ગૃહ વિભાગ દ્વારા રાજ્યભરની જેલોમાં છાપામારીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પહેલાં ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યના ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બે કલાક સુધી મેરાથોન મિટિંગ ચાલી હતી. ત્યાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં રાતથી સવારના 5 વાગ્યા સુધી સર્ચ-ઓપરેશન ચાલ્યું હતું. આ તપાસમાં 500 પોલીસકર્મચારીઓએ ચેકિંગ કર્યું હતું. જ્યારે વડોદરા જેલમાં ચેકિંગ દરમિયાન બીડી, સિગારેટ અને ગુટખા મળ્યાં હતાં. ચેકિંગ પૂર્ણ થયે તમામ જેલના ચેકિંગનો ફાઇનલ રિપોર્ટ તૈયાર કરી ગૃહમંત્રીને મોકલાશે.
સાબરમતી સેન્ટ્રલ જેલના છોટા ચક્કર બેરેક ગાંજો મળ્યો
શુક્રવારે રાતે અમદાવાદ સહિત રાજ્યની જેલોમાં મેગા સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. તેમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં અમદાવાદ શહેરના 20 જેટલા PI દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. તમામ PIને ટીમ સાથે અલગ અલગ બેરેક સોંપવામાં આવી હતી.સર્ચ દરમિયાન છોટા ચક્કર બેરેકમાંથી પોલીસને ગાંજાની કેટલીક પડીકી મળી હતી. અંદાજીત 100 ગ્રામ જેટલો ગાંજો પોલીસે કબ્જે કરી કેદી સામે કાર્યવાહી શરૂ કરી છે. હાલ ગાંજો જ છે કે અન્ય પદાર્થ તેની પણ FSL દ્વારા તપાસ થઈ રહી છે. પોલીસ દ્વારા જેલમાં પંચનામું કરવાના આવી રહ્યું છે. સમગ્ર મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવશે.
આ પણ વાંચો, અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગાંજો મળ્યો.
જેલમાં નશાનો સામાન કેવી રીતે પહોંચ્યો?
જોકે આ પકડાયેલ જથ્થો ગાંજો છે તો તે જેલમાં કઈ રીતે આવ્યો,કોણ લાવ્યું તથા કોની મદદથી આવ્યો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.આ મામલે કોઇ જેલકર્મીની સંડોવણી છે કે કેમ તે પણ તપાસ કરવામાં આવશે તથા કોઈ કર્મચારીની સંડોવણી છે તો નાના કર્મચારીના માથે જ દોષનો ટોપલી ઢોળી કાર્યવાહી પુરી કરવામાં આવશે કે તપાસ આગળ વધારવામાં આવશે તે અંગે સવાલ છે.
આ પણ વાંચોઃ સુરતની લાજપોર જેલમાંથી નશાકારક પડિકીઓ મળી
જેસીપી, ડીસીપી, પીઆઇ કક્ષાના અધિકારી જોડાયા હતા
રાજકોટ જેલમાં 1 જેસીપી, 3 ડીસીપી, 4 એસીપી, 10થી વધુ પીઆઇ, 15થી વધુ પીએસઆઇ સહિત 500 પોલીસકર્મીઓ સર્ચ-ઓપરેશનમાં જોડાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ડોગ-સ્ક્વોડ, સાયબર સેલ સહિતની બ્રાન્ચ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. આખી રાત ચાલેલા સર્ચ-ઓપરેશન વહેલી સવારે 5 વાગ્યે પૂર્ણ થયું હતું, જેનો ફાઈનલ રિપોર્ટ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોકલવામાં આવશે.
આ પણ વાંચોઃ- લાજપોર જેલમાં કદીઓએ ધમાલ મચાવી આગ લગાવી
પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન કેદીઓની ધમાલ
ગત મોડી રાત્રે રાજ્યની તમામ જેલોની અંદર એક સાથે પોલીસની મોટી ટીમ ઉતરીને મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે સુરતની સૌથી મોટી લાજપોર જેલ ખાતે સુરત પોલીસના 250થી વધુ અધિકારીઓ-કર્મચારીઓ સાથેનો કાફલો જેલની અંદર પહોંચ્યો હતો. જેલમાં ચાલતી ગેરકાયદેસર ગતિવિધિઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન જેલની અંદર પોલીસનું સર્ચ ઓપરેશન જોતા કેદીઓએ ભારે ધમાલ મચાવી હતી. પોલીસની કામગીરીને રોકવા અને અડચણરૂપ થવા માટે કેદીઓ દ્વારા જેલની અંદર આગ પણ લગાવવામાં આવી હતી. સાથે બેરેકના કેદીઓ દ્વારા સૂત્રોચાર અને વિરોધ પણ કર્યો હતો.
