નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દરેક બાબતોની આગોતરી તકેદારી સાથે કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને આર્થિક લેવડ દેવડ ઉપર ચાંપતી નજર રાખીને કોઈપણ પ્રકારની ગેરરીતિઓ ન થાય તે સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા નક્કર પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને આજરોજ કલેકટર કચેરી ખાતે ચૂંટણી ખર્ચ નિરીક્ષક અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સરકારી, સહકારી અને ખાનગી બેન્ક સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
ઓનલાઈન ટ્રાન્જેકશનો પર ધ્યાન રાખવા સૂચના
આ તકે ચૂંટણી ખર્ચ નિરીક્ષક દેવ ચૌધરીએ દરેક બેન્કોને 10 લાખ અથવા તેનાથી વધુની રકમના નાણાકીય વ્યવહારો ઉપર ખાસ નજર રાખવા જણાવ્યું હતું. રોકડ લેવડ દેવડ સિવાયના ઓનલાઈન ટ્રાન્જેકશનો ઉપર પણ ધ્યાન રાખવા સૂચના આપી હતી. તેમજ દરેક બેન્કનાં અધિકારીઓને નિયત ફોર્મમાં સર્વે બ્રાન્ચમાં રોજ થતા નાણાકીય વ્યવહારોનો રિપોર્ટ બેન્ક નોડલ અધિકારી તેમજ ઇન્કમટેક્સ નોડલ અધિકારીને સત્વરે મોકલી આપવા પર ભાર મુક્યો હતો.
બેન્કના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
વધુમાં દરેક બેંકના અધિકારીઓને પણ પોતાના સ્ટાફના સભ્યોને પણ શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઉપર નજર રાખવાની સુચના આપવા જણાવ્યું હતું. સાથો સાથ કોઈપણ ઉમેદવારને બેન્ક વ્યવહાર સંબંધિત મુશ્કેલીઓ ન પડે તેનું ધ્યાન રાખવા કહ્યું હતું.આ બેઠકમાં બેંક નોડલ અધિકારી, ઇન્કમટેક્સ નોડલ અધિકારી તેમજ સરકારી, સહકારી અને ખાનગી બેન્કના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સિટી બસ સેવામાં ક્ષતિઓ બદલ 11 કંડકટર સસ્પેન્ડ
રાજકોટ મનપા સંચાલિત સિટી બસ સેવામાં ક્ષતિઓ બદલ ઓપરેટરને વધુ પોણા ત્રણ લાખનો દંડ કરાયો છે તો વધુ 11 કંડકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો મનપાના રીપોર્ટ મુજબ પૂરા શેરમાં દોડતી 115 સીટી બસ કરતા માત્ર 150 ફટ રોડ પર દોડતી 18 બીઆરટીએસ બસમાં વધુ મુસાફરો ફર્યા હતા.
અલ્ટ્રા મોડર્ન એજન્સીને રૂા.37200નો દંડ
રાજકોટ રાજપથ કંપનીના રીપોર્ટ મુજબ તા.7-11 થી 13-11 દરમ્યાન સેવામાં બેદરકારી બદલ સીટી બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને 7900 કિ.મી. એટલે કે 2.76 લાખની પેનલ્ટી કરવામાં આવી છે. તો ફેર કલેકશન એજન્સી અલ્ટ્રા મોડર્નને રૂા.37200નો દંડ કરવામાં આવ્યો છે. અઠવાડિયામાં 47 રૂટ પર 115 સીટી બસ 92668 કિ.મી. દોડી હતી અને 1.68 લાખ મુસાફરો તેમાં ફર્યા હતા.
ટીકીટ વગર બે મુસાફર ઝડપાયા
સીટી બસ સેવામાં ગેરરીતિ અને અનિયમિતતા બદલ 9 કંડકટરને હંગામી અને બેને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ટીકીટ વગર પકડાયેલા બે મુસાફર પાસેથી રૂા.220નો દંડ લેવામાં આવ્યો હતો. 150 ફુટ રોડના બીઆરટીએસ રૂટ પર 18 ઇલે.બસ પણ અઠવાડિયામાં 58 હજાર કિ.મી. ચાલી હતી અને 1.77 લાખ મુસાફરોએ તેનો લાભ લીધો હતો. આમ સીટી બસ કરતા માત્ર માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડીના 10.7 કિ.મી.ના રૂટ પર દોડતી બસના મુસાફરોની સંખ્યા વધુ નોંધાઇ છે. તેમાં કામ કરતી રાજ સિકયુરીટી સર્વિસને પણ રૂા.200ની પેનલ્ટી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.