મનોવૈજ્ઞાનિકોના મતે:એકતરફી પ્રેમી 'ઓબ્સેસિવ લવ ડિસઓર્ડર’નો શિકાર, આ વિકૃતિ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ, જેના તરફ આકર્ષાય તેને ઝનૂની વર્તન દેખાડે

રાજકોટ5 મહિનો પહેલા
  • સામેથી તેને એટલા પ્રમાણમાં પ્રેમ કે પ્રતિક્રિયા મળે નહીં ત્યારે આવી વ્યક્તિ સહનશક્તિ ગુમાવે છે

સુરતમાં જાહેરમાં એકતરફી પ્રેમીએ યુવતીની ગળું કાપી હત્યા કર્યાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં હડકંપ મચાવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની કર્તવી ભટ્ટ અને અધ્યાપક ડો.ધારા દોશીએ આવી ઘટના શા માટે બને છે એને લઈને એક વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે. તેમના મતે આવી ઘટના પાછળ ઓબ્સેસિવ લવ ડિસઓર્ડર જવાબદાર છે. ઓબ્સેસિવ લવ ડિસઓર્ડર (OLD) એક એવી વિકૃતિ છે, જેમાં વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ પર મુગ્ધ બની જાય છે. ઉપરાંત એવા ભ્રમમાં બંધાય છે કે પોતે તે વ્યક્તિના પ્રેમમાં છે અને તે વ્યક્તિને પોતાની સમજી તેના પર હક જમાવી બેસવાનું વર્તન કરે છે. આ વિકૃતિ ધરાવતી વ્યક્તિ સામેની વ્યક્તિને બાધારૂપ બને છે અને તેના પર હક્ક અને નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે સામેથી તેમને એટલા પ્રમાણમાં પ્રેમ કે પ્રતિક્રિયા નથી મળતી ત્યારે આવી વ્યક્તિ એ સહન કરી શકતી નથી. પરિણામે, તેનું વર્તન વિચિત્ર બને છે અને તે અતિઆવેગશીલ બને છે.

શું છે ઓબ્સેસિવ લવ ડિસઓર્ડર?
સામાન્ય રીતે એક સ્વસ્થ સંબંધમાં વ્યક્તિ એકબીજા પ્રત્યે સમાન ભાવ ધરાવતી હોય છે. તેઓ એકબીજાનું સન્માન કરે છે, એકબીજાને સમજે છે, એકબીજાની જરૂરિયાતોને સમજે છે. ઉપરાંત એકબીજાની દરેક ઈચ્છાને સ્વીકારવાની ભાવના રાખે છે, પરંતુ ઓબ્સેસિવ લવ ડિસઓર્ડર એ એક એવી વિકૃતિ છે, જેમાં વ્યક્તિ સામેની વ્યક્તિની ઇચ્છાઓનું સન્માન કરતી નથી. ઉપરાંત સામેની વ્યક્તિના અસ્વીકારને સહન કરી શકતી નથી અથવા સ્વીકાર કરી શકતી નથી. આ સાથે જ આ વિકૃતિ ધરાવતી વ્યક્તિ સામેની વ્યક્તિને પોતાની ઈચ્છા તેમજ વિચારો મુજબ નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. આ વિકૃતિ ધરાવતી વ્યક્તિ પોતાના એકતરફી પ્રેમને કારણે ક્રોધ, અસુરક્ષા તેમજ ઈર્ષ્યાનો ભોગ બને છે. તે અન્યની ના સહન કરી શકતી નથી અને જો કોઈ તેના પ્રેમનો અસ્વીકાર કરે તો તેને નુકસાન પણ પહોંચાડે છે.

આવી વ્યક્તિ વધારેપડતી આકર્ષાયને જોડાઈ જાય
OLD એ મનની એક સ્થિતિ છે, જેમાં વ્યક્તિ કોઈ એક વ્યક્તિ સાથે વધારેપડતી આકર્ષાયને જોડાઈ જાય છે. તે અસુરક્ષાની લાગણીથી ઘેરાઈ જાય છે. ઉપરાંત સતત ચિંતિત રહે છે, જેને પરિણામે તે સામેની વ્યક્તિને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. આ વિકૃતિ અન્ય માનસિક વિકૃતિઓ સાથે જોડાયેલી હોઈ શકે છે, જેમ કે અનિવાર્ય ક્રિયા દબાણ અથવા અનિવાર્ય વિચાર દબાણ, વ્યક્તિત્વ વિકૃતિ વગેરે. આ વિકૃતિને સરળ ભાષામાં પ્રેમ પ્રત્યેનું ઝનૂન અથવા પાગલપણું કહેવાય છે.