પોલીસને રોકવાનો પ્રયાસ કરાયો
લાજપોર જેલમાં પોલીસના સર્ચ ઓપરેશનના દરોડા દરમિયાન લાજપોર જેલની અંદર કેદીઓ દ્વારા લગાવાયેલી આગનો વીડિયો સામે આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ તેમને અડચણરૂપ થવા માટે ખૂબ જ પ્રયત્ન લાજપોર જિલ્લાના કેદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. જેલના બીજા માળે કેદીઓ દ્વારા આગ લગાવીને તેમને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો.
ગૃહ વિભાગ દ્વારા ગંભીર નોંધ લેવાશે
પોલીસનું આ સમગ્ર સર્ચ ઓપરેશન વીડિયો કોન્ફરન્સથી લાઈવ ગૃહ વિભાગમાં નિહાળતું હતું. મોડી રાત્રી સુધી ગૃહમંત્રી સહિત ગૃહ વિભાગના અનેક મોટા અધિકારીઓ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલરૂમમાંથી જેલમાં ચાલતા સર્ચ ઓપરેશનને નિહાળી રહ્યાં હતાં. આ દરમિયાન સુરતના લાજપોર જેલમાંથી કેદીઓ દ્વારા મચાવામાં આવેલી ધમાલ અને લગાવાયેલી આગ વિષે ગૃહ વિભાગે ગંભીર નોંધ લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારની ઘટનાને લઇ ગૃહ વિભાગ દ્વારા મોડી સાંજ સુધીમાં કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવશે તેવું પણ હાલ જાણવા મળ્યું છે.
સર્ચ-ઓપરેશન ચાલ્યું
સુરતની લાજપોરમાં સમયાંતરે માથાભારે કેદીઓ જેલમાંથી જ પોતાનું ગુનાહિત કાર્ય કરતા હોય તેવા અનેક વખત કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. સમયાંતરે તપાસ દરમિયાન મોબાઈલ ફોન પણ મળી આવતા હોય છે. ગૃહ મંત્રાલયના આદેશ બાદ રાજ્યની જેલમાં દરોડા પાડવામાં આવ્યા છે. સુરતની અત્યાધુનિક ગણાતી લાજપોર જેલમાં પણ પોલીસનો કાફલો ઊતર્યો છે. ઉચ્ચ અધિકારીઓની ટીમ લાજપોર જેલ ખાતે પહોંચી છે અને સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
ચરસ અને ગાંજાની પડીકીઓ મળી
સુરત પોલીસ જોઈન્ટ કમિશનર સહિતના અધિકારીઓની ટીમે લાજપોર જેલની અંદર સર્ચ-ઓપરેશન કરતાં ચોંકાનારી ચીજો મળી આવતાં ચકચાર મચી છે. એની અંદર સર્ચ-ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જેમાં 10 જેટલા મોબાઈલ મળ્યા હતા તેમજ ચરસ અને ગાંજાની પડીકીઓ પણ મળી આવી છે.
એનડીપીએસ અંતર્ગત ગુનો દાખલ થશે
પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, આખી રાત લાજપોર જેલની અંદર સર્ચ-ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન લાજપોર જેલમાં કેદીઓ પાસેથી મોબાઇલ તો મળ્યા છે, પરંતુ સાથે સાથે ચરસ અને ગાંજાનું પણ સેવન કરતા હોય એવું બહાર આવ્યું છે. ચોંકાવનારી બાબતે છે કે જેલની અંદર હાઈ સિક્યોરિટી હોવા છતાં પણ તેમના સુધી મોબાઇલ તેમજ ચરસ અને ગાંજા જેવા નશાકારક પદાર્થો કેવી રીતે પહોંચતા હતા. નશીલા પદાર્થો મળી આવતાં એનડીપીએસ એક્ટ હેઠળ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાશે.
વાતાવરણ તંગ થતાં વધુ પોલીસ બોલાવાઈ
લાજપોર જેલમાં પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કરતાં જેલમાં કેદીઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. થોડા સમય માટે તો જાણે સર્ચ આપરેશનનો કેદીઓ જ વિરોધ કરતા હોય એ પ્રકારની સ્થિતિ જેલમાં ઊભી થઈ હતી. બેરેકમાં કેદીઓના ઓશિકામાંથી નશાકારક પદાર્થો મળી આવ્યા હતા. પોલીસ દ્વારા ઓશીકા ફાડીને તપાસ કરતા પડિકી મળી આવ્યા હતા. કેદીઓએ વધુ પડતો વિરોધ કરતા આખરે લાજપોર પર જેલ ખાતે બખ્તર પહેરીને વધારાની પોલીસ પહોંચી ગઈ હતી.
વડોદરા જેલમાં બીડી, સિગારેટ અને ગુટકા મળ્યાં
રાજ્યભરની જેલોમાં ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું બહાર આવતાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 3 દિવસ અગાઉ અમદાવાદની સાબરમતી જેલની ઓચિંતી મુલાકાત લીધી હતી. ત્યાર બાદ શુક્રવારે રાતે વડોદરા જેલમાં 100 જેટલા પોલીસકર્મી સાથે ઉચ્ચ અધિકારીઓએ ઓચિંતો દરોડો પાડ્યો હતો, જેમાં બીડી, સિગારેટ, ગુટકા મળ્યાં હતાં. બીજી તરફ મોડી રાતે મહિલા પોલીસને બોલાવીને મહિલા બેરેક્સની તપાસ હાથ ધરાઈ હતી.
