જસદણ તાલુકાના આટકોટ ગામે વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12નું પરીક્ષા કેન્દ્ર છે. ત્યારે આજે ધો.10માં બેઝિક ગણિતનું પેપર હતું. આટકોટના આ ધોરણ 10ના પરીક્ષા કેન્દ્ર પર એક વિદ્યાર્થિની ભૂલથી પહોંચી ગઈ હતી. જેની જાણ આટકોટ વિદ્યાવિહાર હાઈસ્કૂલના શિક્ષક સંજયભાઈ સખીયા અને પોલીસ મિલનભાઈને થતાં તેમણે કોઈ પણ જાતનો સમય વ્યર્થ કર્યા વિના પોતાની ગાડી લઈ સમયસર તેને સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી માનવતા મહેકાવી છે.
વિદ્યાર્થિનીએ સમયસર પેપર આપ્યું
સાચા પરીક્ષા કેન્દ્ર પર શિક્ષક અને પોલીસે તેના રોલ નંબર મુજબ ક્લાસમાં પરીક્ષા આપવા સુધીની મદદ કરી હતી. આમ સંજયભાઈ અને મિલનભાઈએ વિદ્યાર્થિનીનું શિક્ષણનું અમૂલ્ય વર્ષ બગડતું અટકાવ્યું હતું. વિદ્યાર્થિનીએ વિદ્યાવિહાર હાઈસ્કૂલના આચાર્ય, શિક્ષક સંજયભાઈ અને પોલીસમેન મિલનભાઈનો આભાર માન્યો હતો. વિદ્યાર્થિનીનું અમૂલ્ય વરસ બગડતું અટકાવનારી કામગીરીને લોકોએ બિરદાવી હતી. વિદ્યાર્થિની તાત્કાલિક પહોંચી જતાં તેમણે સમસર પેપર આપ્યું હતું.
અમે તાત્કાલિક નિર્ણય લીધો હતો
શિક્ષક સંજયભાઈ સખિયાએ જણાવ્યું હતું કે, વિદ્યા વિહાર હાઈસ્કૂલમાં પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા શરૂ થતા એક વિદ્યાર્થિની ગેરસમજથી આવી પહોંચી હતી. પરંતુ તેનો નંબર અન્ય શાળામાં હતો. આથી વિદ્યાર્થિની હતપ્રભ ન થાય અને ચિંતામાં ન મૂકાઇ તે માટે અમે તાત્કાલિક નિર્ણય લઈને અહીંથી તેનું એક-દોઢ કિમી દૂર પરીક્ષા કેન્દ્ર હતું ત્યાં પહોંચાડી હતી. આવા સંજોગોમાં વિદ્યાર્થી કોઈ અઘટિત પગલું ન ભરે તે માટે આવા માનવતા કાર્ય કરવા જોઈએ. પરીક્ષા કેન્દ્રએ પહોંચતા ત્યાં પણ સ્ટાફે સહયોગ આપ્યો હતો. આજે બેઝિક મેથ્સનું પેપર હતું.
બિમાર વિદ્યાર્થી માટે અલગ બેઠક વ્યવસ્થા
રાજકોટના કોઠારિયા સોલવન્ટમાં જય શક્તિ સ્કૂલના ધો.10ના વિદ્યાર્થી લક્ષ મહેશભાઇ હડિયલને પરીક્ષા શરૂ થવાના આગલા દિવસે તાવ સાથે અછબડા નીકળતા બીમારીમાં સપડાયો હતો. પરીક્ષાની બેઠક વ્યવસ્થામાં તેમનો ત્રિકોણબાગ લાલ બહાદુર શાસ્ત્રી સેન્ટરમાં નંબર આવતા આ સ્કૂલમાં તેમના માટે અલાયદી બેઠક વ્યવસ્થા સંચાલકોએ કરી છે. શરીરમાં દુ:ખાવા હોવા છતાં પરીક્ષા આપવા લક્ષએ ગજબની હિંમત દાખવી શ્રેષ્ઠ પીઆર સાથે પાસ થવા લક્ષ્ય સાધ્યું છે. લક્ષના માતા-પિતા કારખાનામાં કામ કરી રોજગારી મેળવે છે. બે ભાઇઓમાં લક્ષ મોટો છે.
ધો.10ની પરીક્ષામાં મોબાઈલ સાથે વિદ્યાર્થી ઝડપાયો
ધોરણ 10ની પરીક્ષામાં આજે રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ ગર્લ્સ વિદ્યાલયમાં બેઝિક ગણિતની પરીક્ષા દરમિયાન વર્ગખંડના CCTVનું નિરીક્ષણ કરતા એક વિદ્યાર્થી પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. આ વિદ્યાર્થી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ ફરિયાદ કરવા તજવીજ ચાલુ છે.
ભરાડ સ્કૂલના સંચાલકને નોટિસ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી પરીક્ષામાં ગઈકાલે ભરાડ સ્કૂલના કેન્દ્ર પર વિદ્યાર્થીઓને સપ્લીમેન્ટરી મોડી અપાતા દેકારો બોલી ગયો હતો. સપ્લીમેન્ટરીના અભાવે વિદ્યાર્થીઓ પૂરા પ્રશ્નો નહીં લખી શકતા તેઓને મોટું નુકસાન થયું હતું. આ બનાવ અંગે શિક્ષણાધિકારી ભરત કૈલાએ જણાવ્યું હતું કે, આ અંગે ભરાડ સ્કૂલના પરીક્ષા કેન્દ્રના કેન્દ્ર સંચાલક તેમજ ઝોનલ અધિકારીને નોટિસ ફટકારી દેવામાં આવી છે. જેઓનો જવાબ મળ્યે શિક્ષણ બોર્ડને રિપોર્ટ મોકલી કાર્યવાહી કરવામાં આવશે.
(કરસન બામટા, આટકોટ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.