રાજકોટ શહેરમાંથી પસાર થતી રેલવે લાઈનને કારણે અનેક સ્થળોએ ટ્રાફિક થાય છે અને તે માટે અલગ અલગ સ્થળોએ અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ બન્યા છે જોકે આ તમામ જૂના બ્રિજમાંથી બનાવાયા છે પણ વર્ષો બાદ નવું જ એક નાળું બનાવવા માટે રેલવેએ મંજૂરી આપી છે. આ નાળું એસ્ટ્રોન નાળા પાસે ડો. હોમી દસ્તુર માર્ગ પાસે બનાવાશે અને નાળું બનશે ત્યાં રોડ પર પહોળો કરી 15 મીટરનો કરાશે. એસ્ટ્રોન નાળાની પાસે જ આવેલા ડો. હોમી દસ્તુર માર્ગ પર રેલવે લાઈન ક્રોસ કરવા માટે નવું નાળું બનાવવા મનપાએ ગત વર્ષે જાહેરાત કરી હતી.
આ માટે રેલવેની મંજૂરી અને ડિઝાઈન માટે અધિકારીઓ સતત એક વર્ષ સુધી વાટાઘાટો કરી રહ્યા અને આખરે સફળતા મળી છે. રેલવેએ નાળું મંજૂર કર્યું છે તેમજ આ નાળાનું બાંધકામ રેલવે જ કરશે અને તે બદલ મનપા પાસે 2.8 કરોડનો ચાર્જ માગ્યો છે જે ટૂંક સમયમાં મનપા ચૂકવી દેશે. આ નાળું બનશે ત્યારે જ લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ એવીપીટીઆઈની જમીન લઈને હયાત 9 મીટરનો રોડ પહોળો કરીને 15 મીટર કરી દેવાશે.
પમ્પિંગ સ્ટેશન વગર પાણી નિકાલ થાય તેવી ડિઝાઈન બનાવાઇ
રાજકોટમાં લક્ષ્મીનગરના જૂના નાળા જેવું જ નાળું ડો. હોમી દસ્તુર માર્ગ પર બનાવવા રેલવે તૈયાર થઈ હતી પણ લક્ષ્મીનગર નાળામાં પાણી ભરાવાની સમસ્યા મોટી હતી તેથી નવા નાળાનો પણ ચોમાસામાં કોઇ ફાયદો મળે નહીં. તો રેલવેએ આ માટે મનપાને પમ્પિંગ સ્ટેશન બનાવવા કહ્યું હતું જો પમ્પિંગ સ્ટેશન બને તો તેનો ખર્ચ અલગથી કરવો પડે અને દર વર્ષે તેને સાચવવું પડે જે પણ ખર્ચ ભારે પડે. આ કારણે મનપાના અધિકારીઓ અને ઈજનેરોએ રેલવે સાથે મેરેથોન મિટિંગ કરીને ઊંડાઈ ઓછી કરીને પાણી ન ભરાય તે ડિઝાઈન માટે મનાવ્યા હતા. આવી ડિઝાઈન થતા વરસાદનું પાણી જે આવે તે પાણી સ્ટોર્મ વોટર ડ્રેનેજ મારફત એસ્ટ્રોન નાળા તરફ વળી જશે. જોકે ઊંડાઈ ઓછી થતા રેલવેને હયાત પાટા માટે અલગથી મજબૂતાઈ કરવી પડે અને તે કામ માટે રેલવે તૈયાર થતું ન હતું પણ નવી ડિઝાઈનને મંજૂરી મળી જોકે થોડો વધુ ખર્ચ ભોગવવાનો થયો હતો પણ તે પમ્પિંગ સ્ટેશન કરતા વધુ સરળ બન્યો છે.
નવા નાળાની લંબાઇ લક્ષ્મીનગરના જૂના નાળા જેટલી રહેશે
નવા નાળા વિશે અધિકારીઓ જણાવે છે કે, તેની ઊંચાઈ 2.5 મીટર અને બંને ગાળા 4-4 મીટરના હશે જ્યારે નાળાનો માર્ગ 18 મીટરનો રહેશે. આ રીતે આ નાળું પણ લક્ષ્મીનગરનું જે જૂનું નાળું છે તેટલી જ લંબાઈનું રહેશે પણ પહોળાઈ થોડી ઓછી રહેશે. જોકે તે નાળાની જેમ આ નાળામાં પાણી ભરાવાની સમસ્યા થશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.