ક્રાઇમ:ઓઇલના 37 બેરલના ખાનામાં સંતાડેલા રૂ.16.89 લાખનો દારૂ ભરેલી ટ્રક પકડાઇ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની એલસીબીએ હરિયાણાથી આવેલો શરાબ શાપરમાં ઉતરે તે પહેલા જ ઝડપી લીધો
  • અમદાવાદથી જૂનાગઢ 168 બોટલની ડિલિવરી કરવા જઇ રહેલો ફાર્માસિસ્ટ ઝડપાયો

રાજકોટ જિલ્લા અને શહેર પોલીસે વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડ્યો છે. શાપરમાંથી ઓઇલના બેરલની આડમાં રૂ.16.98 લાખના શરાબ સાથે ટ્રક ચાલક-ક્લીનરને, જ્યારે શહેરના જૂના યાર્ડ પાસેથી અમદાવાદના ફાર્માસિસ્ટને વિદેશી દારૂની 168 બોટલ ભરેલા પાર્સલ સાથે ઝડપી લીધો છે.

રાજકોટની ભાગોળે ઔદ્યોગિક વિસ્તાર શાપરમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઉતરવાનો હોવાની જિલ્લા પોલીસની એલસીબીને માહિતી મળી હતી. જેથી પીએસઆઇ એચ.એમ.રાણા સહિતનો કાફલો શાપર દોડી જઇ હરિયાણા પાસિંગના ટ્રક સાથે હરિયાણાના ચાલક સુરેન્દર ભાલીરામ ગોરા અને ક્લીનર રાજકુમાર રાજમલજી બૈરાગીને પકડી પાડ્યા હતા. ટ્રકમાં રહેલા બેરલ જોતા તેમા પ્રારંભે ઓઇલ જોવા મળ્યું હતું, પરંતુ માહિતી ચોક્કસ હોય પકડાયેલા ચાલક-ક્લીનરની આકરી પૂછપરછ કરી હતી. જેમાં બંનેએ બેરલમાં ચોરખાના બનાવ્યાની કેફિયત આપી હતી. જેથી પોલીસે બેરલ ચેક કરતા ઉપરના ભાગમાં ઓઇલ હતું. બેરલના નીચેના ભાગે તપાસ કરતા નટ-બોલ્ટ જોવા મળ્યાં હતા. તે ખોલતા બેરલમાં બનાવેલા ચોરખાનામાંથી કુલ રૂ.16,89,420 લાખની કિંમતની વિદેશી દારૂની 3012 બોટલ મળી આવી હતી. પોલીસે કુલ રૂ.26.97 લાખનો મુદ્દામાલ કબજે લઇ ચાલક-ક્લીનરની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં બંને હરિયાણાથી દારૂ ભરીને આવ્યાનું અને શાપર પહોંચીને જથ્થો ક્યા ઉતારવાનો છે તે અંગે ફોન કરી માહિતી મળવાની હતી, પરંતુ તે ફોન કરે તે પહેલા જ પકડાઇ ગયાની કેફિયત આપી છે.

જ્યારે રાજકોટ શહેર પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડે જૂના માર્કેટ યાર્ડ પાસેથી વિદેશી દારૂની 168 બોટલની પાર્સલ ભરેલી કાર પકડી પાડી હતી. ચાલકની પૂછપરછ કરતા તે અમદાવાદ રહેતો વિશાલ વિનુભાઇ કરકર હોવાની કેફિયત આપી હતી. વિશેષ પૂછપરછમાં તે ફાર્માસિસ્ટ છે, પરંતુ મહામારીમાં મંદી આવી જતા અનલોકમાં તેને દારૂનો વેપલો શરૂ કર્યો છે. તે રાજસ્થાનથી પાર્સલમાં વિદેશી દારૂ લઇ આવતો હતો. અમદાવાદ આવ્યા બાદ તે જાતે જ ડિલિવરી કરવા જતો હતો. પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો જૂનાગઢ આપવા જઇ રહ્યો હોવાની કબૂલાત આપી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...