તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર સ્ટિંગ:સરકારી નોકરીમાં ફરજિયાત CCC સર્ટિફિકેટ પરીક્ષા આપ્યા વગર ઠોઠને હોંશિયાર બતાવવા અમુક સંસ્થાનું 2300 રૂપિયામાં વેચવાનું કૌભાંડ

રાજકોટ3 મહિનો પહેલાલેખક: મહેન્દ્રસિંહ જાડેજા, ભરતદાન ગઢવી
  • કૉપી લિંક
ભાસ્કરની ટીમે ક્લાસીસમાં જઈને વાત કરી અને 2300 રૂપિયા આપતા માત્ર 15 મિનિટની અંદર સર્ટિફિકેટ તૈયાર કરીને હાથો હાથ આપી દીધું હતું. - Divya Bhaskar
ભાસ્કરની ટીમે ક્લાસીસમાં જઈને વાત કરી અને 2300 રૂપિયા આપતા માત્ર 15 મિનિટની અંદર સર્ટિફિકેટ તૈયાર કરીને હાથો હાથ આપી દીધું હતું.
  • રાજકોટના એસ્ટ્રોન ચોકમાં આવેલા કમ્પ્યૂટર ક્લાસિસે 15 મિનિટમાં ઉમેદવારની ગેરહાજરીમાં પૈસા લઇ સર્ટિ. કાઢી આપ્યું
  • ભાસ્કરે દસ ક્લાસિસમાં તપાસ કરી તો એકે પૈસા લઇ પ્રમાણપત્ર આપી દીધું
  • અન્યમાં કહ્યું પરીક્ષા આપી દો પાસ કરાવવાની જવાબદારી અમારી
  • છેલ્લાં સાત વર્ષમાં થયેલી ભરતીમાં અને પ્રમોશન માટે રજૂ કરાયેલાં સીસીસી સર્ટિ. અંગે તપાસ કરાય તો ચોંકાવનારો આંકડો સામે આવે

કોરોનાના લાંબા વિરામ બાદ હવે સરકારી ભરતી શરૂ થવાના આરે છે ત્યારે અમુક લોકો પણ આ મોકાનો લાભ ઉઠાવી રોકડી કરવા મેદાને ઉતર્યા છે. સરકારી નોકરી માટે ફરજિયાત એવું સીસીસી સર્ટિફિકેટ પસંદગી પામેલા ઉમેદવાર પાસે ન હોય તો તેની નોકરી પણ જોખમમાં મૂકાઇ શકે ત્યારે નોકરી વાંચ્છુઓને કોઇપણ પ્રકારનો કોર્સ કર્યા વગર કે પરીક્ષા આપ્યા વગર પૈસા ચૂકવવાથી સીસીસી સર્ટિફિકેટ આપી દેવામાં આવેછે. રાજકોટમાં આવી કેટલીક સંસ્થાઓ કાર્યરત હોવાની માહિતી મળતા ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે શહેરની જુદી જુદી દસ કોમ્પ્યૂટર ક્લાસીસ સંસ્થામાં જઇને ત્રિપલ સી સર્ટિફિકેટ માટેની વાત કરતાં ચોંકાવનારી હકિકત બહાર આવી હતી.

15 મિનિટમાં જ સર્ટિ કાઢી આપ્યું
શહેરના એસ્ટ્રોન ચોકમાં આવેલી સૌરાષ્ટ્રની નામાંકિત પટેલ કોમ્પ્યૂટર નામની સંસ્થાએ ઉમેદવારનો ચહેરો પણ જોયા વગર રૂ.2300 વસુલી માત્ર 15 મિનિટમાં ટ્રીપલ સીનું સર્ટિફિકેટ આપી દીધું હતું, એટલું જ નહી ઉમેદવારને એ ગ્રેડ પણ આ સંસ્થાએ આપ્યો હતો. અન્ય કેટલીક સંસ્થાના સંચાલકોએ કહ્યું હતું કે, દરરોજ અભ્યાસ માટે આવવાની જરૂર નથી માત્ર પરીક્ષા આપવાની રહેશે, પરીક્ષા આપો એટલે ત્રણ દિવસમાં જ પાસનું સર્ટિફિકેટ આપી દેશું તેની ખાતરી આપી હતી અને આ માટે રૂ.1500 થી માંડી રૂ.2500 સુધી ચૂકવવાની વાતો કરી હતી. પૈસા લઈને અપાતા સર્ટિફિકેટ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તો આવી સંસ્થાઓએ અત્યાર સુધીમાં કેટલા સર્ટી.કાઢ્યા તે સામે આવે.

