રાજકોટ ક્રાઇમ ન્યુઝ:કાલાવડ રોડ પર પાનની દુકાનમાં ચાઈનીઝ ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો, બેફામ વેચાણ થયાનું ખુલ્યું

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
દુકાનના માલિક રવિ રમેશભાઈ મનસુખાણીની ધરપકડ - Divya Bhaskar
દુકાનના માલિક રવિ રમેશભાઈ મનસુખાણીની ધરપકડ

યુવાવર્ગમાં છેલ્લા ઘણા સમયથી ઈ-સિગારેટના સેવનનો જોખમી ટ્રેન્ડ ચાલું થઈ ગયો હોય વાલીઓમાં ઘેરી ચિંતા પ્રવર્તી જવા પામી છે. બીજી બાજુ આ દૂષણને ડામવા માટે પોલીસે પણ કમર કસી લીધી હોય તબક્કાવાર પાનની દુકાનોમાં ઈ-સિગારેટ અંગેની ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી રહી છે. આવી જ એક ડ્રાઈવમાં 10 જ મિનિટની અંદર પોલીસને ઈ-સિગારેટનો મોટો જથ્થો મળી આવતાં જથ્થા સાથે દુકાનના માલિકની ધરપકડ કરી છે.

મોંટી માત્રામાં જથ્થો મળી આવ્યો

ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ ડી.સી.સાકરિયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ગત રાત્રે 10:30 વાગ્યે કાલાવડ રોડ પર કેકેવી હોલ ચોકથી થોડેક આગળ આત્મીય કોલેજ તરફ પહોંચ્યા ત્યારે બાતમી મળી હતી કે ખેતલા આપા ટી-સ્ટોલની પાસે આવેલી આશાપુરા પાન નામની દુકાનમાં ઈ-સિગારેટનો જથ્થો છે અને દુકાનના માલિક દ્વારા તેનું બેફામ વેચાણ થાય છે. આ બાતમીના આધારે પોલીસે દુકાનમાં ચેકિંગ કરતાં ઈ-સિગારેટનો મોટી માત્રામાં જથ્થો મળી આવતાં પોલીસે ચીન બનાવટની અલગ-અલગ કંપની તેમજ ફ્લેવર્સની ઈ-સિગારેટના રૂા.39300ના જથ્થા સાથે દુકાનના માલિક રવિ રમેશભાઈ મનસુખાણીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રિક્ષા ઉભી રાખી સોડા પી રહેલા યુવકને બેકાબુ કારે અડફેટે લેતા મોત
રાજકોટ જિલ્લાના શાપર વેરાવળામાં નર્મદા ગેઇટ સામે રિક્ષા ઉભી રાખી પોતાના માતા અને માસી સાથે સોડા પી રહેલા રાજકોટના ધુળધોયા યુવાનનું કારની ઠોકરે ચડી જતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. જાણવા મળ્‍યા મુજબ ચુનારાવાડ-૩માં રહેતો સનીભાઇ દાનાભાઇ બાવરીયા ગઇકાલે પોતાની રિક્ષામાં માતા મંજુબેન અને માસી જયશ્રીબેનને બેસાડી શાપરથી આગળ રહેતાં પોતાના ફઇના ઘરે જઇ રહ્યો હતો. દરમિયાન સાંજે સાડા ચારેક વાગ્‍યે શાપરના નર્મદા ગેઇટ નજીક રિક્ષા ઉભી રાખી સની, માતા અને માસી સોડા પીવા ઉભા હતાં. આ વખતે જ બંબાટ નીકળેલી કારના ચાલકે રિક્ષા પાસે ઉભેલા સનીને ઉલાળી દેતાં અને રિક્ષામાં પણ સ્‍હેજ ઠોકર લાગતાં સનીને ગંભીર ઇજા થઇ હતી. માતા અને માસીનો બચાવ થયો હતો. સનીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ શાપર પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર બે ભાઇમાં નાનો હતો. તેની પત્‍નિનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું. આ બનાવથી એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ હતી. અકસ્‍માત સર્જી ભાગી ગયેલા કાર ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