સતત એ જ વ્યક્તિના વિચારોમાં ખોવાયેલી રહે છે
આ વિકૃતિનાં ઘણાં ઉદાહરણો આપણને આસપાસ તેમજ સમાચાર દ્વારા જાણવા તેમજ જોવા મળે છે. આ એક એવી વિકૃતિ છે, જે કોઈ અન્ય માનસિક બીમારી સાથે આવી શકે છે. કોઈ અન્ય માનસિક બીમારીનાં લક્ષણો સાથે આ વિકૃતિ સ્પષ્ટ થતી હોય છે અથવા એમ પણ કહી શકાય કે આ વિકૃતિ અન્ય માનસિક બીમારીનાં લક્ષણો પણ દર્શાવતી હોય છે, જેનાં લક્ષણો દ્વારા આ બીમારીનું નિદાન કરી ઉપચાર કરવામાં આવે છે. આ વિકૃતિમાં વ્યક્તિ જે વ્યક્તિ પ્રત્યે આકર્ષાય હોય તેની સાથે નિયમિત તેમજ વારંવાર વાતચીત તેમજ મળવાની ઈચ્છા ધરાવે છે અને જો આમ ન બને તો તે બેચેન તેમજ ચિંતિત બની જાય છે. આ ઉપરાંત સતત એ જ વ્યક્તિના વિચારોમાં તે ખોવાયેલી રહે છે.

OLDનાં લક્ષણો
1. કોઈ વ્યક્તિ પ્રત્યે અતિશય અને સતત આકર્ષણ અનુભવવું
2. દરેક સમયે તેને એક જ વ્યક્તિ વિશેના સતત વિચારો આવવા
3. તે વ્યક્તિની અન્ય સાથેની ક્રિયા પ્રતિક્રિયા પર ખૂબ જ વધારે ઈર્ષ્યાનો અનુભવ થવો
4. જે-તે વ્યક્તિ વિશે બાધારૂપ વિચારને પરિણામે તેની દરેક પ્રવૃત્તિ પર નજર રાખવી, જેમ કે સોશિયલ મીડિયા ચેક કરવું, પીછો કરવો, વારંવાર ફોન અથવા મેસેજ કરવો
5. તેમનામાં આત્મસન્માનની ખામી હોય છે
6. અન્યો સાથે પણ એ જ વ્યક્તિ વિશે સતત વાત કરવાનું વલણ
7. જે-તે વ્યક્તિ અને તેમની ભાવનાઓ પર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરે છે
8. તે એક વ્યક્તિને કારણે પરિવાર અને મિત્રો સાથે સંપર્ક ઓછો કરી નાખે છે
9. આત્મહત્યાની ધમકી આપવી
10. વ્યક્તિગત સીમા ઓળંગવી
11. તે સામેની વ્યક્તિને એકલી મૂકવાનો વિચાર પણ નથી કરી શકતી
12. સતત તેના વિચારોમાં ખોવાયેલું રહેવું

ઓબ્સેસિવ લવ ડિસઓર્ડર થવા પાછળનાં કારણો
1. અટેચમેન્ટ વિકૃતિ
આ પ્રકારની વ્યક્તિ પોતાના આવેગો કે લાગણીઓ પર કાબૂ રાખી શકતી નથી. તેઓ કોઇ અન્ય વ્યક્તિનું આકર્ષણ અનુભવે છે અને તેમના પ્રત્યે અનુભવાતી લાગણીઓ પર કાબૂ મેળવી શકતા નથી. આ વિકૃતિઓ બાળપણમાં માતા-પિતા અથવા અન્ય સંભાળ રાખનારી વ્યક્તિ સાથે નકારત્મક અનુભવોના કારણે પરિણમે છે.

2. બોર્ડરલાઇન વ્યક્તિત્વ વિકૃતિ
આ વિકૃતિ ગંભીર મનોદશા વિકૃતિ સાથે જોડાયેલી છે, જેમાં વ્યક્તિ થોડી જ મિનિટોમાં ખુશ તો ક્યારેક ખૂબ જ ગુસ્સામાં જોવા મળે છે. ઉપરાંત વ્યક્તિ ક્યારેક ખૂબ જ બેચેન અને ખિન્ન બની જાય છે. આ સિવાય વ્યક્તિ પોતાના સંબંધોને લઈને સતત અસુરક્ષાનો અનુભવ કરે છે. OLDમાં વ્યક્તિ ક્યારેક આત્યંતિક પ્રેમનો અનુભવ કરે છે તો ક્યારેક ખૂબ જ અણગમો વ્યક્ત કરે છે. બોર્ડરલાઇન વ્યક્તિત્વ વિકૃતિ ધરાવતા લોકોને OLD થવાની સંભાવના વધી જાય છે.

