છેડતી:આશ્રમમાં સેવાપૂજા કરતા સાધ્વીને રાત્રે 3 વાગ્યે જગાડીને નશાખોરે કરી છેડતી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર રોડ પર રોકડિયા હનુમાનજી મંદિર આશ્રમમાં સાધ્વી સાથે અણછાજતું કૃત્ય
  • સાધ્વી સાથે ગેરવર્તણૂક કરનાર મનહરપુર-1 ગામના શખ્સને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

જામનગર રોડ, મનહરપુર-1 ગામ પાસે આવેલા રોકડિયા હનુમાનજી મંદિર આશ્રમમાં છેલ્લા નવ વર્ષથી સેવાપૂજા કરી ગુરુ શાલિગ્રામદાસ સાથે આશ્રમમાં જ રહેતા સાધ્વી રુક્મિણીશરણ ગુરુ ધ્રુવશરણ સાધુએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત રાતે પોતે મંદિરની બાજુના હોલમાં સુતા હતા. જ્યારે ગુરુ તેમના રૂમમાં સુતા હતા. દરમિયાન રાત્રીના ત્રણેક વાગ્યે કોઇએ દરવાજો ખટખટાવતા ત્યાં જઇને જોયું તો કોઇ અજાણ્યો શખ્સ જોવા મળ્યો હતો. જેથી કોણ છો, કોનું કામ છે તેવું પૂછતા તે શખ્સે તમારું કામ હોવાનું કહ્યું હતું.

રાત્રીના સમયે શું કામ છે, તમે સવારે આવજો તેમ કહેતા તે શખ્સે અત્યારે રાત્રીના શું કામ હોય? તેવું કહ્યું હતું. તેમ છતાં તેને જે કામ હોય સવારે આવવા અને અત્યારે જતા રહેવા કહ્યું હતું, પરંતુ તે શખ્સે હું જાઇશ નહિનું કહ્યું હતું. આમ મધરાતે અજાણ્યા શખ્સની હરકતથી તુરંત આશ્રમમાં સેવા કરવા આવતા માધાપરના સેવક લાલાભાઇ ડોડિયાને ફોન કરી આશ્રમે જલ્દી આવવા કહ્યું હતું.થોડા સમય પછી તે શખ્સ જતો રહ્યો કે કેમ તે જોવા માટે દરવાજો ખોલી બહાર તપાસ કરવા જતા તે શખ્સ અંધારામાંથી દોડી આવી પોતાનો હાથ પકડી છેડછાડ કરવા લાગ્યો હતો.

હાથ છોડાવી પોતે શાલિગ્રામદાસ બાપુના રૂમ તરફ દોટ મૂકી તેમને જગાડ્યા હતા. આ સમયે લાલાભાઇ પણ આવી પહોંચ્યા હતા અને તે શખ્સ દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. પૂછપરછ કરતા તે મનહરપુર-1 ગામનો ભરત પાચા સીતાપરા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વંડી કૂદતી વખતે ઇજા થતા શખ્સ ઝડપાઈ ગયો
પરોઢિયે જાણ થતાની સાથે જ પોલીસવાન આશ્રમે દોડી ગઇ હતી. પોલીસ આવ્યાની નશાખોરને ખબર પડતા તે ભાગ્યો હતો. આશ્રમની અંદર આવેલી દીવાલ કૂદી ભાગવા જતા તે ત્યાં ભંગાર, ઝાડી-ઝાંખરાના ખાડામાં ખાબક્યો હતો. જેને કારણે તેને હાથે-પગે ઉઝરડા પડ્યા હતા. ઇજા થવા છતાં તે શખ્સ આશ્રમની મુખ્ય દીવાલ કૂદવા જતો હતો. તે જ સમયે પોલીસે નશાખોર શખ્સને દબોચી લઇ સકંજામાં લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...