જેતલસર જંકશન પોલીસ મથકમાં નોંધાયેલ બળાત્કારના ગુન્હામાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં છેલ્લા પાંચ વર્ષથી સજા કાપી રહેલા મુકેશ મનસુખભાઇ ભુવાને ગઇકાલે જેલમાં એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક મુકેશ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. આ બનાવ અંગે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.
મિત્રના ત્રાસથી યુવકે ફીનાઇલ પીધૂ
મૂળ ઉનાના અને હાલ રાજકોટના રૈયારોડ પર રહેતા તેમજ એચસીજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતાં યુવકને તેની સાથે કામ કરતાં મિત્ર જાવીદશાએ લોન લેવા મામલે દબાણ કરી તેમજ ધમકીથી કંટાળી પોલીસ કમિશ્નર કચેરી પાસે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યાં હાજર પોલીસના જવાનોએ યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
તારા નામે લોન લેવી પડશે
આ બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે નોંધ કરી પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરતાં યુવકનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકના બનેવીએ જણાવ્યું હતું કે, તેના મિત્ર જાવીદશા ફકીર સાથે ભાગીદારીમાં એક ફ્લેટ લઈ હોસ્ટેલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે બાદ બંનેએ રૈયારોડ પર આવેલ એક ફ્લેટના ટોકન પેટે રૂ.પાંચ હજાર ચૂકવ્યા હતાં. બાકી રહેન રૂપિયાની લોન લેવા માટે જાવીદશાએ મારે બેંકનો સીબીલ સ્કોર નબળો છે તો તારા નામે લોન લેવી પડશે તેવું યુવકને કહ્યું હતું.
ન્યાયની આશાએ આ પગલું ભર્યું હતું
જે બાદ, યુવકે બેંકમાં તપાસ કરતાં પોતાનો સીબીલ સ્કોર પણ નબળો હોવાનું જણાવ્યું હતું અને તેને પણ લોન ના મળી શકે તેવું જણાવતાં જાકિરશા ઉશ્કેરાયો હતો અને યુવકને ગાળો આપી મારવા દોડતો અને લોન તો તારે જ લેવી પડશે કહી અવારનવાર ધમકી આપતો હતો. જેના ત્રાસથી કંટાળી તેણે પોલીસ કમિશ્નર કચેરીએ ન્યાયની આશાએ પગલું ભર્યું હતું. બનાવ અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી હતી.
પ્રેમીના માતા-પિતાએ પ્રેમિકાને માર માર્યો
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ગોવર્ધન ચોકમાં સુખસાગર સોસાયટીની શેરી નં. 5માં ‘સ્વર્ગ’ નામના મકાનમાં રહેતા નિરવ પરેશ ધંધુકીયાએ નાનામવાના સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં મળેલી યુવતી સાથે મિત્રતા કેળવી અને લગ્ન કરવાની લાલચ અને ભરોસો આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા. યુવતીએ લગ્નનું કહેતા નિરવે તેને ઘરે બોલાવી પિતા પરેશભાઈ અને માતા ભારતીબેને યુવતીની જ્ઞાતિ અલગ હોય જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી દરવાજો બંધ કરી માર મારી મોબાઈલ ચાર્જિંગના કેબલથી યુવતીને ગળેટુંપો આપતા, ધક્કો મારતા જમણી આંખ તેમજ નાકના ભાગે ફ્રેક્ચર જેવી ઈજાઓ થઈ હતી.
કોર્ટે આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજુર કરી
આ મામલે ફરિયાદ થતા પોલીસે નિરવની ધરપકડ કરી હતી. જ્યારે નિરવના માતા-પિતા ભાગી છૂટ્યા હતા અને સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેની વિરૂદ્ધમાં સરકારી વકીલે દલીલ કરી આગોતરા જામીનની અરજી રદ કરવા રજૂઆત કરેલી જેને ધ્યાને લઇ સ્પે. એટ્રોસિટી કોર્ટના જજ જે.ડી. સુથારે પરેશભાઈ અને ભારતીબેનની આગોતરા જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.
ચાઈનીઝ દોરીની 55 ફીરકી સાથે બે વેપારી ઝડપાયા
રાજકોટ શહેર એલસીબી ઝોન 1 ટીમ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે વેપારીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે દૂધસાગર રોડ પરથી વેપારી સતીષ અને પરેશ ઠક્કરની ધરપકડ કરી તેની પાસેથી 13,750 કિંમતની 55 નંગ ચાઈનીઝ દોરીની રીલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.