ફિલ્મીઢબે લૂંટ:ગોંડલના નાગડકા રોડ પર સ્પિનિંગ મીલના એકાઉન્ટન્ટને બે શખસે રોકી ધોકો દેખાડ્યો, 3 લાખ રોકડા અને બાઇક પડાવી પલાયન

રાજકોટ11 દિવસ પહેલા
ઘટનાની જાણ થતા જ દોડી આવી હતી.
  • સ્પિનિંગ મીલના રૂ. 3 લાખ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી ઉપાડી એકાઉન્ટન્ટ મીલ તરફ આવી રહ્યા હતા

ગોંડલના નાગડકા રોડ ઉપર કોટન સ્પિન મિલના એકાઉન્ટન્ટનું બાઈક રોકી ધોકો દેખાડી બે શખસ 3 લાખ રોકડા અને બાઇકની ફિલ્મીઢબે લૂંટ કરી પલાયન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે. હાલ તો શહેરમાં નાકાબંધી કરી પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

ઘટનાસ્થળે પોલીસ કાફલો દોડી ગયો
પ્રાપ્ત વિગત મુજબ શહેરના નાગડકા રોડ ઉપર આવેલા હિતેશભાઈ ગજેરાના રાઘવ કોટન સ્પીન મીલમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ભાવિનભાઈ કનૈયાલાલ માયાણી (રહે. બંધિયા) વાળા પોતાના સ્પેલન્ડર બાઈક નં. GJ-03-HQ-0618 ઉપર સ્પિનિંગ મીલના રૂ. 3 લાખ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી ઉપાડી મીલ તરફ આવી રહ્યા હતા. ત્યારે નાગડકા રોડ ઉપર ઊભા રહેલા બે શખસે તેને રોકી ધોકો બતાવી ધાક-ધમકીઓ આપી હતી. બાદમાં રોકડા રૂપિયા અને બાઈકની લૂંટ ચલાવી નાસી ગયા હતા. આ અંગે ભાવિને પોલીસ ફરિયાદ નોંધાવતા સિટી પીઆઇ મહેશ સંગાડા, એલસીબી, એસઓજી પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા અને નાકાબંધી કરી હતી.

પોલીસનો કાફલો મીલ ખાતે આવી પહોંચ્યો હતો.
પોલીસનો કાફલો મીલ ખાતે આવી પહોંચ્યો હતો.

બાઈક ન રોકતા ધક્કો મારી ભાવિનભાઈને પછાડ્યાઃ મીલ માલિક
બનાવ અંગે રાઘવ કોટન સ્પિનના માલિક હિતેશભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, ભાવિન માયાણી છેલ્લા ચાર વર્ષથી મારી મીલમાં નોકરી કરી રહ્યા છે અને રોજિંદા રોકડા નાણાં અને બેન્કિંગ વહીવટનું કામ કરે છે. આજે જ્યારે તેઓ બેન્કમાંથી રોકડા રૂપિયા લઈને આવી રહ્યા હતા ત્યારે બે અજાણ્યા શખસોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને ભાવિનભાઈએ બાઈક ન રોકતા ધક્કો મારી પછાડી લૂંટ ચલાવી હતી.

સ્પિનિંગ મીલના જ રૂપિયા લૂંટી ગયા.
સ્પિનિંગ મીલના જ રૂપિયા લૂંટી ગયા.

લૂંટની ઘટનામાં જાણભેદુ કે બીજુ કંઈ?
નાગડકા રોડ પર ધોળે દિવસે ત્રણ લાખ રોકડની લૂંટની સનસનીખેજ ઘટનામાં અનેક સવાલો ઉઠ્યા છે. જ્યાં બનાવ બન્યો તે નાગડકા રોડ પર તિરુમાલા સહિત અનેક વિકસી રહેલી સોસાયટીઓ આવેલી હોય લોકોની અવરજવરથી ધમધમતો રહે છે. તેમ છતા નજરે જોનાર કે બૂમાબૂમ સાંભળનાર કોઈ નથી. એકાઉન્ટન્ટ ભાવિન પાસે ત્રણ લાખ જેવી રકમ હોવાની લૂંટારૂઓને અગાઉથી જાણ હોય કોઈ જાણભેદુ લૂંટમા સામેલ છે કે કેમ? માત્ર ધોકો બતાવી બાઇક રોકી ત્રણ લાખની લૂંટ થાય અને લૂંટારૂઓ ભાવિનનું બાઇક લઇ પલાયન થાય તે થિયરી પણ અનેક શંકાઓ દર્શાવી રહી છે. આમ લૂંટની ઘટના શંકાસ્પદ જણાઇ રહી છે.

લૂંટનો ભોગ બનનાર ભાવિન.
લૂંટનો ભોગ બનનાર ભાવિન.