આજે વર્લ્ડ ફોટોગ્રાફર ડે છે. એક સમયે ચકલી બાળકોની મિત્ર ગણાતી હતી, પરંતુ જેમ જેમ કોંક્રીટનાં જંગલોનું સામ્રાજ્ય વધવા લાગ્યું અને ઘરઆંગણે વૃક્ષોનું પ્રમાણ ઘટતાં ચકલી લુપ્ત બનતી જાય છે. ગીરના સિંહથી લઈ ઊડતી ચકલી જેવાં પ્રાણી-પક્ષીની દિનચર્યા જોવી સાંભળવી સૌકોઈને ગમે, પરંતુ અમુક પ્રાણી-પક્ષીને જોવા હોય કે એની તસવીરો લેવી હોય તોપણ તપસ્યાનો વિષય બની જતો હોય છે. રાજ્યના અવોર્ડ વિનર વાંકાનેરના તસવીરકાર ભાટી એન.એ 8 દિવસ સુધી રોજ 4થી 5 કલાક એક જ સ્થળ પર બેસી અઢી ઇંચની દેવચકલીની દિનચર્યા કેદ કરી અદભુત તસવીરો લીધી છે.
દેવચકલીની બારીકાઈથી દિનચર્યા કેમેરામાં કેદ થઈ
વાંકાનેરના તસવીરકાર ભાટી એન.એ જણાવ્યું હતું કે મને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીનો જબરો શોખ. ખબર પડી કે રેર દેખાતી દેવચકલીનું કપલ માળો બાંધી રહ્યું છે અને ચકલીને ખોળે બચ્ચાં આવવાનાં છે, આથી હું તરત ત્યાં દોડી ગયો હતો. રેલવેના ગોડાઉનમાં નિવૃત્ત રેલકર્મચારીના ફળિયામાં દેવચકલી ઘર બનાવવાનું શરૂ કરતાં હું આઠ દિવસ રોજ ચાર-પાંચ કલાક માત્ર ચાર ફૂટના અંતરે જ સ્ટેચ્યૂની જેમ બેઠો રહ્યો અને 800 બાય 300ના ટેલિલેન્સ બારણાના ટેકામાં ભરાવી રોજ કલાકો સુધી બેઠો રહું ત્યારે દેવચકલીની બારીકાઈથી દિનચર્યા કેમેરામાં કેદ થઇ. કંઈ રીતે ઊડે છે એનો કલર કેવો છે એ સિવાય બચ્ચાંની સાર સંભાળ કંઈ રીતે રાખે છે, એને જમાડે છે વગેરે દિનચર્યા કેદ કરવામાં આવી છે.
દેવચકલીનો માળો 6 ઇંચ જેટલો લાંબો હોય છે
શરૂઆતમાં માદા (પત્ની) માળો ગૂંથતી હતી. માત્ર અઢી ઇંચનું કદ ધરાવતી નર માદા અલગ અલગ આંખ ઠરે એવા કલરના હોય છે, જેમાં માદા દેવચકલી રાખોડી રંગની અને પેટના ભાગે આછાપીળા રંગનો છંટકાવ એમાં બ્લૂ સાઇનિંગની છાંટ પણ જોવા મળે છે. એની ચાંચ બાવળના કાંટા જેવી અણીદાર હોય છે, જ્યારે નર શ્યામ રંગ અને ઉપરનો ભાગ કાળો અને નીચેના ભાગે રાખોડી કલર જોવા મળે છે. દેવચકલીનો માળો 6 ઇંચ જેટલો લાંબો ત્રણ ઇંચની ગોળાઈ અને માળામાં બે-અઢી ફૂટનું ગોળાકાર પ્રવેશદ્વાર જોવા મળે છે.
આઠ દિવસમાં 1000થી વધુ તસવીરો લીધી
બચ્ચાંની દેખરેખ અને માળાનું નિરીક્ષણ સતત માદા જ કરતી હોય છે. રોજ સાંજ પડે અને માદા ચકલી વિવિધ વૃક્ષો અને પાણી પાસે ચક્કર લગાવી ચાંચમાં કશોક ખોરાક લઇ આવે અને એનાં બચ્ચાંને મોંમાં મોં નાખી ખવડાવે છે. રોજ 30 મિનિટ દેવચકલી ચક્કર લગાવી નીકળી જાય છે. ભાટી એન.એ વધુમાં જણાવ્યું હતું કે આ તસવીરો લેવી એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે. આઠ દિવસમાં 1000થી વધુ તસવીરો લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.