જીવલેણ અકસ્‍માત:રાજકોટમાં ખોખડદળના પુલ પર પુરપાટ વેગે આવતા ટ્રકે બાઈકને અડફેટે લીધું, ચાલકનું કમકમાટી ભર્યું મોત

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ નજીક ખોખડદળના પુલ પર જીવલેણ અકસ્‍માત સર્જાયો છે. આજે વહેલી સવારે એક ટ્રકે બાઇકને ઉલાળી દેતાં બાઇક પર બેઠેલા ધોરાજીના સુપેડી ગામના યુવાન અને રાજકોટના નવાગામના યુવાનને ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન સુપેડીના યુવાનનું મોત નિપજ્‍યું હતું. બંને કુવાડવા નોકરી પર જઇ રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

પરિવારમાં કલ્‍પાંત સર્જાયો
સુપેડી રહેતો નિરવ રાજેશભાઇ કુબાવત (ઉ.વ.31) કુવાડવા કંપનીમાં નોકરી કરતો હોઇ તે સવારે પોતાના ગામથી ગોંડલ રોડ ચોકડીએ આવ્‍યો હતો અને અહિથી સાથે જ નોકરી કરતાં નવાગામ રાજકોટના અજય વિનોદભાઇ સરવૈયા (ઉ.વ.32)ના બાઇક પાછળ બેસી કુવાડવા જવા નીકળ્‍યો હતો. બંને ખોખડદળના પુલ પર પહોંચ્‍યા ત્‍યારે ટ્રકે અકસ્‍માત સર્જતા બંને ફંગોળાઇ જતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ નિરવનું મોત નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવી
મૃત્‍યુ પામનાર નિરવ બે ભાઇમાં મોટો હતો અને તેના પિતા રમેશભાઇ પોસ્‍ટમાં નોકરી કરે છે. નિરવના મોતથી એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલાને બચાવવા જતાં કાર ડિવાઇડર સાથે અથડાઇ ઊંધી વળી
રાજકોટ ભાવનગર હાઇવે અકસ્માત ઝોન તરીકે ધીમે ધીમે કુખ્યાત બની રહ્યો છે. સારા અને પહોળા રસ્તા છતાં છાશવારે અહીં વાહનો ટકારાવાના, વાહનો ફંગોળાઇ જવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે જંગવડ પાસે આજે શનિવારે વધુ એક અકસ્માત સર્જાયો હતો અને આગળ પસાર થઇ રહેલા એક્ટિવા ચાલક મહિલાને બચાવવા જતાં પાછળથી આવતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.

એક્ટિવાનો કચ્ચરઘાણ નીકળી ગયો
અને કાર જોરદાર ડિવાઇડર સાથે અથડાઇને ગોથું ખાઇ ગઇ હતી અને કારમાં આગ ભભુકી ઉઠી હતી આથી તાબડતોબ પોલીસની સાથે ફાયરને પણ જાણ કરવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવાયો હતો અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા 50 ફૂટ સુધી ઢસડાયું હતું અને તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

કારના ચાલકનો બચાવ થયો
ભાવનગર હાઇવે પર જંગવડ પાસે એક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને ચાલક મહિલાને બચાવવા જતાં ગાડી ડિવાઈડર સાથે અથડાઇ ગોથું ખાઈ ગઇ હતી. જો કે કારના ચાલકનો બચાવ થયો હતો જ્યારે એક્ટિવાના ચાલકને ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. મહિલા રોડ ક્રોસ કરવા જતા આ ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ છે.

અન્ય સમાચારો પણ છે...