પિતા રાક્ષસ બન્યો:લગ્નજીવનમાં નડતર અઢી વર્ષની બાળકીને સાવકા પિતાએ દીવાલ સાથે માથું અથડાવી પતાવી દીધી

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માસૂમ ફૂલને પીંખીને સાવકો પિતા કોઠારિયા સોલવન્ટ નજીક બાવળની ઝાડીમાં લાશ ફેંકી નાસી ગયો

શહેરની ભાગોળે કોઠારિયા રોડ પરના રસુલપરામાં રહેતી અઢી વર્ષની બાળકીએ કારખાનામાં કામ કરતી માતા પાસે જવાની શુક્રવારે બપોરે જીદ પકડી હતી તેમજ લગ્નજીવનમાં પણ નડતરરૂપ થતી હોવાથી સાવકા પિતાએ જીદ કરી રહેલી આ બાળકીને ફડાકા મારી ચુપ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકી રડવા લાગતા સાવકો પિતા રાક્ષસ બન્યો હતો અને તેણે આ બાળકીને વાળ પકડી, ગળું દબાવ્યા બાદ દીવાલ સાથે અથડાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

રસુલપરાના બજરંગ ચોકમાં રહેતા રૂકમણીબેન અમિત શ્રીકાંત ગોર (ઉ.વ.24) શનિવારે સાંજે તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને તેમણે પોતાની અઢી વર્ષની પુત્રી અનન્યા અને તેનો પતિ અમિત ગોર તા.6થી લાપતા થયાની જાણ કરી હતી, રૂકમણીબેને અમિત ગોર સાથે આઠ મહિના પૂર્વે જ બીજા લગ્ન કર્યા હતા અને અનન્યા તેની આગલા ઘરની પુત્રી હતી, પોલીસે બાળકી અને તેના પિતાની શોધખોળ શરૂ કરી હતી ત્યાં રવિવારે સવારે 11.30 વાગ્યે પોલીસને જાણ થઇ હતી કે, કોઠારિયા સોલવન્ટ જૂના ટોલનાકા પાસે બાવળની ઝાડીમાં એક બાળકીની લાશ પડી છે,

પોલીસ સ્થળ પર પહોંચતા લાશ અનન્યાનું હોવાનું સ્પષ્ટ થયું હતું, બાળકીના નાક અને માથામાંથી લોહી વહી ગયું હતું તેને મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું અને સાવકો પિતા અમિત ગોર લાપતા હોય તે શંકાના દાયરામાં આવ્યો હતો, ડીસીપી ઝોન-1 સજજ્નસિંહ પરમારની એલસીબી-1ના પીએસઆઇ બોરીસાગરે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને આરોપી ગાંધીનગર તરફ ભાગ્યાની માહિતી મળતાં પીએસઆઇ બોરીસાગર અને વિજેન્દ્રસિંહ સહિતની ટીમ તે તરફ રવાના થઇ હતી અને આરોપી અમિત ગોર તેના વતન ભાગી જાય તે પહેલા ગાંધીનગર મહેસાણા રોડ પરથી તેને ઝડપી લઇ રાજકોટ લઇ આવ્યા હતા.

આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, પોતે અને રૂકમણી ઉત્તરપ્રદેશના વતની છે, રૂકમણીને સંતાનમાં એક પુત્રી અનન્યા હતી, તેના પતિનું અવસાન થતાં રૂકમણી રાજકોટમાં રહી કારખાનામાં કામ કરી ગુજરાન ચલાવતી હતી, આઠ મહિના પૂર્વે રૂકમણી સાથે અમિત ગોરે બીજા લગ્ન કર્યા હતા. લગ્નજીવનમાં અનન્યા નડતરરૂપ થતી હતી અને જીદ પણ કરતી હતી. પત્ની રૂકમણી ઘરે ન હોવાથી બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

હત્યા કર્યા બાદ આરોપીએ કારખાને જઇને પત્નીને કહ્યું, અકસ્માત નડ્યો હતો જેમાં પોતાને ઇજા થઇ હતી જ્યારે પુત્રીને કોઇ ઉઠાવી ગયું
ફૂલ જેવી અઢી વર્ષની અનન્યાની ક્રૂરતાથી હત્યા કર્યા બાદ અમિત તેની લાશને કોઠારિયા સોલવન્ટ નજીક જૂના ટોલનાકા પાસે અવાવરું સ્થળે ફેંકી આવ્યો હતો, લાશ ફેંક્યા બાદ તે કારખાને કામ કરતી રૂકમણી પાસે ગયો હતો અને તેણે કહ્યું હતું કે, પોતે તથા અનન્યા જતા હતા ત્યારે અકસ્માત થતા પોતે બેભાન થઇ ગયો હતો અને ઇજા થઇ હતી ત્યારે બાળકી અનન્યાને કોણ ઉઠાવી ગયું તેની જાણ નથી, ત્યારબાદ તે પત્ની સાથે ઘરે આવ્યો હતો પરંતુ પોતાનું પાપ છતું થઇ જશે તેવી ભીતિ લાગતા નાસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...