અફ્ઘાનિસ્તાન પર તાલિબાનોના કબ્જા બાદ સ્થાનિક પરિસ્થિતિ કેટલી ભયાવહ છે તેનો ચિતાર રાજકોટની યુનિવર્સિટીમાં ભણતા અને હાલ ત્યાં ફસાયેલા વિદ્યાર્થીએ વેદના પૂર્વક રજૂ કર્યો. વિદ્યાર્થીએ કહ્યું આજે 19 ઓગસ્ટના રોજ અફ્ઘાનિસ્તાનનો સ્વાતંત્ર્ય દિવસ છે પરંતુ અહી તેની ઉજવણી કરતા નાગરિકોને તાલિબાનો ગોળીએ ઠાર મારે છે.
રાજકોટમાં ઇજનેરીનો અભ્યાસ હજુ બાકી છે
રાજકોટ રહી ઇજનેરીનો અભ્યાસ વિદ્યાર્થી અબ્દુલ્લાહ મલકઝાયે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે, હું અહી કાબુલમાં મારા સહિત પરિવારના 10 સભ્યો સાથે ખૂબ જ ભયાનક પરિસ્થિતિમાં ફસાયો છું. આજે અફઘાનિસ્તાનનો આઝાદી દિવસ છે. તેની ઉજવણીની તૈયારી કરતા નાગરિકો પર તાલિબાનોએ ફાયરિંગ કર્યું અને તેમાં 2 લોકો માર્યા ગયા જ્યારે 6 થી 7 લોકોને ઇજા પહોંચી. રાજકોટમાં ઇજનેરીનો અભ્યાસ હજુ બાકી હોવાથી હું ભારત આવવા માંગુ છું પરંતુ અહી એરપોર્ટ, હોસ્પિટલ, બેંક બધુ બંધ છે. રોજગારી બંધ થઈ ગઈ છે. નાની દુકાનો જ ખુલ્લી છે.
તાલિબાનનો આતંક લોકોના દિલ-દિમાગ પર હાવી થઈ રહ્યો છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારું માનવું છે કે અમારા પ્રમુખ અસરફ ગની ભાગ્યા નથી પરંતુ સ્થાનિક લોકોને બચાવવા માટે ગયા છે. સ્થાનિક પ્રજા તાલિબાનોની સતાને સ્વીકારવા તૈયાર નથી. તાલિબાનો 6 માસ બાદ ચૂંટણીનુ કહી રહ્યા છે અને કોઈ પણ લડાઈ નહી થાય અને નાગરિકોને મારવામાં નહી આવે તેવી વાત થઈ રહી છે પરંતુ હકીકતમાં સામાન્ય પ્રજાને ગોળીએ ઠાર મારવામાં આવી રહ્યા છે. તાલિબાન વિશ્વાસ અપાવે છે કે કાબુલમાં હાજર લોકોએ ડરવાની જરૂર નથી પરંતુ તાલિબાનનો આતંક લોકોના દિલ-દિમાગ પર હાવી થઈ રહ્યો છે માટે સ્વીકારવા કોઈ તૈયાર નથી.
તાલિબાનોને પાકિસ્તાન અને ISI સપોર્ટ કરી રહ્યું છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,તાલિબાનોને પાકિસ્તાન અને ISI સપોર્ટ કરી રહ્યું છે. તેઓ એટલા ઘાતકી છે કે અમને અમારા દેશના જ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી જ કરવા દઈ રહ્યા નથી. અહીંની પ્રજા તાલિબાનોથી રાજી નથી. યુ.એસ.એ. અને યુનિસેફ દ્વારા ઘણી મદદ પણ કરવામાં આવી પરંતુ હાલ અફઘાનવાસીઓની હાલત ખુબ ખરાબ છે. પ્રજા તાલિબાનોની ચુંગાલમાંથી છુટકારો મેળવવા માંગે છે.
અફ્ઘાનિસ્તાનની મૈત્રીને બિરદાવી
આ સાથે અબ્દુલ્લાહ મલકઝાયે છેલ્લા કેટલાક દિવસથી અહીંની ગંભીર પરિસ્થિતિ સમાચાર સાંભળી રાજકોટ રહેતા મિત્રો કે જેઓ તેની ચિંતા કરે છે તેવા ગુજરાતી મિત્રોનો આભાર માન્યો હતો અને ભારત અને અફ્ઘાનિસ્તાનની મૈત્રીને બિરદાવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.