તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:રાજકોટમાં ટ્રકે બાઇકને અડફેટે લેતા ચાલકનું ઘટનાસ્થળે જ મોત, ટ્રકનો ડ્રાઇવર ભાગતા લોકોએ પાછળ દોટ મૂકી પકડ્યો

રાજકોટ3 મહિનો પહેલા
ટ્રકે બાઇકને અડફેટે લેતા ચાલકનું મોત.
  • મૃતક બાઇકચાલક શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા

રાજકોટ શહેરના આનંદ બંગલા ચોક નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે આનંદ બંગલા ચોક નજીકથી પસાર થતા બાઇક ચાલકને ટ્રકે અડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં ઘટનાસ્થળ પર બાઇકચાલકનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ફરાર થવા જતા ટ્રક ચાલકને અન્ય વાહનચાલકોએ દબોચી લઇ પોલીસને સોંપી દીધો હતો.

મૃતક શાકભાજીની લારી ચલાવતા હતા
શહેરના ઢેબર રોડ પર આવેલા નારાયણનગરમાં રહેતા અને શાકભાજીની લારી ચલાવતા જીવરાજભાઇ પટણી આજે બપોરના સમયે પોતાનું ટીવીએસ કંપનીનું મોટરસાયકલ ટુ વ્હિલર લઇને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન આનંદ બંગલા ચોક નજીક ટ્રક ચાલકે તેને અડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં જીવરાજભાઇ પટણીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જે બાદ ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થવા કોશિશ કરતો હતો પરંતુ આસપાસના અન્ય વાહન ચાલકોએ તેમને ઝડપી પાડ્યો હતો.

અકસ્માત થતા ટ્રાફિકજામ થયો
બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રક ચાલકની અટકાયત કરી મૃતકના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને અકસ્માત બાદ થયેલા ટ્રાફિકજામને હલ કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કર્યો હતો. બાદમાં પોલીસ અકસ્માતે મોત અંગે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

108ની ટીમે સ્થળ પર તપાસ કરતા જીવરાજભાઇ મૃત જાહેર થયા હતા.
108ની ટીમે સ્થળ પર તપાસ કરતા જીવરાજભાઇ મૃત જાહેર થયા હતા.

2 મહિના પહેલા RMCના ડમ્પરે સિટીબસના ડ્રાઇવરને ઉલાળતા મોત થયું હતું
બે મહિના પહેલા રાજકોટ શહેરમાં સિટીબસમાં ડ્રાઈવર તરીકે કામ કરતાં 65 વર્ષીય ભીમભાઈ આહિર નોકરી પુરી કરીને પોતાના ઘરે જઈ રહ્યાં હતાં. આ દરમિયાન શહેરના સરવૈયા હોલ નજીકમાંથી પસાર થઈ રહેલા RMCના ડમ્પરે ભીમભાઈના એક્ટિવાને ટક્કર મારી હતી. આ ટક્કર વાગતાં જ ભીમજીભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત થતાં જ રોડ પર લોકોના ટોળા એકત્રિત થયાં હતાં. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.