પૈસા લઈને કાઢી આપેલું આ સર્ટિફિકેટ
નિયમ મુજબ સર્ટિફિકેટ મેળવવા માટે કમ્પ્યૂટરનું જ્ઞાન હોવું જોઈએ, ચોક્કસ સમયનો કોર્સ કરવો પડે અને સીસીસીની પરીક્ષા આપવી પડે અને તેમાં પાસ થાય તો જે-તે સરકાર માન્ય ક્લાસીસ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવે છે. તેની પ્રક્રિયા મહેનત માગી લે તેવી હોય છે.

સંવાદ-1: ચિંતા કરોમાં અનેક યુવાનો લઇ ગયા છે, સરકારી નોકરીમાં અમારા ક્લાસનું સર્ટિફિકેટ વેલિડ છે
એસ્ટ્રોન ચોકમાં આવેલી પટેલ કોમ્પ્યુટર નામની સંસ્થામાં ભાસ્કરની ટીમ પહોંચી અને અમારા પરિવારની એક યુવતીને સરકારી નોકરી મળી છે તેને સીસીસી સર્ટિફિકેટ આપવાનુ છે, તે કોર્સ કરી શકે તેમ નથી અને સર્ટિફિકેટ આપવું ફરજિયાત છે તો શું કરશું, આ વાત સાંભળી પટેલ કોમ્પ્યૂટરની એક મહિલા કર્મચારીએ રૂ.2500માં સર્ટિ આપવાની વાત કરી હતી, એટલું જ નહીં તેણે દાવો કર્યો હતો કે અગાઉ અનેક યુવકોને કોર્સ કે પરીક્ષા આપ્યા વગર આ રીતે જ સર્ટિફિકેટ આપ્યા છે અને તે તમામ લોકો નોકરી કરે છે, કર્મચારી અને ભાસ્કરની ટીમ વચ્ચે થયેલા સંવાદો અત્રે પ્રસ્તુત છે.

ભાસ્કર: અમારા બહેન સરકારી નોકરી માટે પસંદ થયા છે, સીસીસી સર્ટિફિકેટ આપવાનુ છે, તે કોર્સ કરી શકશે નહી.
કર્મચારી: કોર્સનથી કરવો?, પરીક્ષા તો આપશેને?.
ભાસ્કર: ના બહેન બહારગામ છે, અહીં આવી શકે તેમ નથી.
કર્મચારી: હાં વાંધો નહીં 2500 રૂપિયા થશે.
ભાસ્કર: બહેન કંઇક વ્યાજબી કહોને જરૂરી છે એટલે લેવું પડે તેમછે.
કર્મચારી: ઠીક છે, 2300 રૂપિયા આપો, આનાથી ઓછું નહીં ચાલે.
ભાસ્કર: બહેન તમારી સંસ્થાનું સર્ટિફિકેટ ચાલશે તો ખરૂને, બાદમાં કોઇ પ્રશ્ન ઊભો નહી થાયને?.
કર્મચારી: અરે ચિંતા કરોમાં, અત્યાર સુધીમાં અનેક લોકોને આ રીતે આપ્યા છે, બધાના ચાલ્યા છે.
ભાસ્કર: કેટલા દિવસમાં સર્ટિફિકેટ મળી જશે.
કર્મચારી: અત્યારે 2300 રૂપિયા આપવાના રહેશે, આમ તો બે દિવસ લાગે પરંતુ તમે બહારથી આવો છો તો બેસો 15 મિનિટમાં સર્ટિફિકેટ બનાવી આપું.
ભાસ્કર: બહેન ગ્રુપના અન્ય છ-સાત મિત્રો છે તેને પણ સર્ટિફિકેટ મેળવવાના છે તેમનું થઇ જશે?.
કર્મચારી: હા વાંધો નહીં જેટલા હોય તેટલા આપશું, પણ તેમને રૂબરૂ આવવું પડશે.