શાકભાજીની આડમાં છુપાવેલા દારૂના 2064 ચપલા પકડાયા
ચૂંટણી પૂર્ણ થતાં જ રાજકોટમાં દારૂની ખેપ લાગવાનું ફરી શરૂ થઈ ગયું હોય તેવી રીતે દરરોજ મોટી સંખ્યામાં દારૂ પકડાઈ રહ્યો છે. દરમિયાન રાજકોટ-મોરબી હાઈ-વે ઉપર બેડી ગામ પાસે આવેલી લાલપરી નદીના બ્રિજ ઉપરથી ટ્રકમાં શાકબકાલાની આડમાં દારૂ છુપાવીને લઈ જવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતાં જ પોલીસે ત્રાટકીને 2064 જેટલા વિદેશી દારૂના ચપલા સાથે બે યુવાનની ધરપકડ કરી છે.

કારનો સોદો કરાવી ગઠીયો રૂા. 1.90 લાખ ચાઉં કરી ગયો
કારનો સોદો કરાવી એજન્ટ તરીકે ઓળખ આપનાર ગઠીયો રાજકોટના કાર બ્રોકરના રૂા.1.90 લાખ ચાઉં કરી ગયો છે. આ અંગે એ-ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. મળતી વિગતો મુજબ શહેરના આમ્રપાલી સિનેમા વિસ્તારની પાછળ આવેલા રામેશ્વર ચોક પાસે નવયુગ સોસાયટી શેરી નં.1માં રહેતા અને વિજય પ્લોટ શેરી નં.13માં મિલન મોટર્સ નામે કાર લે-વેચનો ધંધો કરતા ડેનિલ મિલનભાઇ કોટેચા (ઉ.વ.28)એ એ-ડીવીઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેઓ કારની લે-વેચનો ધંધો કરે છે.

એક વર્ષ પહેલાં પકડાયેલું શંકાસ્પદ વાવેતર ગાંજાનું હોવાનું ખુલ્યું
નવાગામ બામણબોરની એક વાડીમાંથી એક વર્ષ પહેલાં પકડાયેલું શંકાસ્પદ વાવેતર ગાંજાનું હોવાનું ખુલ્યું છે. જેથી આરોપી ખેડૂત વશરામ રણછોડ બાવળિયા (કોળી)ની ધરપકડ કરાઈ છે. એરપોર્ટ પોલીસ મથકના તત્કાલીન પીઆઈ જી.એમ. હડિયા અને તેમની ટીમે દરોડો પાડી નવાગામ બામણબોરની વાડીમાં મરચીના વાવેતર વચ્ચે ઉગાડેલા શંકાસ્પદ 280 છોડવા જપ્ત કરેલા. 14 માસ પૂર્વે ઝડપાયેલા જથ્થાના નમૂના તપાસ માટે એફએસએલમાં મોકલેલા જેના રિપોર્ટમાં ગાંજો હોવાનું સમર્થન મળતા હવે ગુનો દાખલ થયો છે.

પતિને માવતરે જવાની ના પડતા દિવ્યાંગ નવોઢાએ વખ ઘોળ્યું
જામનગર જિલ્લાના જામજોધપુરમાં પતિએ માવતરે જવાની ના પાડતા પાંચ દિવસ પહેલા જ લગ્ન કરનાર દિવ્યાંગ નવોઢાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. 37 વર્ષીય મૃતક જ્યોત્સનાબેન ચિત્રોડાનું માવતર સિક્કા હોય ગઈકાલે જ પતિને માવતરે જવાની વાત કરી હતી પતિએ કહ્યું કે, શુક્રવારે નહીં શનિવારે જશું, જે વાતનું લાગી આવતા પગલું ભર્યાનું તારણ છે.આ અંગે પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ જામજોધપુરમાં બસ સ્ટેશન પાસે એક્સીસ બેંક રોડ પર રહેતા પ્રજાપતિ પરિવારના પરિણીતા જ્યોત્સનાબેન ચેતનભાઈ ચિત્રોડા (ઉ.વ.37)એ ગઈકાલે સવારે 11.00 વાગ્યા આસપાસ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેમને પ્રથમ જામજોધપુર બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જોકે તબિયત બગડતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જ્યાં રાત્રે દસેક વાગ્યા આસપાસ તેમણે સારવારમાં જ દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો

અન્ય સમાચારો પણ છે...