• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Middle aged Man Was Killed By Lightning While Covering A Pile Of Wheat In Tramba, Parents Went Missing After Abandoning A Newborn Girl In Civil.

રાજકોટ ક્રાઇમ ન્યુઝ:ત્રંબામાં ઘઉંના ઢગલા પર તાલપત્રી ઢાંકતા આધેડ પર વીજળી પડતા મોત, સિવિલમાં નવજાત બાળકીને તરછોડી માતા-પિતા લાપતા

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતકની ફાઈલ તસવીર

રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબામાં ત્રિવેણી નદી ત્રંબકેશ્વર નદી નજીક વાડી અને રહેણાંક ધરાવતાં કમલેશભાઇ ભીખાભાઇ ટીંબડીયા (ઉ.વ.44) સાંજે 6 વાગ્‍યે વરસાદ ચાલુ થઇ જતાં વાડીમાં ઘઉ વાઢી લેવાયા બાદ વધેલા પારાના ઢગલાને તાલપત્રી ઢાંકવા દોડયા હતાં. આ વખતે જ વિજળી તેમની છાતી પર ત્રાટકતાં તેઓ બેભાન થઇ ઢળી પડયા હતાં.ઘરના સભ્‍યોએ તુંરત જ 108 બોલાવી તેમને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે કમલેશભાઇએ દમ તોડી દેતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવ અંગે જાણ કરવામાં આવતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના ASI વી.બી.સુખાનંદી રાજકોટ પહોંચ્‍યા હતાં અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃત્‍યુ પામનાર કમલેશભાઇ ત્રણ બહેન અને બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ઘરના મોભીનો કમોસમી ગાજવીજ સાથે વરસાદમાં વિજળીએ ભોગ લેતાં કલ્‍પાંત સર્જાયો હતો.

સિવિલમાં નવજાત બાળકીને તરછોડી માતા-પિતા લાપતા
રાજકોટ સિવિલ હોસ્‍પિટલના કે.ટી.ચિલ્‍ડ્રન વિભાગમાં નવજાત બાળકીને તેના વાલી તરછોડીને જતાં રહેતાં વોર્ડના તબિબ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. કે.ટી. ચિલ્‍ડ્રન વિભાગના તબિબે હોસ્‍પિટલ પોલીસ ચોકીમાં જાણ કરી હતી કે તા. 25.02.2023 ના રોજ એક દિકરીનો જન્‍મ થયો હતો. તેના વાલી તરીકે સુરજ રાઘવન ડોલમા નામ લખાવાયું હતું. પરંતુ હાલમાં આ બાળકીના વાલી હાજર નથી અને વોર્ડ આસપાસ પણ મળી આવતાં ન હોઇ જેથી પોલીસ કેસ જાહેર કરવામાં આવ્‍યો છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પ્રદ્યુમનનગર પોલીસે તપાસ શરૂ કરી છે.

રીક્ષા ચાલક અનિકેત મનોજભાઈ રાઠોડ
રીક્ષા ચાલક અનિકેત મનોજભાઈ રાઠોડ

બાલાજી હોલ પાસે ઘરમાં ગાંજાનો વેપલો ચલાવતો રીક્ષા ચાલક ઝડપાયો
રાજકોટ શહેર SOG પોલીસે બાતમીના આધારે 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાસે આવેલા ચામુંડા નગર શેરી નંબર 1 માં રહેણાંક મકાનમાં રેઇડ પાડી રીક્ષા ચાલક અનિકેત મનોજભાઈ રાઠોડ (ઉ.વ.23) ને સાથે રાખી ઘરની ઝડતી લેતા તેમાંથી અલગ અલગ પેકેટ મળી આવ્યા હતા. જેમાં લીલી વનસ્પતિ હોય જે અંગે ફોરેન્સીક લેબના સ્ટાફને જાણ કરવામાં આવતા તેઓ પણ ત્યાં આવી ગયા હતા અને આ લીલી વનસ્પતિ ગાંજો હોવાનું જણાવ્યું હતું. તેનો વજન કરતા ગાંજાનો જથ્થો 2.203 કી.ગ્રા હતો જેની કિંમત રૂ.22 હજાર હોવાનું જણાયું હતું. તેના ઘરમાંથી એક વજન કાંટો પણ મળ્યો હતો જે કબ્જે કરી પોલીસે અનિકેત પાસેથી કુલ રૂ.27,630નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અનિકેત આ ગાંજો વેચાણ માટે લાવ્યો હોવાની કબૂલાત આપી છે. ત્યારે આ જથ્થો કોણે આપ્યો? એ અંગે હાલ વધુ તપાસ માલવીયા પોલીસ મથકને સોંપવામાં આવતા પીએસઆઈ મહેશ્વરી સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો
યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો

શેર બજારમાં 25 લાખ હારી જતા યુવકે ઝેરી દવા પીધી
રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ જીવનનગર શેરી નંબર.3 માં રહેતા યુવકે આજે બપોરના સમયે પોતાના ઘરેથી નીકળી રૈયા રોડ પર પહોંચ્યો હતો અને ત્યાં ઝેરી દવા પી લેતા તેમને 108 મારફતે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. યુવકને સંતાનમાં એક પુત્ર છે તેમજ પોતે એક ભાઈ એક બહેનમાં મોટો છે પોતે શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેના જણાવ્યા મુજબ,તે શેર બજારમાં 20 થી 25 લાખ જેવી મોટી રકમ હારી જતા તેમણે આ પગલું ભરી લીધું હોવાનું રટણ કર્યું હતું. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે કૌશિકનું નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...