છેતરપિંડી:રાજકોટમાં ડોક્ટરની ઓળખ આપી શખસે કોવિડ હોસ્પિટલ બનાવવાનું કહ્યું, વેપારી પાસેથી 30 લાખના લોખંડ-પતરા મગાવી પૈસા ન આપ્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટી પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી. - Divya Bhaskar
યુનિવર્સિટી પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી.
  • NRI ફંડ આવ્યું હોવાથી કોવિડ હોસ્પિટલ બનાવી છે તેવું શખસે વેપારીને કહ્યું હતું

રાજકોટ યુનિવર્સિટી રોડ પર વિમલનગરમાં રહેતા મયુરભાઇ જીવરાજભાઇ વસોયા નામના વેપારીએ તુષાર બાબુ લુહાર સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપીએ ફોન કરી ડોક્ટર કાલરીયા બોલું છું કહી કોવિડ હોસ્પિટલ શરૂ કરવી છે, માટે 30 લાખ રૂપિયાનો સામાન મંગાવી છેતરપિંડી કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં યુનિવર્સિટી પોલીસે આઇપીસી કલમ 406,420 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સોશિયલ મીડિયામાં મેસેજથી શખસે ડોક્ટરની ઓળખ આપી
મયુરભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું 150 ફુટ રિંગ રોડ તુલસી પાર્ક શેરી નં.1 ક્રિષ્ના સ્ટીલ નામે વેપાર કરું છું. તેમજ અમારૂ બીજુ ગોડાઉન મેટોડા જી.આઇ.ડી.સી. ખાતે આવેલું છે. આ અમારા ક્રિષ્ના સ્ટીલનો વહીવટ મારા કાકા રમેશભાઇ વસોયા કરે છે. ગત તા.22 મેના બપોરના સમયે મારા કાકા રમેશભાઇ વસોયાનો ફોન આવ્યો અને મને એક મોબાઇલ નંબર આપ્યો હતો. બાદમાં મને જણાવ્યું કે, આ નંબર પર પાર્ટી સાથે ફોનથી વાત ચાલુ છે. તેમના વોટ્સએપ કરી ટી.એમ.ટી. સળીયાનો ભાવ આપી દે. એમ જણાવ્યા બાદ મેં તેમના મોબાઈલ પર વોટ્સએપથી વાત કરતા તેઓ ડો.ડી.કે. કાલરીયા હોવાનું જણાવતા હોય મેં તેમને ટી.એમ.ટી. સળીયાનો ભાવ આપ્યો હતો.

NRI ફંડ આવ્યું હોવાથી કોવિડ હોસ્પિટલ બનાવી છે તેવું શખસે કહ્યું
બાદમાં આ ડો.કાલરીયા મારા કાકા રમેશભાઇ સાથે ફોનમાં વાત કરતા હતા. બાદમાં મને વોટ્સએપમાં ટી.એમ.ટી. સળીયા અને એસ.એસ.ના પતરાનો ઓર્ડર આપ્યો હતો. બાદ મેં પેમેન્ટની વાત કરતા જણાવ્યું કે, તમે માલ મોકલી દો હું તમને પેમેન્ટ આર.ટી.જી.એસ.થી મોકલી આપીશ. તેમજ મારા કાકાને જણાવતા હતા કે, મારે એન.આર.આઇ. ફંડ આવ્યું હોય મારે કોવિડ હોસ્પિટલ બનાવી છે. ટી.એમ.ટી. સળીયા જોઇએ છીએ. આમ મારા કાકા રમેશભાઇ સાથે ફોનથી વાત કરી અને મારી સાથે વોટ્સઅપથી વાત કરી હતી. આ વખતે મને ઓર્ડર આપ્યો ત્યારે ઓર્થો સર્જીકલ નામે બિલ બનાવવાનું જણાવ્યું હતું.

આરટીજીએસથી પેમેન્ટ કરવાનું કહેતા વેપારીએ હા પાડી
તમામ માલનું પેમેન્ટ આર.ટી.જી.એસ.થી જોઇશે એમ વાત કરતા તેઓએ હા પાડતા ઓર્ડર મુજબનો ટી.એમ.ટી.સળીયા 25 ટન માલ મહેસાણાથી સાણંદ ટ્રાન્સપોર્ટમાં મોકલ્યો હતો. આ સમયે માલીયાસણના પ્રકાશભાઇનો મોબાઇલ નંબર આપ્યો હોય ત્યાં એસ.એસ.પતરા ઓર્ડર મુજબનો માલ મોકલી આપવા જણાવતા મેં તા.23 મેના રોજ રાજકોટથી માલીયાસણ ટ્રાન્સપોર્ટમાં મોકલ્યો હતો.

હાલ પોલીસે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે
મેં આ બન્ને માલનું બિલ વોટ્સએપ કર્યું હતું. જે પ્રથમ બિલ તા.23/05 જેમાં રૂ.15,00,767નો ટી.એમ.ટી. સળીયાનો માલ હતો. તેમજ બીજુ બિલ તા.24/05 જેમાં રૂ.15,18,279 નો એસ.એસ.પતરાનો માલ હતો. જે બને બિલો બનાવી મોકલ્યા હતા. સાણંદ ટી.એમ.ટી. સળીયાનો માલ મોકલ્યો ત્યારે ડો.કાલરીયાએ પંકજભાઇનો નંબર આપ્યો હતો. બાદમાં મેં ફોનથી વાત કરતાં આ પંકજ ભાઇએ માલ મોકલવાનું સરનામું સાણંદ મુકામે સરખેજ વિરમગામ હાઇવે એચ.પી.પેટ્રોલ પંપની બાજુમાં સાણંદનું આપ્યું હતું. બાદમાંપંકજભાઇને સાથે માલ મળી ગયો ત્યાં સુધી વાત થયા બાદ મોબાઇલ બંધ કરી દીધા હતા. ફરિયાદીએ પોતાની જાતે તપાસ કરતા તુષારભાઇ બાબુભાઇ લુહાર પોતે ડોક્ટર હોવાની ખોટી ઓળખ આપી હતી. તેઓ ડોક્ટર કાલરીયા હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે ફરિયાદ નોંધી આરોપી પકડી પાડવા તપાસ તજવીજ હાથ ધરી છે.