રાજકોટ હત્યા કેસ:પોલીસને અજાણી વ્યક્તિનો ફોન આવ્યો ને ખબર પડી કે, યુવાનની પથ્થર ઝીંકી હત્યા થઇ છે!

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઇલ તસવીર. - Divya Bhaskar
મૃતકની ફાઇલ તસવીર.
  • પીએમમાં બોથડ પદાર્થ લાગવાથી મોત થયાનું ખુલ્યું પણ ખૂનનો ગુનો ન નોંધ્યો
  • પત્ની સાથે ઝઘડો થતાં પતિ ઘરેથી નીકળી ગયાનું પોલીસ તપાસમાં ખુલ્યું’તું

શહેરની ભાગોળે કોઠારિયા સોલવન્ટ ફાટક નજીકથી એક યુવકની લાશ મળી હતી, નશાખોર હાલતમાં પડી જવાથી યુવકનું મોત નીપજ્યાનું તત્કાલીન સમયે પોલીસ તપાસમાં ખુલ્યું હતું, જોકે એક જાગૃત નાગરિકે ભેદ પરથી પડદો ઊંચકી દીધો હતો, યુવકને કોઇ શખ્સે પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધાની માહિતી આપતા પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

કોઠારિયા રેલવે સ્ટેશન નજીક કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે પાટા નજીકથી ગત તા.28ના સવારે 9.30 વાગ્યાના અરસામાં એક યુવકની લાશ મળી આવી હતી, આ અંગે રામજીભાઇ નામના વ્યક્તિએ જાણ કરતાં આજી ડેમ પોલીસ દોડી ગઇ હતી, પોલીસે તપાસ કરતાં મૃતક કોઠારિયા સોલવન્ટ પાસેની સીતારામ સોસાયટીમાં રહેતા મનોજભાઇ પ્રતાપભાઇ વાઢેર (ઉ.વ.40) હોવાનું ખુલ્યું હતું. પોલીસ સૂત્રોએ તત્કાલીન સમયે જણાવ્યું હતું કે મૃતક મનોજના નેણના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા, એક પુત્ર અને એક પુત્રીનો પિતા મનોજ નશો કરવાની ટેવ ધરાવતો હતો.

તા.27ના રાત્રે તેની પત્ની સાથે કોઇ મુદ્દે ઝઘડો થતાં તે ઘરેથી નીકળી ગયો હતો અને નશાખોર હાલતમાં રેલવે ટ્રેક પાસે પડી જવાથી તેનું મૃત્યુ થયાનું અનુમાન હતું, તેમજ ટ્રેનની ઠોકરે પણ મનોજ ચડી ગયાની પોલીસને શંકા હતી.મનોજને થયેલી ઇજા બોથડ પદાર્થની હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું હતું, પરંતુ પડી જવાથી તેમજ ટ્રેનની ઠોકરથી પણ તે ઇજા થઇ શકે તેવું માની પોલીસે આ ઘટનાને અકસ્માત માની લીધો હતો, દરમિયાન શનિવારે એક વ્યક્તિ મૃતક મનોજના ઘરે પહોંચ્યો હતો, તેણે પોતાની ઓળખ આપવાની ના કહીને મૃતક મનોજની પત્ની ફાલ્ગુનીબેનને કહ્યું હતું કે,

તા.27ની રાત્રીના કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે મનોજભાઇ અને તેની સાથેના એક વ્યક્તિ વચ્ચે કોઇ મુદ્દે માથાકૂટ થઇ હતી અને તે અજાણ્યા શખ્સે મનોજભાઇને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા, પોતે પોલીસ તપાસની માથાકૂટમાં પડવા ઇચ્છતા નહીં હોવાથી પોતાની ઓળખ આપવાનો ઇનકાર કર્યો હતો.

મનોજભાઇનું અકસ્માતે મૃત્યુ થયું નહોતું પરંતુ તેની હત્યા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થતાં આજી ડેમ પોલીસે મૃતકની પત્ની ફાલ્ગુનીબેન વાઢેરની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી, મનોજભાઇની હત્યા કોણે અને શા માટે કરી?, મનોજભાઇ ઘટનાની આગલી રાત્રે તેના ઘરેથી પત્ની સાથે ઝઘડો કરીને નીકળી ગયા હતા તો તે બાબત કારણભૂત છે કે કેમ તે સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી. ગુનો નોંધ્યા બાદ આરોપીને શોધવા મૃતકના નજીકના સંબંધીઓની પુછપરછ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...