સંવાદ-2: બહેનને સમજાવી દેજો, કોઇ પૂછે તો કહે ત્રણ મહિના ક્લાસિસમાં નિયમિત ગઇ હતી’
ભાસ્કર: બહેને કોર્સ કર્યો નથી, અને પરીક્ષા પણ આપી નથી તો કોઇ મુશ્કેલી તો નહી થાયને?.
કર્મચારી: ના..ના.., કોઇ વ્યક્તિ પૂછે તો બહેનને કહેજો કે એમ કહેવાનું કે,‘ પટેલ કોમ્પ્યુટરમાં ત્રણ મહિના સુધી દરરોજ એક કલાક બપોરે જતી હતી, અને પરીક્ષા આપી અને પાસ થઇ છું’.
ભાસ્કર: આ સર્ટિફિકેટમાં તો કોઇ વાંધો નહી કાઢેને?.
કર્મચારી: અરે ના, ગુજરાત સરકારની ભરતીમાં અમારૂ સર્ટિફિકેટ માન્ય છે.
ભાસ્કર: હાં, તમારી સંસ્થાનું તો મોટું નામ છે.
કર્મચારી: રાજકોટ શહેરમાં જ અમારી સાત બ્રાંચ છે, અને અન્ય શહેરોમાં પણ ખરી.
ભાસ્કર: હવે સરકારી પરીક્ષાઓ શરૂ થઇ છે તો આ રીતે સર્ટિફિકેટ મેળવવા લોકો આવતા હશેને?.
કર્મચારી: હાં અનેક લોકો આવે છે, કોઇકને સીધું આપી દઇ તો કોઇકને પરીક્ષા આપવાનું કહી પણ પાસ કરીને સર્ટિફિકેટ આપી દઇએ.

નિયત સમયમાં સર્ટિે.રજૂ ન કરે તો નોકરી જાય
કોઇપણ સરકારી નોકરીમાં ઉમેદવાર પસંદગી પામ્યા બાદ તેણે સીસીસી સર્ટિફિકેટ રજૂ કરવાનું ફરજિયાત છે, જો કોઇ ઉમેદવાર પંસદગી પામ્યો હોય અને ત્યાં સુધીમાં તેણે આ પરીક્ષા પાસ કરી ન હોય તો નિયત સમયમાં તેણે આ કોર્ષ કરીને પરીક્ષા પાસ કરવાની હોય છે, અને જો નિશ્ચિત સમયમાં સર્ટિફિકેટ રજુ ન કરી શકે તો આવા કેસમાં તે ઉમેદવારની પસંદગી ગેરલાયક ઠેરવવામાં આવે છે. > ચેતનભાઇ દવે, રોજગાર કચેરીના નિયામક

બહેન જૂની તારીખનું મળે?, હા, લ્યોને જાન્યુઆરી મહિનાનું લખી આપું
ભાસ્કરની ટીમ તા.25 જૂન અને શનિવારે પટેલ કોમ્પ્યુટરે પહોંચી હતી, સર્ટિફિકેટ માટેની તમામ વાતો થયા બાદ જૂની તારીખનું સર્ટિફિકેટ મળી શકે તેમ પૂછતાં જ ક્લાસીસની મહિલા કર્મચારીએ કહ્યું હતું કે, હાં મળેને, કેટલા મહિના પહેલાનું જોઇએ છે, જાન્યુઆરી મહિનાનું આપી દઉં?, 25 જાન્યુઆરીનું આપી દઉં?, એ દિવસે રવિવાર તો નહોતોને?, આ ચેક કરવું પડેને?, વળી કોઇને શંકા ઉપજે.

અન્ય સમાચારો પણ છે...