મારા માથામાં હથોડાનો ઘા ઝીંક્યો અને હું લોહીલૂહાણ થઈ ગઈ હતી. બાદમાં મેં તેને મારા હાથમાં પહેરેલી સવા તોલાની સોનાની બે બંગડી આપી દીધી હતી. તેણે જતા જતા કહ્યું કે, દસ મિનિટ તક ચિલ્લાના મત, વરના મેં વાપસ આકે તુમ્હે ઔર તુમ્હારે બચ્ચે કો ભી માર ડાલુંગા, પોલીસ કમ્પલેઇન મત કરના, અગર કિયા તો છૂટ કે ભી સબકો માર ડાલુંગા’ આ શબ્દો છે રાજકોટમાં ગઇકાલે પોશ વિસ્તારમાં ભર બપોરે 12 વાગ્યે વૈભવી બંગલામાં થયેલી લૂંટનો ભોગ બનેલી તાન્યાબેને પોલીસમાં નોંધાવેલી ફરિયાદના.

પારિજાત બંગાલામાં સનસનાટી ફેલાવતી લૂંટની ઘટના બની
રાજકોટના પોશ વિસ્તાર નિર્મલા રોડ પર નિર્મલા સ્કૂલ સામે જ આવેલા પારિજાત બંગાલામાં સનસનાટી ફેલાવી દે તેવી લૂંટની ઘટના બની હતી. બંગાલાના માલિક શ્રીચંદભાઈના પુત્રવધૂ તાન્યાબેન 3 વર્ષના પુત્ર દિવ્યાંશને સ્કૂલેથી તેડીને બપોરના 12 વાગ્યે બંગલામાં પ્રવેશ્યા હતા. તેની પાછળ પાછળ મોઢે કાળુ માસ્ક પહેરેલો એક અજાણ્યો શખ્સ પણ ઘૂસ્યો હતો. બાદમાં તાન્યાબેનને માથામાં હથોડો મારતા લોહીલૂહાણ થઇ ગયા હતા અને લૂંટ ચલાવી હતી. બાદમાં તાન્યાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. તાન્યાબેન સ્વસ્થ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

તાન્યાબેને પોલીસને લૂંટની સમગ્ર ઘટના કહી
તાન્યાબેને પોલીસને સમગ્ર હકિકત જણાવતાં કહ્યું હતું કે, હું પતિ અને બે પુત્ર સાથે રહું છું. સાથે સસરા શ્રીચંદભાઇ પણ રહે છે. પતિ રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે અન્નપુર્ણા માર્ટ ચલાવે છે. સસરા જવાહર રોડ પર એમ્પાયર ફ્લોર મીલ પ્રા.લિ. નામે ઓફિસમાં બેસે છે. સવારે સવા આઠેક વાગ્યે પુત્ર શૌર્ય (ઉં.વ.7)ને સ્કૂલ બસ લેવા આવી હતી. ત્યારબાદ નાના દીકરા દિવ્યાંશ (ઉં.વ.3)ને મારા પતિ સ્કૂલે મૂકીને ઓફિસે જતાં રહ્યા હતાં. બપોરે બાર વાગ્યે હું નાના પુત્રને જે લીંબુડવાડી રોડ પર લિટલ મિલેનિયમમાં ભણે છે તેને તેડવા ટુ-વ્હીલર લઈને ગઈ હતી.

તાન્યાબેન લોહીલૂહાણ થતા ઢળી પડ્યા હતા.
તાન્યાબેન લોહીલૂહાણ થતા ઢળી પડ્યા હતા.

લૂંટારા હાથમાં એક કપડાનો થેલો હતો
ઘરે આવી વાહન પાર્ક કરી પુત્રને લઈ રસોડાના દરવાજેથી ઘરમાં ગઈ હતી. દરવાજાને સ્ટોપર લગાવ્યા વગર હું ઘરના કામમાં વળગી ગઈ હતી ત્યાં જ દરવાજો ખુલવાનો અવાજ આવતાં મને થયું કે પતિ આવ્યા હશે. પણ નજર કરતાં એક મોઢે કાળુ માસ્ક પહેરેલો શખ્સ હતો. જેણે બ્લુ કલરનો આખી સ્લીવનો શર્ટ અને લાઇટ બ્લુ જીન્સ પહેર્યુ હતું. માથે લાલ ટોપી પણ હતી. તેના હાથમાં એક કપડાનો થેલો હતો.

