દરોડો:અમૃતસરથી દારૂ ભરેલી ટ્રક અનેક ચેકપોસ્ટ વટાવી રાજકોટ પહોંચી ગઈ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 3 ટ્રક દારૂ પકડાયાની ઘટનાની ભીતરની વાત, અનેક જિલ્લાની પોલીસ ઊંઘતી રહી
  • એરપોર્ટ​​​​​​​ પોલીસ પાસેથી તપાસ આંચકી ક્રાઇમ બ્રાંચને સોંપી દેવાઇ

રાજકોટની ભાગોળે અમદાવાદ હાઇવે પર બામણબોર જીઆઇડીસીમાં મંગળવારે બપોરે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી દારૂનો જથ્થો ભરેલી ટ્રક સાથે રાજસ્થાની શખ્સને ઝડપી લીધો હતો, તેની 45 મિનિટ પછી સ્થાનિક એરપોર્ટ પોલીસે પણ એજ વિસ્તારમાંથી દારૂ ભરેલી બીજી ટ્રક પકડી પાડી હતી, બંને દરોડામાં કુલ 89 લાખના દારૂ સહિત કુલ રૂ.1.14 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, બંને ટ્રક 26મીની રાત્રીના અમૃતસર (પંજાબ)થી નીકળી હતી અને 3જીએ રાજકોટમાં ઝડપાઇ હતી, પંજાબથી રાજકોટ સુધી અનેક શહેરોમાં દારૂ ભરેલી ટ્રક સાથે ચાલક રોકાયા હતા છતાં ત્યાંની પોલીસને ગંધ પણ આવી નહોતી, અને રાજકોટ સુધી ટ્રક પહોંચી તેમાં પણ કોઇ જાદુગરી હોવાની શંકા સેવાઇ રહી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મંગળવારે બામણબોર જીઆઇડીસીમાં ગ્રીન પ્લાય કારખાનાની નજીકમાં પાર્ક કરાયેલી ટ્રકને સકંજામાં લઇ તપાસ કરતાં અંદરથી રૂ.50,63,370ની કિંમતની 21418 બોટલ દારૂનો જથ્થો શોધી કાઢી ટ્રકચાલક રાજસ્થાનના કેશારામ લખારામ જાટની ધરપકડ કરી ટ્રક સહિત રૂ.60,74,920નો મુદ્દામાલ કબજે કર્યો હતો, એસએમસીના દરોડાની 45 મિનિટ બાદ એરપોર્ટ પોલીસે અગાઉના દરોડાના 1000 મીટર દૂર ભાગ્ય સ્ટીલ નામના કારખાના નજીક પાર્ક કરાયેલી ટ્રક કબજે કરી હતી અને તેમાંથી રૂ.38.40 લાખની કિંમતની 9120 બોટલ દારૂનો જથ્થો કબજે કર્યો હતો, પોલીસે ટ્રકચાલક રાજસ્થાનના માનારામ લાલારામ જાટની ધરપકડ કરી ટ્રક અને દારૂ સહિત કુલ રૂ.53.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

એરપોર્ટ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, દારૂ ભરેલી બંને ટ્રકના ચાલક રાજસ્થાની છે, રાજસ્થાની શખ્સને દારૂ ભરેલી ટ્રક તા.26ની રાત્રીના અમૃતસરથી આપવામાં આવી હતી, બંને ટ્રકચાલક ટ્રક લઇને ત્યાંથી રવાના થયા હતા અને સપ્લાયર દ્વારા તેમને આગળ ક્યા ક્યા જવાનું છે તેની સૂચના મળતી રહેતી હતી, બામણબોર આવ્યા બાદ નવું લોકેશન નહીં મળતાં બંને ટ્રકના ચાલકે ટ્રક પાર્ક કરી હતી, અને એસએમસી તથા એરપોર્ટ પોલીસ પહોંચી ગઇ હતી, એસએમસી અને એરપોર્ટ પોલીસના દરોડાથી 89 લાખનો દારૂ જપ્ત થયો હતો

પરંતુ બંને ટીમના દરોડાએ અનેક શંકા ઉપજાવી હતી, 26મીથી બંને ટ્રક અમૃતસરથી નીકળી હતી અને તા.3ના બામણબોર પહોંચી હતી તો ત્યાં સુધીમાં ગુજરાતના એકપણ સ્થળે એસએમસીની ટીમને કેમ ટ્રક મળી નહોતી, રાજકોટ પહોંચતા જ કેમ હકીકત મળી? જો એસએમસીએ પહેલી ટ્રક પકડી તો બીજી ટ્રક અંગે કેમ આસપાસમાં તપાસ ન કરી? આવા જ પ્રશ્નો એરપોર્ટ પોલીસ સામે પણ ઝળુંબી રહ્યા છે.

દારૂની બે ટ્રક પકડાવાના મામલા અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને ગુરુવારે બંને ટ્રકના ચાલકને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તે પહેલા આ મામલાની તપાસ એરપોર્ટ પોલીસ પાસેથી આંચકીને ક્રાઇમ બ્રાંચને સોંપી દેવામાં આવી છે, ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ દારૂના સપ્લાયર અને દારૂ મગાવનાર બૂટલેગરની તપાસ તો કરશે જ પરંતુ આ રેડને લઇને ઉઠેલા શંકાસ્પદ મુદ્દાઓની ઝીણવટભેર તપાસ કરશે તો આગામી દિવસોમાં મોટા કડાકા ભડાકા થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

DCPએ PIનો ઊધડો લીધો ‘તમને ઇન્ટ્રોગેશન આવડતું નથી’’
બામણબોર જીઆઇડીસીમાંથી દારૂ ભરેલી એક ટ્રક એસએમસીએ અને બીજી ટ્રક એરપોર્ટ પોલીસે પકડ્યાની વાત વાયુવેગે ફેલાતા શહેર પોલીસબેડામાં સન્નાટો છવાઇ ગયો હતો, દારૂનો મોટો જથ્થો પકડાતા ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ પણ એરપોર્ટ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને ઝડપાયેલા ટ્રકચાલક પાસેથી કેટલી હકીકત મળી તે અંગે પીઆઇ જનકાંત પાસેથી માહિતી મેળવી હતી, કેટલાક પ્રશ્નોના પીઆઇ જનકાંત સંતોષજનક જવાબ નહીં આપી શકતાં ડીસીપી ગોહિલે તેમનો ઊધડો લીધો હતો અને તમને ઇન્ટ્રોગેશન કરતાં જ નથી આવડતું તેવું સંભળાવી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...