જોખમી મુસાફરી:રાજકોટમાં દોડતી સિટી બસમાંથી ટાયર નીકળી ગયું, બસ ઢસડાતા 25 મુસાફરોના જીવ તાળવે ચોટ્યા, એક બાળકીને ઇજા

રાજકોટએક મહિનો પહેલા
ચાલુ બસમાંથી ટાયર નીકળતા મુસાફરો ડરી ગયા હતા.

રાજકોટ શહેરમાં સિટી બસમાં મુસાફરી કરવી જોખમી બની ચૂકી છે. 31 નંબરની બસ દોડી રહી હતી ત્યારે ચાલુ બસમાંથી ટાયર નીકળી ગયું હોવાની ઘટના સામે આવી છે. બસમાં 25 જેટલા મુસાફરો સવાર હતા. ટાયર નીકળી જતા જ બસ ઢસડાઇ હતી. આથી મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. આ ઘટનામાં એક બાળકીને ઇજા પહોંચી છે.

ડ્રાઇવરે અધિકારીને ટાયર અંગે ફરિયાદ કરી હતી
શહેરના 80 ફૂટ રોડ ઉપર ચાલુ બસનું ટાયર નીકળી જતા એક બાળકીને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. આથી બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હોવાનું પણ સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં સિટી બસના ડ્રાઇવર સામતભાઈએ જણાવ્યું હતું કે, ત્રિકોણ બાગ ખાતે જ્યારે તેણે બસ ઉપાડી હતી ત્યારે તેણે એજન્સીના અધિકારીઓને ટાયરના ભાગે ટેકનિકલ ફોલ્ટ હોવાની જાણ પણ કરી હતી. તેણે બસ ચેક કરી ત્યારે ટાયરના ભાગે અવાજ આવી રહ્યો હતો. સાથે જ પ્લેટ પણ ચોંટી ગઈ હતી. પરંતુ ટેકનિકલ ફોલ્ટ મામૂલી હોવાના કારણે એજન્સીના અધિકારીઓ દ્વારા બસને રૂટ ઉપર દોડાવવાની સૂચના આપવામાં આવી હતી.

ડ્રાઈવર સામતભાઈએ ઉપરી અધિકારીની જાણ કરી હતી.
ડ્રાઈવર સામતભાઈએ ઉપરી અધિકારીની જાણ કરી હતી.

અકસ્માતને લઇ સિટી બસ હંમેશા રહે છે ચર્ચામાં
4 મહિના પહેલા મહિલા અંડરબ્રિજ ચોકમાં સિટી બસ અને એક્સેસ વચ્ચે અકસ્માત થયાની ઘટના સામે આવી હતી. અહીં મહિલાના વાહન સાથે સિટી બસ અથડાતાં મામલો બિચક્યો હતો અને એક યુવકે બસ પર ચડીને ડ્રાઈવરને ફટકાર્યો હતો. આ અકસ્માતમાં એક યુવતી ઈજાગ્રસ્ત થતાં તેને 108 મારફત હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સિટી બસના ચાલક તથા એક્સેસના ચાલક મહિલા વચ્ચે પણ ઝઘડો થતાં ઘટનાસ્થળે પોલીસ પહોંચી હતી અને સિટી બસના ચાલકની ધરપકડ કરી હતી.

ચાલુ બસમાંથી ટાયર નીકળી ગયું હતું.
ચાલુ બસમાંથી ટાયર નીકળી ગયું હતું.

7 મહિના પહેલા સિટી બસના ચાલકે વૃદ્ધને ફડાકા ઝીંક્યા હતા
7 મહિના પહેલા શહેરના માલવિયા ચોક ખાતે રોડ ક્રોસ કરતા બાઈકચાલક અને સિટી બસચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમયે એકસાથે 3-3 સિટી બસના ડ્રાઇવર-કંડક્ટર એકઠા થઇ ગયા હતા અને રસ્તા વચ્ચે સિટી બસ ઊભી રાખી ટ્રાફિકજામ કરી દીધો હતો. આ સમયે રાજકોટ સિટી બસના ચાલક વિજય કાપડીએ બાઈકચાલક વૃદ્ધને ગાળો ભાંડી ફડાકા ઝીંકી બેફામ માર માર્યો હતો અને જાહેરમાં લુખ્ખાગીરી કરી રોફ જમાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જો કે, પોલીસે વિજય કાપડી નામના બસચાલકની ધરપકડ કરી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું.
તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું.