3 દી’ના રિમાન્ડ:જંગલેશ્વરના શખ્સે એ બંનેને ગાંજો આપ્યાની કબૂલાત

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃંદાવન મેઇન રોડ પાસેેથી ગાંજો પકડાયો હતો
  • બેડીપરા, ગંજીવાડાના શખ્સોને 3 દી’ના રિમાન્ડ

શહેરમાં નશીલા દ્રવ્યોનું વેચાણ કરતા અસામાજિક તત્ત્વોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ ગાંજાનો જથ્થો પકડી રહી છે. ત્યારે મંગળવારે તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વૃંદાવન મેઇન રોડ નજીક આવેલા આવાસ પાસે બાઇક પર નીકળેલા બે શખ્સ શંકાસ્પદ જણાતા બંનેને આંતર્યા હતા. પોલીસ પૂછપરછમાં બેડીપરા, મનહરપરા-1નો સાજીદ ફિરોઝ દસાડિયા અને ગંજીવાડાનો અફજલ કાસમ શાહમદાર હોવાનું જણાવ્યું હતું. જ્યારે બંનેની તલાશી લેતા કંઇ મળ્યું ન હતું.

બાદમાં બાઇકની ડેકી ચેક કરતા અંદરથી એક થેલી મળી આવી હતી. જેમાં તપાસ કરતા અંદરથી વનસ્પતિ જેવી વસ્તુઓ મળી આવી હતી. પ્રાથમિક દૃષ્ટિએ નશીલા દ્રવ્ય હોવાનું જાણવા મળતા એફએસએલ અધિકારી પાસે ખરાઇ કરાવતા તે ગાંજો હોવાનું જાણવા મળ્યું હતું. બાઇકની ડેકીમાંથી મળી આવેલા ગાંજાના જથ્થાનું વજન કરતા તે એક કિલો અને 614 ગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે રૂ.11,298ના કિંમતનો ગાંજો કબજે કરી બંને શખ્સની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. બાદમાં કોર્ટમાં રજૂ કરતા અદાલતે બંને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન બંને શખ્સને જંગલેશ્વરનો બાવાજી શખ્સ ગાંજો સપ્લાય કરી ગયો હોવાની કેફિયત આપી છે.

અન્ય સમાચારો પણ છે...