વાંકાનેરમાં ભાજપના બે જૂથ વચ્ચે ચાલતી તકરારના ઓછાયા રાજકારણમાં તો જોવા મળી જ રહ્યા છે પરંતુ તેની અસર હવે ધાર્મિક આયોજન સુધી પહોંચી છે, લોકમેળાના આયોજનમાં એકજૂથે આયોજન માટે ફોર્મ ભરતાં બીજી રથયાત્રાનું આયોજન કરીને તેને વળતો જવાબ આપવામાં આવતા વાંકાનેરમાં રથયાત્રા અને લોકમેળો લોકચર્ચાનો મુદ્દો બન્યો છે.
વાંકાનેરમાં 37 વર્ષથી જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, પરંપરા મુજબ રાજવી પરિવારના સભ્ય રથયાત્રાનું પ્રયાણ કરાવે છે, અને શહેરના મુખ્યમાર્ગો પર રથયાત્રા નીકળે છે, આગામી જન્માષ્ટમીએ એ રથયાત્રા તો નીકળવાની જ છે પરંતુ તેની સાથોસાથ દીવાનપરા સ્થિત હનુમાન મંદિરથી બીજી રથયાત્રા પણ નીકળશે, બુધવારે ભાજપના આગેવાન જીતુ સોમાણીની અધ્યક્ષતામાં વિવિધ સંગઠનો અને સમાજની એક બેઠક મળી હતી અને તેમાં બીજી શોભાયાત્રા કાઢવાનો નિર્ણય કરાયો હતો.
જીતુ સોમાણીએ જણાવ્યું હતું કે, સમસ્ત ભરવાડ સમાજ અને હિન્દુ સમાજના નેજા હેઠળ આગામી શોભાયાત્રા નીકળશે જે શહેરના રાજમાર્ગો પરથી પસાર થઇને જીનપરા ચોકમાં તેની પૂર્ણાહુતિ થશે. શહેરમાં બે રથયાત્રા નીકળવાની હોય રથયાત્રાનો સમય નિશ્ચિત કરી આપવા પોલીસ પાસે મંજૂરી માગવામાં આવી છે. વાંકાનેરમાં લાંબા સમયથી ભાજપના બે જૂથ વચ્ચે આંતરિક ગજગ્રાહ ચાલે છે, નગરપાલિકાના પ્રમુખ મુદ્દે થયેલા વિવાદ બાદ આ બે જૂથ કટ્ટરતાથી સામસામે આવી ગયું છે અને દરેક આયોજનમાં તેની અસર જોવા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.