હોનારતના LIVE દ્રશ્યો:રાજકોટના પ્રવાસીએ ઉત્તરાખંડના જળપ્રલયની તબાહીનો વીડિયો દિવ્યભાસ્કર સાથે શેર કર્યો, કહ્યું-ચમોલીના શ્રીનગરથી 70 કિમી દૂર પોન્ચયામાં અંધારપટ

રાજકોટએક વર્ષ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
ઉત્તરાખંડમાં ડેમ તૂટતા જળ હોનારત.
  • રાજકોટના પ્રવાસી કૃષ્ણાબેન ગોહેલના ડ્રાઇવરે તબાહીનો વીડિયો ઉતાર્યો
  • પાણીનો ફ્લો વધવા લાગ્યો હોય હરિદ્વાર, ઋષિકેશમાં પાણી ઘૂસવાનો ભય

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આજે રવિવારે ગ્લેશિયર પડવાને કારણે બંધ તૂટ્યો છે. આથી ધૌલીગંગા નદીમાં જળ સ્તર અચાનક વધી ગયું છે. ત્યારે રાજકોટથી 50થી વધુ પ્રવાસીઓ હરિદ્વાર ગયા છે. જેમાંના કૃષ્ણાબેન ગોહેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે ગુજરાતથી 50 પ્રવાસીઓ આવ્યા છીએ. અમે બધા સુરક્ષિત છીએ અને અહીંની રાજ્ય સરકારે હાઇએલર્ટ આપી દીધું છે. મારા ડ્રાઇવરે પોતાના મોબાઇલમાં જળપ્રલયની તબાહીનો વીડિયો ઉતાર્યો છે. જેમાં ધ્રૌલીગંગા નદીમાં પાણનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે. હાલ અમે બધા દેહરાદૂન જવા રવાના થયા છીએ. હરિદ્વારમાં પાણી ઘૂસવાનો ડર છે. હરિદ્વારમાં અમે સામાન મૂકી દેહરાદૂન જવા રવાના થયા છીએ. ચમોલી જિલ્લાના શ્રીનગરથી 70 કિમી દૂર પોન્ચયામાં સંપૂર્ણપણે અંધારપટ છે.

કૃષ્ણાબેન ગોહેલના ડ્રાઇવરે કેદ કરેલા દ્રશ્યો.
કૃષ્ણાબેન ગોહેલના ડ્રાઇવરે કેદ કરેલા દ્રશ્યો.

ધૌલી ગંગામાં ભારે પૂર આવ્યું
ચમોલી જિલ્લાના શ્રીનગરથી જોશીમઢ જઇ રહેલા રાજકોટના કૃષ્ણાબેન ગોહેલે વધુમાં જણાવ્યું હતું કે, જોશીમઢથી તપોવન વચ્ચે ચમોળી જિલ્લામાં તપોવન ખાતે વાદળ ફાટવાથી કે ગ્લેશીયરથી ભારે તબાહી મચી છે. ધૌલીગંગામાં ભારે પૂર આવ્યું છે. અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાવતે અફવાઓ નહીં માનવાની અપીલ કરી છે. હાલ ડિઝાસ્ટર ટીમો દોડી ગઈ છે.

નદીના કાંઠાના ગામો ડૂબ્યા.
નદીના કાંઠાના ગામો ડૂબ્યા.

હરિદ્વાર અને ઋષિકેશમાં પાણી ઘૂસવાનો ભય
શ્રીનગરથી 70 કિમી દૂર પોન્ચયામાં સંપૂર્ણપણે અંધારપટ છે. અને પાવર પ્રોજેક્ટના 150 લોકો લાપત્તા હોવા ઉપરાંત 2 પૂલ તૂટી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હરિદ્વાર હાઇવે હાઈ એલર્ટ પર છે. પાણીનો ફ્લો વધવા લાગ્યો હોય હરિદ્વાર, ઋષિકેશમાં પાણી ઘૂસવાનો ભય હોવાની શક્યતાને લઈને તંત્ર એલર્ટ મોડમાં હોવાનું કૃષ્ણાબેન ગોહેલે જણાવ્યું છે.

તબાહીના ભયાનક દ્રશ્યો.
તબાહીના ભયાનક દ્રશ્યો.

મુખ્યમંત્રીએ ગુજરાતી પ્રવાસીઓને બચાવવા રાજ્યના મુખ્ય સચિવને સૂચના આપી
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ઉત્તરાખંડના ચમોલી તપોવન ખાતે સર્જાયેલી કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને તત્કાલ મદદ, બચાવ, રાહત તેમજ ઇજાગ્રસ્તોને સારવાર પ્રબંધ કરવાની વ્યવસ્થા માટે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમને ઉત્તરાખંડ પ્રશાસન સાથે સંપર્ક કરી ત્વરીત કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપી છે.

જિલ્લાવાર કંટ્રોલરૂમના નંબર જાહેર કરાયા
ઉત્તરાખંડના ચમોલીમાં જોશી મઠ પાસે ગ્લેશિયર તૂટવાને કારણે ડેમ ફાટતાં સર્જાયેલ હોનારતની ઘટના ધ્યાને લેતાં તમામ જિલ્લામાં કંટ્રોલ રૂમ કાર્યરત છે. અમદાવાદ જિલ્લાનાં રહેવાસીઓ ત્યાં ફરવા ગયેલા હોય કે ફસાયેલા હોય તો તેમની માહિતી જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અમદાવાદ વિભાગનાં કંટ્રોલ રૂમ નં- 079 27560511 પર જાણ કરો.
રાજ્યમાં જિલ્લાવાર કંટ્રોલરૂમના નંબર જાણવા અહીં ક્લિક કરો

રાજકોટના પ્રવાસી કૃષ્ણાબેન ગોહેલ.
રાજકોટના પ્રવાસી કૃષ્ણાબેન ગોહેલ.
અન્ય સમાચારો પણ છે...