હીરાસર એરપોર્ટ સુધી પહોંચવું બનશે આસાન:એરપોર્ટથી હાઈવે સુધી 29 કરોડના ખર્ચે બનશે ટ્રમ્પ બ્રિજ, એક સાઈડથી અમદાવાદ અને બીજી સાઈડથી રાજકોટ જઈ શકાશે

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
હીરાસર એરપોર્ટનું નિર્માણ કામ પૂર્ણતા આરે. - Divya Bhaskar
હીરાસર એરપોર્ટનું નિર્માણ કામ પૂર્ણતા આરે.

રાજકોટ નજીકના હીરાસર ખાતે કરોડોના ખર્ચે ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નિર્માણ કામગીરી પુર્ણતાને આરે પહોંચી જવા પામી છે. આ એરપોર્ટની સાથોસાથ એરપોર્ટથી રાજકોટ-અમદાવાદ હાઈવેને જોડતા માર્ગને કામગીરી પણ લગભગ પૂર્ણ થઇ ચૂકી છે. એરપોર્ટથી રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવેને જોડતા આ માર્ગ પર રૂ.29 કરોડના ખર્ચે ટ્રમ્પ બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ બ્રિજ મારફત એક સાઈડથી અમદાવાદ અને બીજી સાઈડથી રાજકોટ જઈ શકાશે.

આ બ્રિજ 27 ફૂટ ઊંચો બનશે
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવી ઉમેર્યુ હતું કે, આ બ્રિજની નિર્માણ કામગીરી આગામી ટૂંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવશે. આ બ્રિજ 27 ફૂટ ઊંચો બનશે. આ ટ્રમ્પ બ્રિજ ટ્રાય એંગલ બ્રિજ જેવો હશે. આ બ્રિજ પરથી એક સાઇડ પરથી ડાયરેક્ટ અમદાવાદ તરફ જઇ શકાશે. બીજી સાઇડ પરથી રાજકોટ પહોંચી શકાશે. રાજકોટ-અમદાવાદ સીક્સલેન હાઇવે પ્રોજેક્ટનું કામ પણ ઝડપભેર આગળ વધારવામાં આવી રહ્યું છે. આ રાજકોટ-અમદાવાદ સીક્સલેન હાઇવે પ્રોજેક્ટમાં રાજકોટથી બામણબોર સુધીના સીક્સલેન હાઇવેનું કામ એક બ્રિજના કામને બાદ કરી આગામી માર્ચ સુધીમાં પૂર્ણ થશે.

એરપોર્ટ ફરતે કમ્પાઉન્ડ વોલનું કામ પૂર્ણ
હીરાસર એરપોર્ટ માટે ટર્મીનલનું આખું ખોખું વિદેશથી તૈયાર થઈને આવશે. તૈયાર થયે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીને સોંપાઇ તેવી શક્યતા છે. હાલ એરપોર્ટ ફરતે કમ્પાઉન્ડ વોલ બની ગઈ છે. તેમજ એન્ટ્રીનો સિમેન્ટ રોડ પણ બની ગયો છે.

2500 કરોડના ખર્ચે 2500 એકરમાં હીરાસર એરપોર્ટ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વિકાસને નવી દિશા આપતા હીરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટની કામગીરીને ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે, જેમાં આગામી એક માસમાં એરપોર્ટના ટેમ્પરરી ટર્મિનલનું કામ પણ શરૂ કરી દેવાશે. આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની રન-વેની કામગીરી 90 ટકા પૂર્ણ કરી દેવામાં આવી છે. 3 વર્ષ પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે MOU કર્યા હતા. બાદમાં રાજકોટના હીરાસર નજીક 2500 કરોડના ખર્ચે 2500 એકરમાં 3040 મીટર લાંબા અને 45 મીટર પહોળા રન-વે સાથે એરપોર્ટનું નિર્માણ થઇ રહ્યું છે.

કલેક્ટરની આજે હાઇવે ઓથોરિટી સાથે બેઠક
સીક્સલેન હાઇવે પ્રોજેક્ટની કામગીરીમાં અસહ્ય વિલંબ થઇ રહ્યાની વારંવાર ફરિયાદો ઉઠતી રહી છે. આ મુદે કોન્ટ્રાક્ટરને પણ અગાઉ નોટિસ આપવામાં આવી હતી. આજે હાઇવે ઓથોરિટીના અધિકારીએ રાજકોટ ખાતે કલેક્ટર સાથે બેઠક આયોજિત કરી હતી. ત્યારે તેમાં આ મુદો પણ ઉછળનાર હોવાનું જાણવા મળ્યું છે.

બેઠકમાં ડુમિયાણી ટોલ પ્લાઝાને લઈને પણ ચર્ચા થશે
આ ઉપરાંત આજે કલેક્ટર સાથે નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમની બેઠક યોજાનાર છે. જેમાં ઉપલેટા ડુમિયાણી ટોલ પ્લાઝાના વિવાદ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ ટોલ પ્લાઝાને લઈ સ્થાનિકો પાસેથી વધુ ટોલટેક્સ લેવાતો હોવાની ફરિયાદ ઉઠી છે. ભાજપના ધારાસભ્ય અને સાંસદે ડુમિયાણી ટોલપ્લાઝાને લઈ નારાજગી વ્યક્ત કરી છે. રાજકોટ-જૂનાગઢ સુધી કેટલાક ટોલપ્લાઝાનું અંતર નજીક હોવાની ચર્ચા બેઠકમાં થશે.

અન્ય સમાચારો પણ છે...