પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો છે. ત્યારે આજથી એક મહિના પહેલાં ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી સાથે દિવ્ય ભાસ્કરે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી. આ વાતચીતમાં સંઘાણીએ હાર્દિક પટેલને કચરો ગણાવ્યો હતો, પરંતુ હવે હાર્દિક ભાજપમાં જોડાયા છે ત્યારે દિવ્ય ભાસ્કરે ફરી દિલીપ સંઘાણીને પૂછ્યું કે આ અંગે તમે શું કહેશો, ત્યારે તેમણે મૌન સેવ્યું છે. હાર્દિકના આગમનથી પાર્ટીની ઇમેજ બગડશે? 'આ પ્રશ્નના જવાબમાં દિલીપભાઈએ કહ્યું હતું કે હવે મને કાંઈ લાગતું જ નથી અને મારે કંઈ કહેવું નથી.
હાર્દિકના ભાજપમાં પ્રવેશથી ભાજપના નેતાઓ ચૂપ થઈ ગયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હાઈકમાન્ડનો હાલ દરેક નેતા પર હોલ્ટ છે. કોઈએ એક શબ્દ પણ બોલવાનો નથી. હાર્દિક ભાજપમાં આવે તો તકલીફ તો ઘણાને છે, પણ હવે કોઈ બોલવા તૈયાર નથી અને કડવા ઘૂંટ પી રહ્યા છે.
મારા મતે તેને ન લાવવો જોઈએ, કચરો ભેગો ન કરાય: સંઘાણી
એક મહિના પહેલાં દિવ્ય ભાસ્કરે દિલીપ સંઘાણીને પૂછ્યું હતું કે હાર્દિકને ભાજપમાં લાવવાના કોઈ પ્રયાસ ખરા? જેના જવાબમાં કહ્યું હતું કે મારા મતે તેને ન લાવવો જોઈએ, કચરો ભેગો ન કરાય.
અમે ન્યાયાધીશ નથી કે કોઈને દોષી માનીએઃ નીતિનભાઈ
તાજેતરમાં જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે હાર્દિકના પ્રવેશ અંગે કહ્યું હતું કે અમે ન્યાયાધીશ નથી કે કોઇને દોષી માનીએ. દેશસેવા માટે કોઇને ભાજપમાં જોડાવું હોય તો ભાજપ તેને મોટા પાયે આવકાર આપે છે.
હાર્દિકની એન્ટ્રીથી પક્ષમાં ક્યાંક ને ક્યાંક નારાજગી!
હાર્દિક પટેલના ભાજપમાં આગમન બાદ ભાજપના કેટલાક નેતાઓ કહી રહ્યા છે કે કોઈ ફેર પડવાનો નથી. હાર્દિક તો ઠીક ભાજપે નરહરિ અમીન, અલ્પેશ ઠાકોર જેવા કેટલાય નેતાઓને લઈ લીધા છે છતાં કોઈ ફેર દેખાતો જ નથી. એટલું જ નહીં, ભાજપમાં તો ગમે એટલી મહેનત કરશે તોપણ તેમનું લેબલ આયાતીનું જ રહેશે. હાર્દિકે ભાજપની સરકાર ઊથલાવવા માટે જે બેફામ નિવેદનો અને આક્ષેપો કરી આંદોલન કર્યા હતા, હવે તેને જ ભાજપમાં લેવાશે તો પક્ષમાં ક્યાંક ક્યાંક આંતરિક નારાજગી તો જોવા મળશે.
હાર્દિક માટે હવે શું ભૂમિકા હોઇ શકે?
ભાજપ હાર્દિકને આગામી વિધાનસભા ચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનાવી દેશે. હાલ હાર્દિકને સંગઠનમાં સીધી રીતે સમાવવાને બદલે તેના માટે કોઇ એક ચોક્કસ પદ ઊભું કરવામાં આવશે અને ત્યાં તેની નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત પાટીદાર સમાજની બહુમતી ધરાવતી કોઇ એક કઠિન બેઠક પર હાર્દિકને ચૂંટણી પણ લડાવવામાં આવશે.
ભાજપનો ગ્રાફ વધશે કે નહીં, પક્ષમાં ચર્ચા
ગુજરાતમાં છેલ્લાં 25 વર્ષથી એકહથ્થુ સત્તા સાંભળી રહેલા ભાજપ દ્વારા વિધાનસભામાં 150થી વધુ ધારાસભ્યો સાથે રેકોર્ડ કરવા માટે ભાજપ તનતોડ મહેનત કરી રહ્યો છે. એમાં પણ તે કોંગ્રેસના મોટા મોટા નેતાઓને ભાજપમાં ભરતી કરવા લાગ્યા હતા. એમ છતાં પણ ભાજપ 150 બેઠક સુધી પહોંચી શક્યો નથી. હવે ભાજપે પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલને કેસરિયો ખેસ પહેરાવવાનો છે ત્યારે ભાજપનો ગ્રાફ વધશે કે નહીં એ અંગેની ચર્ચાઓ ભાજપમાં શરૂ થઈ ગઈ છે. એમાં ભાજપ પણ હાર્દિકના મામલે બે ભાગમાં વહેંચાઈ ગયો છે. કેટલાક કહે છે, હાર્દિકના ભાજપ પ્રવેશથી 2017નું પુનરાવર્તન થતું અટકી શકે છે. એટલું જ નહીં, પાટીદારો જે નારાજ હતા તે પણ ભાજપતરફી આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.