મળો એ શ્રેષ્ઠ શિક્ષકને, જેમણે મેળવ્યો રાષ્ટ્રપતિ ચંદ્રક:મજૂર પિતાના હોનહાર શિક્ષકપુત્ર, 7 વર્ષથી એકપણ રજા લીધી નથી! ઝૂંપડાનાં નિર્ધન બાળકોને સરસ્વતીનું દાન એ જ તેમનો જીવનમંત્ર

રાજકોટએક મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા

ભારતવર્ષના શ્રેષ્ઠ શિક્ષક ચાણક્યનું સૂત્ર છે... શિક્ષક કદી સાધારણ નથી હોતો, પ્રલય અને ક્રાંતિ તેના ખોળામાં રમે છે... સમાજના સાચા ક્રાંતિકારી એવા શિક્ષકોના માનમાં 5 સપ્ટેમ્બરે આપણા દેશમાં શિક્ષક દિનની ઉજવણી કરાય છે, કારણ કે એ દિવસ શિક્ષક, વિદ્વાન અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તેમજ બીજા રાષ્ટ્રપતિ એવા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે. આ પ્રસંગે દિવ્ય ભાસ્કર તમારી મુલાકાત કરાવે છે ગુજરાતના જ એક એવા મૂઠી ઉંચેરા શિક્ષક ઉમેશ વાળાની, જેમનું જીવનસૂત્ર જ નિર્ધન વિદ્યાર્થીને સરસ્વતીનું દાન આપવાનું છે. ઉમેશ વાળા આ વર્ષે ગુજરાતમાંથી પસંદગી પામેલા એકમાત્ર શિક્ષક છે, જેમને દિલ્હીના દરબારમાં આજે રાષ્ટ્રપતિના હસ્તે સર્ટિફિકેટ, રૂ. 50,000નો રોકડ પુરસ્કાર અને સિલ્વર મેડલ એનાયત થશે.

‘પિતા મજૂર હતા, પણ કોઈ વિદ્યાર્થીને મજૂરી નહીં કરવા દે’ એ નક્કી કર્યું હતું
નવી દિલ્હીમાં આજે શિક્ષક દિનના નેશનલ અવૉર્ડ ટીચર્સનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સન્માન કરવામાં આવશે, જેમાં આ વખતે ગુજરાતમાંથી એકમાત્ર રાજકોટની સરકારી સ્કૂલના ઇનોવેટિવ ટીચર ઉમેશ વાળાની પસંદગી થઈ છે. ઉમેશભાઈએ કોરોનાકાળમાં યુ-ટ્યૂબ ચેનલ થકી રાજ્યમાં ઘરે-ઘરે વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ અને અઘરા વિષયોનું જ્ઞાન પહોંચાડ્યું હતું. તેઓ દર અઠવાડિયે બે દિવસ બે કલાક ઝૂંપડપટ્ટીનાં બાળકોને ભણાવે છે. પોતાની જિંદગીની સફર એક નાનકડી ઝૂંપડીથી શરૂ કરનારા ઉમેશ વાળા એ સંઘર્ષના દિવસોને યાદ કરતા કહે છે, મેં હાર ન માની અને શિક્ષક બન્યો, આથી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની શી સ્થિતિ હોય એનાથી બખૂબી વાકેફ છું, આથી આવા લોકોનાં સંતાનો અભણ ન રહે એ માટે રોજ બે કલાક ફાળવી ઝૂંપડપટ્ટીમાં ભણાવવા જાઉં છું.