રાજકોટમાં પોલીસનો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. પોલીસ અધિકારીઓ સબ સલામતની વાતો કરી રહ્યાં છે. પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ છે. રાજકોટમાં ગુનેગારો ઉપર પોલીસની ધાક ઓસરી રહી હોય તે મુજબ છાશવારે મારામારીના બનાવ સામે આવી રહ્યાં છે. આજે ઢેબર કોલોનીમાં બે જૂથ વચ્ચે સરા જાહેર સશસ્ત્ર મારામારી થઇ હતી. જેમાં ટોળું તલવાર અને છરી સહિતના હથિયારો સાથે જાહેરમાં રોડ ઉપર નીકળ્યું હતું. જેને જોઈ લીકોમાં ભયનો માહોલ ઉભો થઇ ગયો હતો. એક ધોકા-પાઇપ લઇને નીકળ્યા તે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા.
10 દિવસ પૂર્વે બનેલા બનાવમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ
રાજકોટમાં બિહાર જેવું આ દ્રશ્ય જોઈ પોલીસની ગુનેગારો સામેની કડક કાર્યવાહીની પોલ ખુલી પડી ગઈ હતી. કબૂતર લઇ જવા બાબતે 10 દિવસ પૂર્વે બનેલા બનાવમાં સામસામી પોલીસ ફરીયાદ નોંધાયા બાદ ફરી ઢેબર કોલોનીમાં સરા જાહેર હથિયારો સાથે ટોળાનો આંતક જોવા મળ્યો હતો. જે સમગ્ર ઘટના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. ઢેબર રોડ પર નારાયણનગરના ઝુંપડામાં રહેતા ભાદાભાઇ દુલાભાઇ સોલંકી (ઉ.વ.40) નામના યુવાનને તે જ વિસ્તારમાં રહેતા વિજય રામદાસ, પ્રેમજી રામદાસ, જીતુ રમેશ વાઘેલા અને મુકેશ રમેશ વાઘેલા સાથે ઝઘડો થયો હતો.
30 જુલાઈએ મારામારીની ઘટના બની હતી
ગત તા.30/07ના સાંજના પાંચેક વાગ્યે ભાદાભાઈ નારાયણનગર ચણાભાઇની હોટલની બાજુમા ગઢવીબાપાના મંદિર પાસે બેઠો હતો. ત્યારે નારાયણનગરમાં રહેતા વિજય રામદાસ, પ્રેમજી રામદાસ, રમેશ વાઘેલાનો દિકરો જીતુ તથા મુકેશ બધા તલવાર, પાઇપ અને કુહાડી લઇને આવેલા અને મને ગાળો આપી આજ તો તને મારી જ નાખવો છે તેમ જાનથી મારી નાખવાની ધમકી આપી અને બધા પોત પોતાના હથિયાર વડે સારા જાહેર હુમલો કર્યો હતો.
જૂના મનદુ:ખનો ખાર હુમલો કરવામાં આવ્યો હતો
આ હુમલામાં ભાદાભાઈને માથામાં તલવાર લાગતા લોહીલૂહાણ થયેલા અને હાથે અને પગે ગંભીર ઇજા થઈ હતી. ભાભી રેખા વચ્ચે પડવા આવતા તેને પણ માર મારવામાં આવ્યો હતો. જ્યારે સમાપક્ષે નારાયણનગરના ઝુંપડામાં રહેતા કાનાભાઈ વશરામભાઈ વાઘેલા નામના આઘેડે સુરેશ દુલા, સુરેશ હેમુ અને તેમના છોકરાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જૂના મનદુ:ખનો ખાર રાખી ભાદા દુલાને માર મારી ગાળો આપ્યા બાદ તલવાર, કુહાડી અને પાઇપ વડે મારમારી ઇજા કરતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કેટલાક વેપારીઓએ પોતાની દુકાનો પણ બંધ કરી દીધી હતી
આ અંગે ભક્તિનગર પોલીસ મથકમાં સામસામી ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી કરી હતી. આ બનાવ બાદ બન્ને પક્ષ જામીન મુક્ત થયા હતા. પોલીસનો ભય રાખ્યા વગર બન્ને જૂથ વચ્ચે ફરી માથાકૂટ કરી હતી અને જેમાં એક જૂથ ઢેબર કોલોનીમાં જાહેરમાં ઘાતક હથિયારો લઇ મારામારી માટે નીકળ્યું હતું. ટોળું તલવાર અને છરી સહિતના હથિયારો સાથે જાહેરમાં રોડ ઉપર નીકળ્યું હોય જેને જોઈ ત્યાં હાજર વેપારીઓ અને લોકોમાં ભયનો માહોલ ઉભો થઇ ગયો હતો. કેટલાક વેપારીઓએ પોતાની દુકાનો પણ બંધ કરી દીધી હતી. કોઈ મોટી લોહીયાળ ઘટના બને તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.