રાજકોટના ક્રાઈમ ન્યૂઝ:મોલમાં સાથે નોકરી કરતા એક તરફી પ્રેમ થયો, જોબ છોડી જતી રહેલી છોકરીનો કોન્ટેક્ટ ન થતા તરૂણે ઉંદર મારવાની દવા પીધી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ શહેરના માલધારી ફાટક વિસ્તારમાં રહેતાં એક 15 વર્ષના તરૂણે ગઇકાલે સાંજે ફાટક નજીક રોડ પર ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. રાતે સારવાર બાદ આ તરુણને રજા આપવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આ તરૂણ એકાદ મહિના પહેલા જ એક જાણીતા મોલમાં નોકરીમાં જોડાયો હતો. અહીં સાથે કામ કરતી એક છોકરી સાથે પરિચય થતાં તરૂણને એ છોકરી ખૂબ ગમવા માંડી હતી. પરંતુ અચાનક જ થોડા દિવસ પહેલા આ છોકરી નોકરી છોડીને જતી રહી હતી. આ પછી તરૂણને તેને શોધવા અને તેનો ફોન નંબર શોધવા પ્રયાસ કર્યા હતા. પરંતુ છોકરીનો સંપર્ક ન થતાં તે આઘાતમાં આવી ગયો હતો અને આ કારણે રોડ પર ઉંદર મારવાની દવા પી ગયો હતો.

રામપાર્કમાં કારખાનેદારે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી
રાજકોટમાં આજીડેમ પાસે આવેલા રામપાર્કમાં રહેતા અને કારખાનું ધરાવતા અરવિંદભાઈ લાખાભાઈ મકવાણા નામનો 38 વર્ષનો કારખાનેદાર યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના પોતાના ઘરે પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. કારખાનેદાર યુવકને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં યુવાનની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો.

આર્થિક ભીંસને કારણે કારખાનેદારે આપઘાતનું પગલું ભર્યું
આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ પરમાર સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક અરવિંદભાઈ મકવાણા કારખાનું ધરાવે છે. કારખાનેદાર યુવાને આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઇ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના સ્ટાફે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શાપર-વેરાવળ પાસે કારે બાઇકની ઠોકર મારી
રાજકોટ જિલ્લાના જામકંડોરણાના રાજપરાના વતની અને હાલ રાજકોટમાં મવડી વિસ્તારમાં 80 ફૂટ રોડ પર જય ગુરૂદેવ પાર્કમાં પુત્રના ઘરે રહેતા જયંતીભાઈ લખમણભાઈ સોજીત્રા (ઉં.વ.59) અને તેના પત્ની ભાનુબેન 26 સપ્ટેમ્બરના રોજ સવારે બાઇક લઈ ગોંડલ જતાં હતા. ત્યારે શાપર-વેરાવળ ઓવરબ્રિજ ઉપર પહોંચતાં બાજુમાંથી પૂરઝડપે નીકળેલો કાર ચાલક બાઇક સાથે ઘસાયને પસાર થતાં જયંતીભાઈએ સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા તેમના પત્ની ભાનુબેન બાઇક પાછળથી પડી જતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

પતિની નજર સામે પત્નીનું મોત
અકસ્માતમાં ઘવાયેલા ભાનુબેનને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્ટિલમાં ખસેડાયા હતાં. પરંતુ બ્રેઇન હેમરેજ થઈ જતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે શાપર વેરાવળ પોલીસે જરૂરી કાર્યવાહી કરી જયંતીભાઈ સોજીત્રાની ફરિયાદ પરથી અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો થયો
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયો હતો. જેમાં મહિલાની છાતીના ભાગે માર મારતા છેડતી સાથે મારામારીની ફરિયાદ પણ નોંધાવેલી છે. પોલીસ ફરિયાદ મુજબ ઉપલેટામાં જ રહેતા ફરિયાદી અને આરોપીઓને વોટ્સએપ ગ્રુપમાં સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો થયો હતો. આરોપી મખીભાઈ હાજીરફીક હડફા, રસીદભાઈ સીવાણી અને હનિફભાઈ કોડી આ બાબતે ફરિયાદી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને યુવકને તમાચો ઝીંકી દીધો હતો.

આરોપીઓએ મહિના છાતીના ભાગે માર માર્યો
આ મારામારી અને ઝપાઝપી દરમિયાન ફરિયાદી યુવકના પત્ની વચ્ચે પડ્યા હતા. ત્યારે આરોપીઓએ તેમને પણ અપશબ્દો બોલી છાતીના ભાગે માર માર્યોનો આક્ષેપ કરાયો છે. વધુમાં ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપીઓએ અપશબ્દો બોલી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપીઓ સામાજિક આગેવાનો હોવાથી તેમના વિરૂદ્ધ આ પ્રકારની ફરિયાદ થતા ઉપલેટામાં ચકચાર મચી ગઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી યુવકનો પણ ગુનાહિત ઈતિહાસ રહ્યો છે. હાલ ઉપલેટા પોલીસ મથકે ત્રણેય આરોપી સામે IPC કલમ 354, 323, 504, 506 (2) અને 114 વગેરે મુજબ ગુનો દાખલ કરી ધરપકડની તજવીજ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...