ઉનાળાની શરૂઆત થતાની સાથે જ રાજ્યભરમા પાણીની તંગી વર્તાઈ રહી છે. પરંતુ રાજકોટમાં કોઈ પાણીની મૂલ્ય ન હોય તેમ હજારો લિટર પાણી વેડફાય રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના કાલાવડ રોડ પર આવેલ નજીક આજે બપોરના સમયે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા રસ્તા પર નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા.
એક બાજુ ઉનાળામાં કેટલાય વિસ્તારોમાં લોકોને પાણી મળતું નથી
હજારો લિટર પાણી રસ્તા પર વેડફાતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. રસ્તા પર પાણીની નદી વહેતી હોય તે રીતે પાણી વહ્યું હતું. એક બાજુ ઉનાળામાં કેટલાય વિસ્તારોમાં લોકોને પાણી મળતું નથી અને બીજીબાજુ હજારો લીટર પાણી વહી ગયાના દ્રશ્યો સામે આવ્યા હતા. હાલ સૌની યોજના દ્વારા ન્યારી 1 ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી તરફ આ રીતે પાણી વેડફાઇ રહ્યું હોવાની ચર્ચા લોકોમાં ઉઠી છે.
વીંછિયાના ફૂલઝરમાં મહિલાઓ જીવના જોખમે પાણી ભરે છે
રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના ફૂલઝર ગામમાં મહિલાઓ અને પુરુષોને પીવાનું પાણી ભરવા બેડા ઉપાડી અડધો કિ.મી. સુધી ચાલવું પડે છે. એટલું જ નહીં, પીવાના પાણીના ટાંકા પાસે પહોંચ્યા બાદ મોતને મુઠીમાં રાખી ટાંકા પર ચડી બેડાથી પાણી સિંચવું પડે છે, બાદમાં નિસરણી વડે પાણીનું બેડુ નીચે ઉતારવામાં આવે છે. આ સ્થિતિ એટલી જોખમી છે કે જો કોઈનો પગ લપસે તો તેને ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે.
હજુ સુધી નિરાકરણ આવ્યું નથી
આ અંગે સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં સમયથી તેઓને ગામથી અડધો કિલોમીટર દૂર આવેલા પાણીના ટાંકામાંથી પાણી ભરવું પડે છે. મહિલાઓનો આખો દિવસ માત્રને માત્ર પાણી ભરવામાં જ જતો રહે છે અને હવે એવો સમય આવી ગયો છે કે પુરુષોએ પણ ખેતરેથી અહીં આવીને ખાસ મહિલાઓ સાથે પાણી ભરવું પડે છે. આ મામલે તેમણે તંત્રને રજૂઆત કરી હોવા છતાં હાલ કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી.
નળ નાખવામાં આવ્યા, પણ પાણી નથી આવતું
નોંધનીય છે કે વીંછિયાના સ્થાનિક આગેવાન મુકેશ રાજપરાએ મીડિયાને જણાવ્યું હતું કે, એક તરફ સરકાર ‘નલ સે જલ’ યોજનાની વાત કરી રહી છે, અહીં નળ નાખવામાં આવ્યા પરંતુ પાણી આવતુ નથી. આથી સવાર પડે એટલે બાળકો, વૃદ્ધો સહિત મહિલાઓ પીવાનુ પાણી ભરવા કૂવે દોડી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.