એજ્યુકેશન:રામનાથપરામાં 3 માસમાં મળશે નવી સરકારી શાળા

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંત તુલસીદાસ સ્કૂલનું કામ પૂર્ણતાના આરે
  • શિક્ષણ સમિતિના અધિકારીઓએ મુલાકાત લીધી

રાજકોટમાં એક પછી એક નવી સરકારી શાળાઓનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે શહેરના રામનાથપરા વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આગામી ત્રણ માસમાં નવી સરકારી પ્રાથમિક શાળાનો લાભ મળશે. સંત તુલસીદાસ સ્કૂલના નિર્માણનું કામ પૂર્ણતાના આરે છે. તાજેતરમાં જ કોર્પોરેશનના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના અધિકારીઓએ આ સ્કૂલની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો કરી ઝડપથી કામ પૂર્ણ કરવા તાકીદ પણ કરી હતી.

રાજકોટમાં આગામી દિવસોમાં વધુ ત્રણ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ બનાવવામાં આવનાર છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સારું શિક્ષણ મળે તે દિશામાં આવતા ત્રણ મહિનામાં રામનાથપરાની સંત તુલસીદાસ સ્કૂલ તૈયાર થઇ જશે.શનિવારે શિક્ષણ સમિતિ ચેરમેન અતુલ પંડિત અને સદસ્ય કિરીટભાઇ ગોહેલે રામનાથપરા વિસ્તારમાં નવી બની રહેલ સંત તુલસીદાસ શાળાની મુલાકાત લીધી હતી. આધુનિક સગવડ, સવલત સાથે ઉપયોગિતાની દૃષ્ટિએ કેટલાક સુઝાવ અને સુધારાની આપ-લે થઈ હતી.

શ્રેષ્ઠ અને ટકાઉ સાથે બાળકોને અને શિક્ષકોને પણ આકર્ષક, આનંદ અને ઉત્સાહ રહે એ પ્રકારના બાંધકામની સલાહ અને સૂચના ચેરમેન અતુલ પંડિતે આપી. બાળકોની સલામતીને પણ વિશેષ ધ્યાને લેતા ચેરમેન અને સદસ્ય સ્થાનેથી કેટલાક સૂચનો પણ આપવામાં આવ્યા.

અન્ય સમાચારો પણ છે...