બાતમીદારો દ્વારા પોલીસને જેવી રીતે માહિતી મળે છે. તેવી જ રીતે ગુનાહિત પ્રવૃત્તિ આચરતા તત્ત્વોને પોલીસના દરોડાની ગંધ આવી જતી હોય દરોડા પૂર્વે જ તેઓ નાસી જતા હોય છે. જેને કારણે પોલીસને દરોડા સમયે માત્ર મુદ્દામાલ જ હાથ લાગતો હોય છે. આવા અગાઉ એક બનાવો પ્રકાશમાં આવ્યા છે. આવા જ એક વધુ બનાવમાં ગ્રીનલેન્ડ ચોકડીથી માર્કેટ યાર્ડ તરફ જતા રસ્તા પર એક વિદેશી દારૂ ભરેલી ઓટો રિક્ષા પડી હોવાની પોલીસને માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
જોકે પોલીસ પહોંચી તે સમયે માહિતી મુજબની વિદેશી દારૂ ભરેલી ઓટો રિક્ષા રેઢી મળી આવી હતી. ઓટો રિક્ષામાં તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 227 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.91 હજારનો શરાબ ઉપરાંત બે ઓટો રિક્ષા અને એક ટુ વ્હિલ મળી કુલ રૂ.1.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
અન્ય એક બનાવમાં ભગતસિંહ ગાર્ડન પાછળ હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર નજીક એક શખ્સ પોલીસને જોઇ વિદેશી દારૂની 36 બોટલ મૂકી નાસી ગયો હતો. પોલીસ તપાસમાં નાસી ગયેલો શખ્સ વૈશાલીનગરનો રાજદીપ ઉર્ફે ભીમો કાનજી પઢિયાર હોવાનું જાણવા મળતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે પ્રોહિબિશનના ગુનામાં બે મહિનાથી નાસતા ફરતા જંગલેશ્વર-31ના મહેબૂબ રફિક ડોડેરા નામના શખ્સને પોલીસે તેના ઘર પાસેથી ઝડપી લીધો છે.
અગાઉ દારૂ-જુગારના ત્રણ ગુનામાં પકડાઇ ચૂકેલા મહેબૂબનું નામ ગોંડલ તાલુકા પોલીસે પકડી પાડેલા 70 પેટી વિદેશી દારૂના ગુનામાં નામ ખુલ્યું હતું. નામ ખુલ્યા બાદ તે પોલીસને હાથતાળી આપતો હોય તેને પકડવા રાજકોટ પોલીસે પણ તપાસ શરૂ કરી હતી અને માહિતીના આધારે મહેબૂબને પકડી પાડી ગોંડલ તાલુકા પોલીસ હવાલે કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.