દેવાધીદેવ મહાદેવને અતિ પ્રિય એવા પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો આજથી મંગલ પ્રારંભ થયો છે અને આ પવિત્ર માસમાં શિવભક્તો સતત એક મહિના સુધી શિવભક્તિમાં લીન થશે ત્યારે રાજકોટ શહેરમાં અનોખુ શિવાલય.બન્યું છે.આ શિવલિંગની કુલ ઊંચાઈ 29 ફૂટ છે અને તેની પહોળાઈ 12 ફૂટ છે. આ શિવલિંગ પર એક લાખ અગિયાર હજાર અને એક સો અગિયાર રુદ્રાક્ષ ના પારા રાખવામાં આવ્યા છે તથા લોકો આ શિવલિંગ પર સીડી મારફતે અભિષેક કરી શકે તે માટે વિશેષ પણ વ્યવસ્થા કરાઇ છે. શિવજીની સામે રહેલા નંદીની ઊંચાઈ પણ 6 ફૂટની છે.
રાજકોટમાં 29 ફૂટનું રુદ્રાક્ષનું શિવલિંગ
AAP નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ રાજકોટની તદ્દન નજીક શિવધામનું નિર્માણ કરીને મહાદેવની શ્રેષ્ઠ આરાધના કરી છે. આ શિવધામમાં ગુજરાતનાં સૌથી મોટા અને એક માત્ર 29 ફૂટના રુદ્રાક્ષના શિવલિંગ અને બાર જ્યોતિર્લિંગની સ્થાપના પણ કરી છે. આ ત્રણ દિવસમાં શિવધામમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને શ્રાવણ માસના પહેલા સોમવારે પ્રાણપ્રતિષ્ઠા, મહાઆરતી, સાંસકૃતિક કાર્યક્ર્મ મહાપ્રસાદ, અને લોકડાયરો જેવા કાર્યક્રમો યોજાશે.
શિવધામનું નિર્માણ કરવામાં આવ્યું
આ અંગે AAP નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું હતું કે, રાજકોટની ભાગોળે બેડી-વાંકાનેર રોડ ઉપર હડમતીયા પાસે આવેલી સંજયભાઈ રાજગુરુ કોલેજના કેમ્પસમાં શિવધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શિવધામ જે સ્થળે બનાવવામાં આવ્યુ છે તે સ્થળ અત્યંત રમણીય અને નૈસર્ગીક છે. અને ડુંગર ઉપર બે તળાવની વચ્ચે આવેલું છે. આ શિવધામમાં 29 ફૂટના રુદ્રાક્ષથી બનેલા શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. સાથોસાથ બાર જ્યોતિર્લીંગની સ્થાપના પણ કરવામાં આવી છે. મંદિર પાસે લીલોછમ્મ ગાર્ડન પણ છે જે તન મનને શાંતિ આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.