મન્ડે પોઝિટિવ:ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે નજીક રામ દ્વાર પાસે અદ્યતન મહિલા કોલેજ બનશે

ગોંડલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીકરીઓના અભ્યાસ માટેનું દાયકા જૂનું મહિલા કોલેજનું સ્વપ્ન સાકાર થશે

ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી દ્વારા રાજવી કાળમાં કન્યા કેળવણી સ્ત્રી શિક્ષણ ફરજિયાત કરી સમગ્ર ભારતમાં પ્રેરણા રૂપ કાર્ય કરવામાં આવ્યું હતું અને એ જમાનામાં અદ્યતન કન્યાશાળાઓ અને કોલેજોના નિર્માણ કરી આપવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા બે ચાર દસકાઓ દરમિયાન રાજવી કાળના બિલ્ડીંગની હાલત જર્જરિત થઇ જવા પામી હોય વિદ્યાર્થિનીઓને ત્યાં ભણવુ જોખમ ભરેલું હોય નગરપાલિકા તંત્ર દ્વારા નવા બિલ્ડિંગ બનાવવા માટે છેલ્લા ઘણા વર્ષોથી મથામણ કરવામાં આવતી હોય રાજકીય આગેવાનોની રજૂઆતોથી સરકારી મંજૂરી મળતા આગામી સમયમાં નેશનલ હાઈવે રામ દ્વાર પાસે 9324 વારમાં મહિલા કોલેજ નું નિર્માણ થવાનું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નગરપાલિકા પ્રમુખ શીતલબેન સમીરભાઈ કોટડીયા, કારોબારી ચેરમેન ઋષિરાજ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગોંડલ શહેર અને તાલુકાની દીકરીઓને અદ્યતન બિલ્ડિંગમાં કોલેજનું શિક્ષણ મળી રહે તે માટે નગરપાલિકાની વર્તમાન બોડી પહેલાની બોડીઓએ પણ નવા મહિલા કોલેજના બિલ્ડિંગ માટે ઘણા પ્રયાસો કર્યા હતા. ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા દ્વારા મહિલા કોલેજ બિલ્ડીંગની વર્તમાન સમસ્યા અંગે રાજ્ય સરકારને અનેકવાર રજૂઆત કરી હતી. જેના ફલ સ્વરૂપે આગામી દિવસોમાં ગોંડલ નેશનલ હાઈવે ઉમવાડા ચોકડી પાસે રામ દ્વાર નજીક 9324 વારમાં 7800 સ્ક્વેર મીટર (67000 સ્કેવર ફિટ) બાંધકામ સાથે ચાર માળનું અધ્યતન મહિલા કોલેજનું બિલ્ડિંગનું નિર્માણ પામશે.

આ નવ નિર્માણ પામનાર મહિલા કોલેજમાં આર્ટસના 6 કલાસ, કોમર્સના 3 કલાસ, અને હોમ સાયન્સના 4 ક્લાસ બનાવવામાં આવશે, જેનો અંદાજીત ખર્ચ 14 કરોડ રૂપિયા જેવો થશે. આ ઉપરાંત કોલેજમાં લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ , એનસીસી રૂમ, મેડીકલ રૂમ, ત્રણ અન્ય રૂમ, મલ્ટીપર્પજ હોલ, ઇન્ડોર સ્પોર્ટ્સ ક્લબ, આઉટ સ્પોર્ટ્સ ક્લબ અને એડમીન ઓફિસ બનશે.

આ મહિલા કોલેજ બનાવવા માટે રૂપિયા એક કરોડ મહિલા કોલેજ આપશે, ફર્નિચર બનાવવા માટે સરકાર ગ્રાન્ટ આપશે અને નગરપાલિકા તંત્ર દ્વારા રૂપિયા 23 કરોડની જમીન ફાળવવામાં આવી છે. આ મહિલા કોલેજમાં 1250થી પણ વધુ દીકરીઓ અભ્યાસ કરી શકશે.

આવી હશે વિશેષતાઓ

  • 9324 વાર જમીનમાં બનશે ઇમારત
  • 1250થી વધુ દીકરી અભ્યાસ કરી શકશે
  • ​​​​​​​4 માળ ની ઇમારત તૈયાર કરાશે
  • ​​​​​​​6 ક્લાસ આર્ટસ ફેકલ્ટીના તૈયાર કરાશે
  • 3 ક્લાસ કોમર્સ ફેકલ્ટીના બનાવાશે
  • 4 ક્લાસ હોમ સાયન્સ વિભાગના બનશે
  • 23 કરોડની જમીન પાલિકાએ ફાળવી
  • 14 કરોડનો અંદાજિત ખર્ચ નિર્માણ કાર્યમાં
અન્ય સમાચારો પણ છે...