ખનીજચોરીમાં પકડાયેલા વાહનોનો દંડ ભરવાને બદલે બારોબાર અડધી રકમમાં નકલી દસ્તાવેજો બનાવીને પોલીસ સ્ટેશનમાંથી વાહન છોડાવવાનુ કૌભાંડનો ભાસ્કરે પર્દાફાશ કર્યો છે. ખનીજ માફિયાઓએ આ કૌભાંડને અંજામ આપવા જાણે ખાણખનીજ વિભાગની નકલી કચેરી જ બનાવી હોય તે રીતે કામ થતું હતું જો કે હવે આવી છેતરપિંડીઓ રોકવા માટે નવી જ પોલીસી બનાવવા માટે વિચારણા ચાલી રહી છે.
જ્યારે કોઇ ખનીજચોરીમાં ટ્રક પકડાય અને તે મામલતદારે પકડ્યો હોય ત્યારે ટ્રક પોલીસ સ્ટેશન જાય છે અને મેમો ખનીજચોરને અપાય છે આ મેમો ખાણ ખનીજ વિભાગને પહોંચાડે તો તેનો દંડ હુકમ નીકળે તેના આધારે દંડ ભરાય અને પછી ફરી ખાણ ખનીજ વિભાગ મુક્તિ હુકમ બનાવે અને તે પોલીસ સ્ટેશનમાં અપાય તો વાહન છૂટે છે.
આ સિસ્ટમમાં એક ખામી હતી કે ખાણ ખનીજ વિભાગ સિવાય પોલીસ કે પછી વહીવટી તંત્ર વાહન પકડે તો જ્યાં સુધી ખનીજ ચોર મેમો લઈને ખનીજ કચેરીએ ન આવે ત્યાં સુધી તે રેકોર્ડ પર જ ન આવે અને તેવી જ રીતે પોલીસ સ્ટેશનમાંથી વાહન છૂટ્યું કે નહિ તે પણ ખબર ન રહે.
આ ખામીનો જ ફાયદો કૌભાંડકારોએ લીધો હતો તેથી હવે એવું આયોજન થઈ રહ્યું છે કે કોઇપણ વાહન ખનીજ ચોરીમાં પકડાય અને તેનો દંડ ભરાય તો મુક્તિ હુકમ ખનીજચોરને આપવાને બદલે જે તે તંત્ર પોતાના અધિકૃત વ્યક્તિને પોલીસ સ્ટેશન હુકમ સાથે મોકલે અને તે ઈનવર્ડ થાય ત્યારબાદ જ વાહન છોડવામાં આવે. જો કે કઈ રીતે આખી પોલીસી બને છે તે માટે વહીવટી તંત્ર, પોલીસ અને અન્ય વિભાગોની એક સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે તેવુ જાણવા મળ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.