વડોદરા જેલમાં આજે સવારે 7 વાગ્યે તપાસ પૂર્ણ થઈ
હર્ષ સંઘવીએ ગત સાંજે વીડિયો-કોન્ફરન્સથી ઇન્ચાર્જ પોલીસ કમિશનર મનોજ નિનામાને જેલમાં કાફલા સાથે દરોડો પાડવા અને ખૂણેખૂણે ચેકિંગ કરવા સૂચના આપી હતી. અત્યંત ગુપ્ત રીતે તૈયારી કરવા સૂચના આપી હતી. અધિકારીઓના ફોન લઈ લેવાયા હતા. દરોડામાં કેટલાક કર્મીને બોડી વોર્ન કેમેરા સાથે પહોંચવા સૂચના અપાઈ હતી. અધિકારીઓ, કર્મચારીઓના કાફલાએ મોડી રાતે પહોંચી ચેકિંગ કર્યું હતું. આ કાર્યવાહી આજે વહેલી સવારે 7 વાગ્યા સુધી ચાલી હતી.
જેલમાં કેદીઓ વચ્ચે મારામારીની ઘટના વારંવાર બને છે
દરોડામાં ત્રણ ગુટકાની પડીકી, છૂટી તમાકુ અને બીડી બનાવવા માટેનાં સૂકાં પાંદડાં મળ્યાં હતાં. જેલમાં કેદીઓ વચ્ચે મારામારીની ઘટના વારંવાર બને છે ત્યારે કેદી વચ્ચે બે જૂથ હોવાનું બહાર આવ્યું હતું. વડોદરા જેલમાં અગાઉ અજ્જુ કાણિયાની હત્યા પણ થઈ હતી. વડોદરા સેન્ટ્રલ જેલમાં રહેલા કેદીઓ પૈકી કેટલાકને વીઆઇપી સગવડો અપાતી હોવાની ફરિયાદ લાંબા સમયથી ઊઠી હતી.
ચેકિંગ પહેલાં ગૃહ રાજ્યમંત્રીની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ
રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલી સૂચના અંતર્ગત તેમના માર્ગદર્શન હેઠળ ગત રાત્રે ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્ત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં રાજ્યના ગૃહ સચિવ નિપુણા તોરવણે, રાજ્યના પોલીસવડા વિકાસ સહાય તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસવડા તથા તમામ જેલના વડાઓ ઓનલાઈન જોડાયા હતા.
રાજ્યની 17 જેલમાં 1700 પોલીસકર્મીઓ ચેકિંગમાં જોડાયા
આ બેઠકમાં અપાયેલી સૂચના બાદ જિલ્લાના પોલીસવડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી અને રાજ્યભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્યની 17 જેલમાં 1700 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સરપ્રાઇઝ ચેકિંગનું લાઇવ મોનિટરિંગ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ સીએમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઇઝ ચેકિંગનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર- ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનિટરિંગ કરી રહ્યા છે.
પ્રતિબંધિત વસ્તુઓની બદી નેસ્ત નાબુદ કરવા મુહીમ
રાજયની મહત્વની જેલો પૈકી સાબરમતી જેલ (અમદાવાદ), વડોદરા જેલ, રાજકોટ જેલ અને લોજપોર જેલ (સુરત) મળી 4 મધ્યસ્થ જેલ ઉપરાંત 11 જીલ્લા જેલ અને પાલારા તેમજ ગળપાદર (કચ્છ)ની ખાસ જેલ મળી કુલ 17 જેલોમાં પોલીસ તંત્રની અલગ અલગ ટીમ બનાવી ઓચિંતી ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી. રાજયની જેલોમાં પ્રતિબંધિત વસ્તુઓની બદી નેસ્ત નાબુદ કરવાની આ મુહીમ અંતર્ગત સમગ્ર મેગા સર્ચ ઓપરેશન દરમિયાન 16 મોબાઇલ, 10 ઇલેકટ્રીક ચીજવસ્તુ, 39 ઘાતક વસ્તુઓ, 519 ધુમ્રપાનને લગતી વસ્તુઓ અને 3 માદક પદાર્થો મળી આવ્યા છે.
ભૂપેન્દ્ર પટેલે પળે પળની અપડેટ મેળવી
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં કદાચ સૌ પ્રથમ વાર રાજ્યભરની જેલોમાં એક સાથે મેગા સરપ્રાઈઝ ચેકિંગ થયાની ઘટના બની હશે, જેમાં 1700 જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓ એક સાથે સર્ચ ઓપરેશનમાં જોડાયા હોય. તેમાં પણ ખાસ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી.એમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઈઝ ચેકિંગનું નિરીક્ષણ કરતા હોય અને પળે પળની અપડેટ મેળવતા હોય. એટલું જ નહિ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ ગૃહ વિભાગ તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કરી રહ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.