કુદરતી અને કૃત્રિમ પરિબળોને કારણે યાર્ડ-બજારમાં ઠલવાતી જણસી અને તેના ભાવની વેપાર પર અસર જોવા મળી રહી છે. સામાન્ય રીતે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ખાદ્યતેલમાં ખરીદી રહેતી હોય છે. ખાદ્યતેલમાં આ વખતે બારમાસની નહિ બારેમાસ ખરીદી રહેશે. જોકે અત્યારે ચણાની માર્કેટમાં હજુ તેજી નથી. વેપારીઓના જણાવ્યાનુસાર કમુરતાં બાદ તેજી આવશે.
નવેમ્બર માસમાં તલ બજારમાં રૂ.2300ની ભાવ સપાટી હતી. ડિસેમ્બરમાં તેનો ભાવ રૂ.3500 એ પહોંચ્યો હતો. અત્યારે ભાવ રૂ.3025 સ્થિર થયો છે. ઘઉંમાં ઓએમએસએસથી ખરીદી માલ રિલીઝ કરવાની વાતો સંભળાય છે. પરંતુ હજુ તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જેને કારણે ઘઉંની બજાર જો અને તો ના પરિબળ પર આધારિત થઇ છે.
ભાવ વધ-ઘટના અસરકર્તા પરિબળોને આ રીતે સમજો
ખેડૂતોને કપાસના ભાવ રૂ.2000ની સપાટીએ પહોંચે તેવી આશા : જીનિંગમાં કામ ઓછા
હાલ જીનિંગ મિલમાં કામકાજ ઓછા છે. કારણ કે આ ભાવે ખરીદી કરીએ તો નુકસાની ભોગવવાનો વારો આવે છે. એક્સપોર્ટમાં પણ ડિમાન્ડ નથી. ગત વર્ષે જીનિંગ મિલમાં આ સમયે ભારત દેશમાં 1.35 કરોડ ગાંસડીનું ક્રસિંગ હતું. તેના બદલે અત્યારે માત્ર 85 લાખ જેટલું જ ક્રસિંગ છે. છેલ્લા સતત ત્રણ માસથી માર્કેટ નુકસાનીમાં જઈ રહી હોવાનું મિલર્સ અરવિંદભાઈ પટેલ જણાવે છે.
ઘઉંમાં ડિમાન્ડ છે, હજુ નિકાસ પર પ્રતિબંધ ઉઠ્યો નથી, મિલ 50 ટકા ઓછી કેપેસિટીથી ચાલે છે
ઘઉંની નિકાસ પર પ્રતિબંધ દૂર કરાયો નથી. ડિમાન્ડ છે પરંતુ માલ નથી. જેને કારણે મિલમાં 50 ટકા ઓછી કેપેસિટીથી ચાલે છે. ઓ.એમ.એસ.એસ. અંગે સ્પષ્ટતા નહિ હોવાને કારણે કોણીએ ગોળ લગાડવાની વાત છે. જો માલ રિલીઝ- ખરીદી અંગે સ્પષ્ટ નીતિ જાહેર કરવામાં આવે તો નિર્ણય લઈ શકાય. હાલ સાઇકોલોજિકલ ટ્રિકથી સૌ કોઈ વેપાર-ધંધા કરી રહ્યા હોવાનું મિલર્સ ધવલભાઇ મેઘપરા જણાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.