PGVCLની ચેકીંગ ડ્રાઈવ:2 મહિનામાં સ્કૂલ, ખેતર, કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રી અને કારખાનામાંથી કુલ રૂ.73.73 લાખની વીજચોરી ઝડપાઇ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • મીટરમાં ગેરરીતી માલુમ પડતાં વીજ ચોરી કરનારને લાખો રૂપિયાના પુરવણી બીલો ફટકારવામાં આવ્યા

રાજકોટમાં છેલ્લા ઘણાં સમયથી વીજચોરી ઝડપી લેવા માટે PGVCLની અલગ અલગ ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જ્યાં સ્કૂલ, ખેતર, કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રી અને કારખાનામાંથી કુલ રૂ.73.73 લાખની વીજચોરી ઝડપાઇ છે.

કારખાનાને રૂ.22.61 લાખનું પુરવણી બીલ ફટકારવામાં આવ્યું
પ્રથમ કિસ્સાની વાત કરીએ તો શહેરના સોરઠીયાવાડીમાં નિલેશકુમાર દેત્રોજાના રોનક પ્લાસ્ટિક નામના કારખાનામાં વીજ જોડાણનું તા.24-03-2022ના રોજ ચેકિંગ કરતાં તેમાં કુલ 36.45 KW લોડ જોડેલ હતો. મીટર બળી ગયેલ હોય નિલેશકુમારની હાજરીમાં મીટર ચેક કરવામાં આવ્યું હતું. તા. 26-04-2022ના રોજ સિલ કરેલ મીટરની વિશેષ ખરાઈ કરતાં નિલેશકુમાર દ્વારા મીટર બાળી નાખવામાં આવ્યું હતું. જેથી PGVCL દ્વારા નિયમોનુસાર પાવર ચોરીનું આશરે રૂ. 22.61 લાખનું પુરવણી બીલ આપવામાં આવ્યું હતું.

શ્રેયસ વિદ્યાલયમાં રૂ.12.62 લાખની વીજ ચોરી ઝડપાઇ
આ ઉપરાંત આજી ડેમ ચોકડી પાસે મુકેશભાઈ પુનાભાઈ ડાભીની શ્રેયસ વિદ્યાલયમાં વીજ જોડાણની તા.25-04-2022ના રોજ તપાસ કરતાં મીટર પેટી અને ટર્મિનલ કવર ના સીલો સાથે ચેડા કરેલ માલુમ પડ્યું હતું. ચેકિંગ સમયે કુલ 19.85 KW લોડ જોડેલ હતો. જેથી PGVCL દ્વારા મુકેશભાઈને આશરે રૂ. 12.62 લાખનું પુરવણી બીલ આપવામાં આવ્યું હતું.

કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝને રૂ.32 લાખનું બિલ ફટકરાવામાં આવ્યું
આ સાથે તા.29-04-2022ના રોજ રોણકી અને કુવાડવા વિસ્તારોમાં ચોક્કસ બાતમીને આધારે PGVCLની ટીમ રાત્રીના વીજ જોડાણો ચેક કરતા રામદેવ કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કુલ 34.17 KW લોડ જોડેલ હતો. વીજ જોડાણ પાસે આવેલ ટ્રાન્સફોર્મર ના એલ.ટી. બાજુએ વધારાનો કેબલ જોડી સીધોજ લોડ સાઈડ જોડવામાં આવેલ અને મીટર બાયપાસ કરી વીજ વપરાશ હોવા છતાં મીટર ફરે નહિ તેવી કાયમી વ્યવસ્થા કરવામાં આવતા રંગે હાથે પકડાઈ ગયા હતા. જેથીરામદેવ કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝને આશરે રૂ.32 લાખનું વીજ ચોરીનું પુરવણી બીલ આપવામાં આવેલ છે.

ખેતરમાં રૂ.6.5 લાખની વીજ ચોરી ઝડપાઇ
ખેતીમાં થતી વીજચોરી ચેક કરવા નવા નારણકા ગામે ખેડૂત દિનેશભાઈ અરજણભાઈ કુવાડિયાના ખેતરમાં PGVCLની ટીમ ત્રાટકી હતી. જ્યાં વીજ જોડાણ ચેક કરતા ખેતીવાડી ફીડરને બદલે જ્યોતિગ્રામ ફીડરમાંથી પાવર વાપરતા હતા અને મીટર બાયપાસ કરેલ હોય વીજ વપરાશ નોંધાય નહી તેવી વ્યવસ્થા કરવામાં આવેલ. ચેકિંગ દરમ્યાન કુલ 7.5 HP લોડ જોડેલ હતો. જેથી દિનેશભાઈને આશરે રૂ.6.5 લાખનું વીજચોરીનું પુરવણી બીલ આપવામાં આવેલ છે.