હિન્દીભાષી શખ્સે વૈભવી બંગલામાં ભર બપોરે લૂંટ કરી હતી.
હિન્દીભાષી શખ્સે વૈભવી બંગલામાં ભર બપોરે લૂંટ કરી હતી.

મેં ધક્કો મારી લૂંટારાને બહાર કાઢવાની કોશિશ કરી
આ અજાણ્યા શખ્સને જોઇને હું ગભરાઇ ગઇ હતી. તેના હાથમાં એક હથોડો પણ હતો. આથી તેને ધક્કો મારી બહાર કાઢવાનો પ્રયાસ કરી મેં ચીંસો પાડતાં તે મારા પર ગુસ્સે થઈ ગયો હતો. બાદામાં તેણે મને મારવાનો પ્રયાસ કરતાં હું પાછળ ખસી જતાં હથોડાનો ઘા મારા માથા ઉપર ઝીંકી દીધો હતો. મને ઉપરાઉપર ઘા મારતાં લોહી નીકળવા માંડતા દીકરો દિવ્યાંશ પણ ખૂબ ડરી ગયો હતો. મેં એ શખ્સને ‘તારે શું જોઇએ છે? જે જોઇતું હોય તે લઇ જા, મને અને મારા દીકરાને મારીશ નહીં’ તેમ કહેતાં તેણે કબાટની ચાવી માગી હતી. પણ ચાવી મારી પાસે ન હોય ના પાડતાં તેણે હિન્દી ભાષામાં કહ્યું કે ‘તુમ્હારે પાસ જો ગહને હો વો મુજે દેદો, તેમ કહી મારા હાથમાંથી બંગડી (કંગન) કિંમત રૂ. 65,000ની મને મારનો ડર હોઇ કાઢીને આપી દીધી હતી.

ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી ગઈ હતી.

લૂંટારો ધમકી પર ધમકી આપી રહ્યો હતો
બાદમાં ‘દસ મિનિટ તક ચિલ્લાના મત, વરના મૈ વાપસ આકે તુમ્હે ઔર તુમ્હારે બચ્ચે કો ભી માર ડાલુંગા’ તેમ કહી તે રસોડાના દરવાજેથી જતો હતો. ફરી પાછો આવી બોલ્યો હતો કે ‘પુલીસ કમ્પલેઇન મત કરના, અગર કિયા તો છૂટકે ભી સબકો માર ડાલુંગા’ આવી ધમકી આપી તે જતો રહ્યો હતો. બાદમાં સ્વસ્થ થઇ મારા પતિને જાણ કરી હતી. એ દરમિયાન પડોશીઓ પણ આવી ગયા હતાં અને પતિ પણ આવી જતાં 108 દ્વારા મને હોસ્પિટલે ખસેડી હતી.

પોલીસે અલગ અગલ છ ટીમ બનાવી લૂંટારાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા.
પોલીસે અલગ અગલ છ ટીમ બનાવી લૂંટારાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા.

પોલીસે લૂંટારાને ઝડપવા અલગ અલગ 6 ટીમ બનાવી
ગાંધીગ્રામ પોલીસે તાન્યાબેન બાલચંદાણીની ફરિયાદને આધારે અજાણ્યા લૂંટારા સામે IPC 307, 397, 455, 506 (2), 135 (1) મુજબ ઘરમાં ઘૂસી હત્યાનો પ્રયાસ કરી ધાક-ધમકી આપી લૂંટનો ગુનો નોંધ્યો છે. રાજકોટ ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિત અલગ અલગ છ ટીમો બનાવી લૂંટારાને શોધી કાઢવા ચક્રો ગતિમાન કરાયા છે. ઉલ્લેખનીય છે કે લૂંટારો નિર્મલા રોડ પરથી કોટેચા ચોક, ત્યાંથી ઇન્દિરા સર્કલ તરફ અને કેકેવી હોલ ચોકથી એજી ઓફિસ ચોક સુધી રિક્ષામાં બેસીને ગયો હોવાનું સીસીટીવી ફૂટેજને આધારે જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...