3. ભ્રામક ઈર્ષ્યા
આ વિકૃતિમાં વ્યક્તિને એવી ભ્રમણા થાય છે કે સામેની વ્યક્તિ તેમની લાગણીઓની પ્રતિક્રિયા આપી રહી છે. જોકે એ સત્ય હોતું નથી. OLDમાં વ્યક્તિ સમજી બેસે છે કે પોતે જ લાગણીનો અનુભવ કરી રહી છે, સામેની વ્યક્તિ તેની પ્રતિક્રિયા આપી રહી છે, પરંતુ હકીકતમાં એવું હોતું નથી, એ માત્ર તેમની ભ્રમણા હોય છે.

4. ઇરોટોમેનિયા
ઇરોટોમેનીયામાં વ્યક્તિને એવો ભ્રમ થતો હોય છે કે પોતે જે વ્યક્તિને પ્રેમ કરે છે તે વ્યક્તિ પણ તેને પ્રેમ કરે છે. વાસ્તવિકતામાં એવું હોતું નથી. આ વિકૃતિના પરિણામે OLDની શક્યતા ખૂબ વધી જાય છે.

5. અનિવાર્ય વિચાર દબાણ
આમાં વ્યક્તિને સતત એક જ પ્રકારના વિચારો આવ્યા કરે છે. OLDમાં આની અસરરૂપે વ્યક્તિ કોઈપણ કાર્ય કરતી હોય છતાં તેને તે એક જ વ્યક્તિના વિચારો સતત આવ્યા કરે છે, જેને કારણે તે પોતે પણ બેચેન બની જાય છે.

6. કામોન્નમાદ
આમાં વ્યક્તિ જે વ્યક્તિને પ્રેમ કરે છે અથવા જે વ્યક્તિ પ્રત્યે આકર્ષાય છે તેના પ્રત્યે ઝનૂની વર્તન દર્શાવે છે અને તેની સાથે અયોગ્ય વર્તન પણ ઘણી વખત કરી બેસે છે.

ઉપચાર
1. આ વિકૃતિ દૂર કરવા અથવા એની અસરમાં ઘટાડો કરવા જીવનનું કોઈ એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ અને તેને મેળવવા શું કરવું જોઈએ એ વિશે વિચારવું જોઈએ અને સાથે જ એ લક્ષ્ય મેળવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. આવી પરિસ્થિતિમાં વ્યક્તિએ પોતાના મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવો જોઈએ અને તેમની સાથે વાતચીત કરવી જોઈએ, પરંતુ એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પોતાની બાબતો અન્ય સાથે શેર કરતાં પહેલાં એ ચોક્કસાઈ કરવી જોઈએ કે તે વ્યક્તિ ભરોસો કરવા યોગ્ય છે કે નહીં, તે વ્યક્તિ તમને અને તમારી વાત નહીં યોગ્ય રીતે સમજે છે કે નહીં.

2. જ્યાં સુધી આ વિકૃતિ દૂર ન થાય ત્યાં સુધી તમે જે વ્યક્તિ પ્રત્યે આકર્ષણ અનુભવો છો તેની સાથેના સંબંધથી દૂર રહેવું જોઈએ, આથી તમે તમારી લાગણી પર તેમજ વિચારો પર કાબૂ મેળવી શકો. આ ઉપરાંત તેવી દરેક બાબતોથી બને ત્યાં સુધી દૂર રહેવું, જે એ વ્યક્તિ વિશે યાદ અપાવતી હોય. આ ઉપાયો પછી પણ જો સમસ્યા હોય તો મનોચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ. કાઉન્સેલિંગ અને થેરપી દ્વારા OLDને ઘણા ખરા અંશે ઓછું કરી શકાય છે. મનોચિકિત્સક અથવા મનોવૈજ્ઞાનિકની યોગ્ય સલાહ અને નિદાન દ્વારા આ વિકૃતિને સંપૂર્ણ રીતે દૂર અથવા અસરને ઓછી કરી શકાય છે. ઉપરાંત કોઈ અન્ય શોખની પ્રવૃત્તિમાં દર્દીને જોડીને તેના વિચારો અને ધ્યાનને અન્ય તરફ બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ. દર્દીને જે કોઈપણ ભય કે ચિંતા હોય તો એને સ્પષ્ટ કરી એના વિશેની સંપૂર્ણ માહિતી મનોચિકિત્સક દ્વારા લઈ એને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.