કોરોનાએ લોકોની ઊંગને પણ હરામ કરી દીધી છે. લોકો કોરોનાથી એટલા ડરી ગયા છે કે રાતે પૂરતી ઊંઘ કરી શકતા નથી. આથી વ્યક્તિ તરત વગર વિચાર્યે ઊંઘની દવાઓઓ લેવાનું શરૂ કરી દે છે અને તેની આડ અસરો વ્યક્તિને વધુ નુકસાન કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ અને ડો. હસમુખ ચાવડાએ ઊંઘની સમસ્યા પર 1170 લોકો પર સર્વે કર્યો છે. જેમાં ચોંકવનારા તારણો સામે આવ્યા છે. જેમાં કોરોનામાં 54% લોકો ઊંઘની દવા લે છે. એક વ્યક્તિએ તો પૂછ્યું હતું કે, શું ઊંઘની દવા અને આલ્કોહોલ ભેગું કરી શકાય?
ઊંઘની દવા લેતા પહેલા ડોક્ટરોનો સંપર્ક કરો
ઊંઘની દવા ટૂંકા ગાળા માટે તમારી ઊંઘની સમસ્યામાં મદદ કરી શકે છે. પરંતુ ઊંઘની ગોળીઓ વિશે તમારે જે જાણવાની જરૂર છે તે બધું સમજવું મહત્વપૂર્ણ છે. તેમાં સ્લીપિંગ પિલની આડ અસરો વિશે જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે જાણીને તમે આ શામક દવાઓનો દુરુપયોગ ટાળી શકશો. સ્લીપિંગ પિલ્સની સંભવિત આડઅસરો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે, આથી તમે દવા બંધ કરી શકો અને વધુ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાને ટાળવા માટે તમારા ડોક્ટરને તરત જ કોલ કરી શકો. તમે ઊંઘની દવાઓ લેવાનું નક્કી કરો તે પહેલાં, તમારા ડોક્ટર સાથે વાત કરો. વધુ માર્ગદર્શન મેળવવા અને ઊંઘની સમસ્યાઓમાંથી રાહત મેળવવા તમે મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટનો સંપર્ક કરી શકો છો. જેના ફોન નં. 0281 2588120 છે.
સર્વેમાં લોકોને પૂછવામાં આવેલા સવાલો
પ્રશ્નઃ કેટલા સમયથી તમે ઊંઘવા માટે દવાનો સહારો લો છો?
જવાબઃ 8%એ કહ્યું, આશરે 5 વર્ષથી, 11% લોકોએ કહ્યું- 3 વર્ષથી, 18%એ કહ્યું, કોરોના આવ્યો ત્યારથી અને 20%એ કહ્યું, જ્યારથી કોરોના થયો ત્યારથી.
પ્રશ્નઃ ઊંઘની દવા લેવાથી ઊંઘ બરાબર આવે છે?
જવાબઃ 80%ની હા, 20%ની ના.
પ્રશ્નઃ શું રાત્રિ દરમિયાન તમારી ઊંઘ ઊડી જાય છે?
જવાબઃ 51.1%ની હા.
પ્રશ્નઃ ઊંઘની દવા ડોક્ટરની સલાહ મુજબ લો છો?
જવાબઃ 75.6%ની ના.
ઊંઘની દવા શું છે?
મોટા ભાગની ઊંઘની દવાઓને ‘શામક હિપ્નોટિક્સ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, આ દવાઓનો ચોક્કસ વર્ગ છે, જેનો ઉપયોગ ઊંઘમાં રહેવા માટે થાય છે. ઊંઘની દવાઓ સુસ્તી વધારે છે અને લોકોને ઊંઘવામાં મદદ કરે છે.
ઊંઘની દવા મોટી વયના લોકો વધારે લે છે
યુવાન લોકોની તુલનામાં વૃદ્ધ લોકોને ઊંઘની દવા લેવા પર તેમના સ્વાસ્થ્ય સમસ્યા વધારે થાય છે. જ્યારે તમે મોટા થાઓ છો ત્યારે ઊંઘની દવાઓ તમારા શરીરમાં લાંબા સમય સુધી રહે છે. તમને દવા લીધા પછીના દિવસે પણ સુસ્તી રહી શકે છે. મૂંઝવણ અને સ્મૃતિની સમસ્યાઓ પણ જાણીતી આડઅસર છે. મોટી ઉંમરના લોકોમાં આ દવાઓના વધુપડતા ઉપયોગને કારણે પડી શકે છે, હિપ્સ તૂટી શકે છે અને અકસ્માત પણ થઈ શકે છે. કેટલીક ઓવર-ધ-કાઉન્ટર ઊંઘની દવાઓનાં અન્ય લક્ષણો, ખાસ કરીને વૃદ્ધ લોકોને હેન્ડલ કરવા મુશ્કેલ હોઈ શકે છે. તમારું મોં સુકાઈ શકે છે. તમને કબજિયાત પણ થઈ શકે છે અને પેશાબ કરવામાં મુશ્કેલી પડી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.