રાજકોટમાં નારી સંરક્ષણ ગૃહમાં સર્ગભા મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો. આ પુ્ત્ર જન્મની ઉજવણી છઠ્ઠી અને નામકરણની વિધિ આશ્રિત મહિલાઓ દ્વારા ભાવવિભોર બની હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી.
બાળકની સફળ પ્રસૃતી કરાઈ હતી
આ અંગે નારી સંરક્ષણ ગૃહના મેનેજર ગીતાબહેન ચાવડાએ જણાવ્યું હતું કે, 28 વર્ષીય બહેન થોડા સમય પહેલા સગર્ભા અવસ્થામાં જ નારી સંરક્ષણ ગૃહમાં આવ્યા હતા. ત્યારથી લઈને શીશુનાં જન્મ સમય સુધી નારીગૃહનો સ્ટાફ સતત સાથે રહ્યો હતો.બાળકની સફળ પ્રસૃતી કરાઈ હતી. અને બાળકની છઠ્ઠી વિધિવત રીતે કરવામાં આવી હતી. જેની સંપૂર્ણ તૈયારી અહીં વસવાટ કરતી 22 જેટલી મહિલાઓએ કરી હતી.
મહિલાઓ સ્વાભિમાનથી જીવન વ્યતિત કરી શકે છે
આ અંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, નારી સંરક્ષણ ગૃહ કે જ્યાં પીડિત મહિલાઓને આશ્રય તથા રક્ષણ આપવામાં આવે છે. તેમજ સ્વાભિમાનથી જીવન વ્યતિત કરી શકાય તે માટે આગવું ઘડતર કરવાનું કાર્ય પણ અહીં થાય છે. મહિલા અને બાળ વિભાગ સંચાલિત નારી સંરક્ષણ ગૃહમાં દરેક બહેનોને આનંદમય જીવનની સાથોસાથ આત્મનિર્ભર અને સ્વાભિમાનપૂર્ણ જીવન આપવાના દરેક કાર્યો હાથ ધરાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.