17મીએ જનરલ બોર્ડ:શહેરમાં સૌથી મોટી સમસ્યા ખાડાની પણ તે અંગે એક જ કોર્પોરેટરનો પ્રશ્ન

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • રામવનના મુલાકાતીઓની સંખ્યા પહેલો પ્રશ્ન

રાજકોટ મનપાનું જનરલ બોર્ડ 17મીએ શનિવારે સવારે 11 કલાકે મળનાર છે જેમાં 39 પ્રશ્નો આવ્યા છે. સૌથી પહેલો પ્રશ્ન રામવનમાં મુલાકાતીઓની સંખ્યા અને આવક તેમજ નવા વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલ મુકવાના આયોજનનો છે. શહેરમાં સૌથી મોટી સમસ્યા ખાડાની છે. પરંતુ માત્ર એક કોર્પોરેટર નીતિન રામાણીએ તે અંગેનો પ્રશ્ન બોર્ડમાં પૂછ્યો છે.

સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીશ રાડિયાના પહેલા પ્રશ્ન બાદ શહેરમાં ટીપરવાનની સંખ્યા કેટલી અને નવા વિસ્તારોમાં કેટલી મોકલાય છે, નવા વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટનું આયોજન શું કરાયું છે તે સહિતના ઘણા પ્રશ્નો નવા ભળેલા વિસ્તારો માટે કોર્પોરેટરોએ ઉઠાવ્યા છે. આ ઉપરાંત શહેરમાં કેટલી જગ્યાએ પેચવર્ક છે તે પૂછીને ખાડાની સ્થિતિ પણ આડકતરી રીતે માગી લેવાઈ છે.

વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ શહેરમાં ટી.પી. સ્કીમમાં મંજૂર કેટલી થઈ, કેટલી બાકી છે અને સરકારમાં કેટલો સમય પેન્ડિંગ રાખી શકાય તે સહિતના મુદ્દા પૂછ્યા છે. આ સિવાય આપમાં ભળેલા બે સહિત ત્રણેય કોર્પોરેટરને આ વખતે એકપણ સમસ્યા દેખાઈ નથી.

72માંથી 15 કોર્પોરેટરે જ સવાલ ઉઠાવ્યા
રાજકોટ શહેરમાં ચૂંટાયેલા 72 કોર્પોરેટરમાંથી મેયર અને ડે. મેયરને બાદ કરતા 70 કોર્પોરેટર જનરલ બોર્ડમાં પ્રશ્ન કરી શકે છે પણ માત્ર 15 જ નગરસેવકોએ પ્રશ્ન કર્યા છે જેમાં ભાનુબેન સોરાણી અને નયનાબેન પેઢડિયાએ 3-3 પ્રશ્ન કર્યા છે જ્યારે બાકીના નગરસેવકોએ બે બે પ્રશ્નો કરતા કુલ 39 પ્રશ્નો પૂછાયા છે. જો કે ચર્ચા તો પ્રથમ બે જ પ્રશ્નો પર થશે, બાકીનાના જવાબ કોર્પોરેટરોને પહોંચાડી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...