રાજકોટ મહાનગરપાલિકાએ મવડી વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં.34 અને 35નો ઈરાદો જાહેર કર્યા બાદ જમીન માલિકોની બેઠક ગુરુવારે બોલાવી હતી. જોકે બેઠકમાં જમીન માલિકો અને રેવન્યૂ પ્રેક્ટિશનરે પ્રશ્નોની છડી વરસાવતા અધિકારીઓ મૌન થઈ ગયા હતા અને બધાને રજૂઆત અને વાંધા એક માસમાં લેખિત આપવા કહ્યું હતું.
ટી.પી. સ્કીમ 34(મવડી) 175 હેક્ટર જમીનને આવરીને બનાવાઈ છે અને તેની દક્ષિણમાં જ તેની સાથે જેનો ઈરાદો જાહેર કરાયો છે તે ટી.પી. સ્કીમ નં. 35 છે. ટી.પી. સ્કીમ 34ની બેઠક સવારે 9 વાગ્યે બોલાવાઈ હતી. અધિકારીઓ આવતા જ ખેડૂતોએ કઈ રીતે સ્કીમ બનાવી છે અને ક્યા ક્યા આધારે કપાતો કરી છે તેવા પ્રશ્નો પૂછવાનુ શરૂ કર્યું હતું.
સૌથી મહત્ત્વના પ્રશ્ન હતા કે, અત્યારે ટી.પી. સ્કીમ બને એટલે ખેડૂતોની 40 ટકા જેટલી જમીન લઈ લેવામાં આવે છે. આ ઉપરાંત બેટરમેન્ટના નામે લાખો રૂપિયાની ફી લેવાય છે. જમીન આપ્યા બાદ પણ ફી ભરવાની તો આટલા નુકસાન બાદ વળતર શું મળે તેવો સવાલ કરાયો હતો.
જેને લઈને અધિકારીઓએ તમામ વાંધાઓ અને રજૂઆતો એક મહિનામાં લેખિત મોકલવા માટેનું કહીને બેઠક પૂર્ણ જાહેર કરી હતી. આ ઉપરાંત ત્યારબાદ 11 વાગ્યે ટી.પી. સ્કીમ 35ની બેઠક હતી અને તે વિસ્તારના જમીન માલિકો પણ હાજર હતા જોકે છેલ્લી ઘડીએ આ બેઠક રદ જાહેર કરી હતી.
આ બંને સ્કીમનો ડ્રાફ્ટ નાનામવા ચોક, 150 ફૂટ રિંગ રોડ ખાતે આવેલ મલ્ટિ એક્ટિવિટી સેન્ટર ખાતે ત્રીજા માળે આવેલ ટી.પી. યુનિટની ઓફિસે કચેરીના સમય દરમિયાન જાહેર જનતાને જોવા માટે રાખવામાં આવ્યો છે તેમ ટી.પી. શાખાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.