વિરોધ:અનિડા વાછરામાં પવનચક્કીના ચાલતા કામ સામે વિરોધ વંટોળ

અનીડાવાછરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામ અટકાવવા આદેશ ન અપાય તો કાલથી લોકોનો સત્યાગ્રહ

કોટડા સાંગાણી નજીકના અનીડાવાછરા ગામે પવનચક્કી લગાવવાની ચાલી રહેલી ગતિવિધિ સામે જબરો વિરોધ વંટોળ ઉઠ્યો છે અને આ કામ તાકીદે અટકાવવા મામલતદાર અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાકીદ કરવામાં આવી છે કે જો કામ નહીં અટકે તો ગ્રામજનો કચેરીએ ઉમટી પડી સાગમટે સત્યાગ્રહ કરશે. બીજી તરફ એક ખેડૂત કે જેમના સેઢાને નુકસાન થયું છે. તેમણે આ કામ ન અટકાવાય તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અનીડાવાછરા તાલુકા પંચાયતના સદસ્યના પતિ કિરિટસિંહે સમસ્ત ગ્રામજનોની સહી સાથે આપેલા આવેદનમાં જણાવ્યું છે કે અહીંની ખેતીની જમીનના શેઢે ખરાબામાં સુઝલોન કંપનીની પવનચક્કી મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે માટે ભારેખમ વાહનો અમારી જમીનમાંથી પસાર થઇ રહ્યા છે.

એટલું જ નહીં, જો અહીં પવનચક્કી લાગશે તો ભવિષ્યમાં અમારા ગામમાં અન્ય કોઇ રોજગારીના સ્ત્રોતો કે ઉદ્યોગો આવશે જ નહીં અને ખેતીની જમીનને નુકસાન થશે, જેની ભરપાઇ ક્યારેય નહીં થાય. આથી આ કામ તાકીદે અટકવું જ જોઇએ. અમારે પવનચક્કી જોઇતી જ નથી. કંપનીને જાણ કરી આ કામ તાકીદે અટકાવવામાં નહીં આવે તો સમસ્ત ગ્રામજનો સાથે મળી કલેક્ટર કચેરીએ આવતીકાલે 10મીએ ઉમટી પડી સત્યાગ્રહ કરશે. બીજી તરફ એક ખેડૂતન ખેતરનો શેઢો ભારે વાહનથી તૂટી જતાં તેમણે આ મુદે ન્યાય ન મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપતાં તંત્ર મુંઝવણમાં મુકાયું છે.

પવનચક્કીથી આ નુકસાનની ભીતિ
1 વાહનો આડેધડ ખેતરોમાંથી રસ્તા કાઢીને પસાર થતા હોવાથી જમીનને નુકસાન થાય છે, તેમજ પાકને પણ નુકસાની સહેવી પડે છે.
2 પવનચક્કી લાગે તો પાણીના બોરના તળ ઉંડા જતા રહેવાની શક્યતા
3 પાકને પિયત કર્યા પછી તરત જ જમીન સુકી થઇ જતી હોવાનો ખેડૂતોનો અભિપ્રાય, પાણની સંખ્યા પણ વધારવી પડે છે તો બીજી તરફ પાણી ઓછું મળે છે.
4 પવનચક્કીના પડછાયાથી ઉભા મોલને પારાવાર નુકસાન જતું હોવાનો કિસાનોનો મત

અન્ય સમાચારો પણ છે...